RSS

લેખકો સ્ત્રીઓ વિશે ખૂબ ખૂબ લખે છે…

કોઇ પણ પુરુષ હોય,તે ધંધાદારી હોય,નોકરિયાત હોય,મજુર હોય,ગુંડો હોય,સાધુ હોય કે બ્રહ્મચારી હોય.બધાના મનમાં સ્ત્રીઓનું એક સ્થાન રહેલુ હોય છે.

જે કવિ છે,લેખક છે,ચિત્રકાર છે,કલાકાર છે,પ્રેમી છે,કુદરત અને સૌંદર્યનો આશકત છે.તેઓના મનમાં સ્ત્રીનું સ્થાન મન સુધી જ સિમિત નથી.એના શરીરના અણુઓમાં,હ્રદયમા અને આંખોની પલકોમાં સમાયેલુ હોય છે.આવા લોકો માટે સ્ત્રી ફકત ભોગવવાની જ વસ્તું નથી.તેઓ માટે સ્ત્રી એક સૌંદર્ય છે,કલાનો હાર્દ છે,એમની અંદરની શકિતને ઉજાગર કરનાર એક પ્રોત્સાહક પરિબળ છે.

બક્ષી સાહેબે લખ્યુ છે કે કોઇ પણ નવો લેખક મોટે ભાગે બે વિષયો ઉપર લખીને શરૂઆત કરે છે-ઇતિહાસ અને સેકસ.

મને સ્ત્રીઓ ઉપર લખવું ગમે છે,કારણકે સ્ત્રીઓ છે તો યોધ્ધા જન્મે છે અને ઇતિહાસ રચે છે.સ્ત્રીઓ છે તો સેકસ છે અને સ્ત્રીઓ છે એટલા માટે યોધ્ધા લડે છે અને મરે છે.

સેકસ-સ્ત્રીઓ વિના આ શબ્દની કિંમત કોડીની થઇ જાય.પગની પેનીથી લઇને માથાના વાળ સુધી..નજરમાં પડતું,આંખોને મુગ્ધ બનાવતું,સાઠી વટાવી ગયેલા લેખકોને યૌવના આશિર્વાદ આપતું,મોતિયા ઉતરાવેલી આંખોમાં કામણ આંજતું,યુવાનોને સતત પ્રોત્સાહિત કરતું,બ્રહ્મચારીઓના બ્રહ્મસત્યને મિથ્યા બનાવતુ,મૃતિકારોને આહવાન આપતું,ચિત્રકારોને પીછીને ચેતનવતું બનાવતું,તરૂણૉને રહસ્યમય લાગતું,મુગ્ધતાને માંગણ બનાવતું,કાંમાધને મોહાંધ બનાવતું,કવિઓને સતત ઝુલ્ફી છાંયમાં રાખતું-આવા તો અસંખ્ય ખૂબસૂરત બનાવોની પાછળ જવાબદાર છે-સ્ત્રીનું શરીર-લોકો માટે સેકસ એટલે સ્ત્રીનું શરીર.

પુરુષોની આંખોમાં સ્ત્રીનું સ્થાન નથી.સ્ત્રીના શરીરનું સ્થાન છે.સ્ત્રીઓના અંગઉપાંગોનું સ્થાન છે.સિવાય કે માતા અને બહેન.પિતાની અને પોતાની.

મુનશીથી મેઘાણી,બક્ષીથી ભટ્ટ,દેસાઇથી ઠાકુર,અલિસથી ગ્રે,પ્રભુપાદથી રજનીશ,જિબ્રાનથી મોંપાસા,ફલોબર્ટથી મોરાવિયો,જોષીથી રાણપુરા..આવા તો અંસખ્ય નામી-અનામી લેખકોએ સ્ત્રીઓના સૌંદર્ય,પ્રેમ,કટાક્ષ,વાસના,વખાણ,પત્ની,પ્રેમિકા,મુગ્ધા,તરૂણી..જેવા અનેક ભાવો અને વિશેષણોમાં વણીને કલમમાંથી કાગળમાં ઉતારીને સ્ત્રીવિશ્વની સૌંદર્યતાને શૃંગારતાથી લસરતી,લઝરતી, હ્રદયની વાણીને લેખની બનાવીને વાંચકોને મંત્રમુગ્ધ બનાવ્યા છે.

અરે ! આ બધા તો પામર મનુષ્યો છે.શીવ,કૃષ્ણ,બ્રહ્મા,વિષ્ણૂ,મહેશ અને ઇન્દ્ર જેવા દિવ્યાત્માઓ પણ પોતાનું દૈવત્વ છોડીને સ્ત્રીઓની પાછળ માનવ આચરણમા લાગી પડ્યા હતાં.

તો આવા સૌંદર્યના તીરથી લેખકો બાપડા થોડા બચી શકે?જે લેખકો ધાર્મિક ઓથાર તળે જીવે છે.જેઓને માટે સ્ત્રી અને સેકસ મિથ્યાતત્વ છે,તત્વહિન છે,લાગણીવિહિન છે,સત્યહિન છે..આવું લખવાવાળા માટે સંસાર આસાર છે.

મને સ્ત્રીઓ વિશે લખવામાં આંનદ આવે છે.કારણકે બાળપણથી સ્ત્રીઓ પ્રત્યે મને સોફટકોર્નર ર્હ્યો છે,એક એવા વિસ્તારમાં મારી જિંદગીના શરૂઆતી ૨૨ વર્ષ વિતાવ્યા છે.જ્યાં ભાભીઓના ટૉળા,છોકરીઓના ઝુમખા,દાદીઓના ઝુંડ અને નાની નાની બાળસખીઓ સાથે મારો ઉછેર થયો છે.આ બધી સ્ત્રીઓના કારણે અને તેઓના થકી મળેલા પ્રેમાળ બાળપણના કારણે મારામાં ખડતલ પૌરુષિક તત્વ ઉમેરાય ગયું છે.

આ લોકોએ સ્વાર્થ વગરનો પ્રેમ આપ્યો છે,એક નાના બાળ તરીકે,મુગ્ધ તરુણ તરીકે,ભાભીઓના દેર તરીકે,માતાઓના પુત્ર તરીકે..અને ખાસમ ખાસ,બે ત્રણ છોકરીઓના પુરુષમિત્ર તરીકે,મારો ઉછેર થયો છે.

આ બધી જવામર્દ સ્ત્રીઓ હતી.અમુક વિધવાઓ હતી અને સ્વમાનથી જીવતી હતી.ત્યારે ઘણી સ્ત્રીઓના પતિ સાઉદી અરબમાં કમાવા ગયા હતાં.અમુક સ્ત્રીઓના પતિઓ વ્યસ્ત રહેતા હતાં.જેમણે અમારા વિસ્તારના લગભગ ૧૦થી ૧૨ છોકરાઓનો સામુહિક ઉછેર કર્યો હતો.તદ્દન નિસ્વાર્થ પ્રેમ જેને કહેવાય એનું સત્ય હું સાત-આઠ વર્ષે જાણી ગયો હતો..

મારા ફેવરિટ બક્ષીસાહેબે એક વાકયમાં સ્ત્રીનું મહત્વ એમની શૈલીમા સચોટ રીતે સમજાવ્યું છે.

“હિંદુઓ મૂર્તિ પૂજક છે,હિંદુઓ મ્રુત્યુ પૂજ્ક છે.જીવતી સ્ત્રીના માંસને પ્રેમ થાય્,મરેલી સ્ત્રીના હાંડ્કાને પ્રેમ થાય્ છે,અને એક જ સ્ત્રીમાં આવાં હાડકા અને માંસ ભરીને જાન ફુંકી શકનાર એ મહાશકિતને આપણે વંદન જ કરી શકીયે એટલી જ આપણી શકિત છે.”

સ્વાંમી વિવેકાંનંદ જેવા મહામાનવ માટે સ્ત્રીની હાજરી કેવું પ્રોત્સાહક પરિબળ છે?એ એમનાં જ લખાણ ઉપરથી સાબિત થાય છે.

“માય ડીયર નિવેદિતા,હવે હું સશક્ત થઇ ગયો છું.માનસિક રીતે હું આટલો સશકત ક્યારેય નહોતો…માર્ગો,…મારી નર્વઝ અને મારી ઇમોસન વચ્ચે અત્યારે આપણે બધું જ ગબડાવી દીધું છે.-વિથ ઓલ લવ -વિવેકાનંદ.”

સ્ત્રીઓ માટે લખવામાં ઝવેરચંદ મેઘાણી જેવા કાઠિયાવાડી રસમય શૈલીણા લથબથ સાહિત્યકાર પણ ભાવુક બની જાય છે.જેની કલમે સાહિત્યની રસલહાણને બહારવટીયાની જેમ લૂટી છે,એમનાં જ શબ્દોમાં …

“ક્લાકોના કલાકો સુધી એને નિરખ્યા કરવી,એની મુખમુદ્રા અને દેહલત્તાની એક એક રેખા ઉકેલ્યા કરવી,એના હોઠ ઉપર પલકારા મારતાં હાસ્યને તેમ જ તેની આંખોમા ખેલતી ચપળતાને ચોરીને જોયા કરવી.એથી વધું આંનદની ક્રિયા જગતમાં બીજી કંઇ હોય શકે..”

(ઝવેરચંદ મેઘાણી..સત્યની શોધમાં.૧૯૩૮)

થોડી સી વીજડી અને અષાઢી મેઘ,

લઇ ને બેઠેલ હશે બ્રહ્મા,

હે..ભુલકણા દેવ..!,

તમે પંખીડુ વિસરી અને,

ધડી કેમ માનવ કન્યા…!!

(યુગવંદના)

“કાબરચીત્રા કેશનુંયે એક અનોખું રૂપ હોય છે.ઘણા થોડાને જ એ રૂપની શરત રહે છે.એ જ પ્રમાણે એ મોં નો ઘાટ,ચામડીનો વર્ણ,આંખોનો આકાર અને ડૉળાનૉ પ્રકાશ-આ બધા અંગોની શોભા એવી હતી કે જોનારને ભુતકાળમાં લઇ જઇને એવા ભણકારા જગાવે કે આ સ્ત્રી એક વાર તો રૂપાળી હશે.એ ભણકારા જોનારાને મનને વિશે વર્તમાનરૂપના અવશેષ કરતાં ભુતકાળનું વધું આકર્ષણ ને કૌતુક ઝણઝણાવી રહે,એવી હતી એ બાઇ..”
(ઝવેરચંદ મેઘાણી)

“કોઇ રાજકોટ,જેતપુર કે જામનગરની કન્યા.છ-સાત ચોપડી ભણેલી હોવી જોઇએ.રૂપાળી હોવી જોઇએ.ગોરી મઢમ જેવી હોવી જોઇએ.સાડીને પીન ભરાવતી હોવી જોઇએ.પોલકાની બાંય ખંભાથી હેઠી હોય તો નહી ચાલે.મહેમાનો આવે ત્યારે જોડે બેસીને આજે કયું સિનેમા-પિક્ચર સારું છે તે કહીં શકે એવી..”(ઝવેરચંદ મેઘાણી…૧૯૪૦)

“સુનિલાની એ માંગણીમાં પુરુષના પૌરુષની ભુખ હતી,મર્દના પાણીની પ્યાસ હતી.પોતાનો પ્રેમ ચાહનાર પુરુષ પોતાનાથી સવાયો,તેજવંતો,દ્રષ્ટિ માત્રથી ડારતો,પાતાના પ્રતાપના તેજપૂંજમાં સ્ત્રીને લપેટી લેતા,અદિન,અકંગાલ “ધણી” હોવો જોઇએ..એ જ સર્વે સ્ત્રીઓની દિલ ઝંખના….”(ઝવેરચંદ મેઘાણી..૧૯૪૦)

“સાડી,ચોળી અને ચણીયો-એ સ્ત્રી પોષાક ચાડીયો છે.જોબનને ઢાંકવાના ઢોંગ કરતાં કરતાં એ તો જાણૅ સીસકારા કરી કહી આપે છે કે,”જુઓ શીકારી…,તમારું હરણૂ આ બેઠુ અમારી ઓથમાં લપાઈ ને…”..(ઝવેરચંદ મેઘાણી)

મેઘાણી સાહેબમાં એક પ્રેમાળ પતિની કવિ જીવ કેવો ખીલે તે જોઇએ.

“વ્હાલી દેવડી,હેત ભર્યા કાગળૉ મળ્યા.આપણી ઓસરીમાં ઝરમરતો ચન્દ્રમાં અને તે કરી રાખેલી પથારી એવી નાનકડી વાતમામ પણ હું કવિ છતાં નવીન પ્રાણ નિહાળુ રહ્યો છું.પહેલી વાર આપણા લગ્નજીવનમાં કાવ્યની સરવાણી ફુટતી લાગે છે.તારામાં ઉંડા ઉંડા સ્નેહગાન સંઘરાયા છે..આજે આટલુંજ,વ્હાલી!કાલે વળી લખીશ.તું નિરાંતે નિંદ્રા કરજે.એવો કાળ ચાલ્યો આવે છે કે જ્યારે હું અને તું બે જ એકબીજાના આધાર બનીશું..”
‘લિ.ઝવેરચંદના ઘણા ચુંબન.’

પ્રતિમાઓ-૧૯૩૮ની એક વાર્તામાંથી,’એ વખતે સંધ્યાના તેજમાંથી ઘડેલી પતિમા જેવી સ્ત્રી ત્યાં દાખલ થઇ.વચલા રસ્તા પર ચાલતી,બંને બાજુએ હારબંધ ગોઠવાએલા ચહેરાઓને તપાસતી તપાસતી,પોતાના રૂપના દોરે આ બસ્સો જણાઓની આંખોને પોરવતી પોરવતી,તાલબધ્ધ પગલે લાદીના પથ્થરોમાં પ્રાણ જગાવતી સ્ત્રી આગળ વધતી ગઇ.’

‘હસતા મોં વાળી,હેતભરી અને અમૃત ઝરતી આંખો વાળી ભલેને પારકી પ્રિયતમાં હોય,તો પણ એને કદી કાંટોય ન વાગે.’

‘અરેરે..કોઇ બહું બોલનારી,જીભ ઉપર કાબૂ ન રાખનારી નારી ભલેને પોતાની સ્ત્રી હોય,તો યે એને કાળૉતરો કરડજો.’

મેઘાણી સાહેબની કલમનો એક વધું રસઝરતો નમૂનો.’શહેરની એક વ્યાયમ સંસ્થાના ઉત્સવમાં પ્રમુખપદ શોભાવવા જવાની તૈયારી કરી બેઠેલી એ કંચનના બરડા ઢંકાયેલો આછો સાળુ દેવુની ભયભરી તીરછી આંખોએ શું શું બતાવી રહ્યો હતો?અધઢાંકી ફૂલ-વેણીઃપાતળી ગરદન ફરતી સાદી હાથીદાંતની પારાની માળા,કાનની બુટૅ લળક લળક ઝૂલતા એરિંગ,આછા રંગનું પોલકુ,ને પોલકા ઉપર અંબોડાની નીચેની,સીધી નિર્ઝરતી કોઇ રંગ ત્રિવેણી સમી,પેલી હાથીદાંતની માળાની પાછલી રેશમી દોરી,દોરીના છેડે પાછું ફુમકુ.ને ઓહ !તે પછી નજર નીચે ઉતરી…ને નિહાળી રહી સ્ત્રી-દેહનો ભર્યો ભર્યો પાછલો કટીપ્રદેશ….!!!

વાહ મેઘાણીજી..!રંગ છે આ સૌંદર્યની વરણાગી કલમને…એક બાઇની કટીના વર્ણન માટે આટલી મહેનત..કદાચ પગની પેનીથી માથાના વાળ સુધીનું વર્ણન આખેઆખું હોય તો આવી બાયુને બથુ ભરવા બહારવટે ચડવુ પડે…

વધું આવતા હપ્તે અન્ય લેખકોના લખાણૉ…

નરેશ કે.ડૉડી

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: