RSS

ન્હાનાલાલની કવિતાઓનું એક અલગ સ્વરૂપ હતું.

કવિ હ્રદયનું હમેશાં પ્રકૃતિ સાથે મજબૂત બંધન હોય છે.પણ પ્રકૃતિને કાવ્યમય બનાવવી અને શબ્દોમાં ઉતારવી થોડી અધરી પ્રક્રિયા છે.આ બાબતે ન્હાનાલાલ પાસે અનોખી દ્રષ્ટિ હતી.કવિતાઓનું સૌંદર્ય કવિઓના દિલમાં હોય છે અને કુદરતનું સૌંદર્ય એની સૃષ્ટીમાં હોય છે.

 

ઉછળતી લટો જેવી અલકનંદા,ધોળો ધજાળો હિમાલય,ગરવો ગઢ ગીરનાર,લીલા લીલા પાઇનવૃક્ષોની હારમાળથી શોભતો હિમપ્રદેશ,રંગબેરંગી પૂષ્પોથી શોભતી કાશ્મીરની વાદીઓ,લાંબા ચોટલાને હાથમાં રમાડતી ને ફુમકાને ફેરવતી જતી મુગ્ધ ગ્રામ્યકન્યાઓનાં દિલમાં તું કઇ રીતે વસે છે……ઓ કવિ…!

 

ઓ કવિ,એ ગ્રામ્યકન્યાના દિલની ભાષા કંઇ રીતે સમજે છે?કુદરતી સૌંદર્યને તું કંઈ રીતે કવિતાઓમાં આત્મસાત કરે છે….ઓ કવિ?

 

ન્હાનાલાલની કવિતાઓનું એક અલગ સ્વરૂપ હતું..એક આગવી છટા હતી.પ્રિયતમની વાટ નિહાળતી એક પ્રિયતમાની ઉર્મિઓની રસાળ  કાવ્ય રચના માણીયે

 

મ્હોરી મ્હોરી આંબલિયા કેરી ડાળ રે!

એ રત આવી,ને રાજ,આવજો રે

ના આવ્યા એ નણંદલના વીરા

કે પૂર્ણીમાં પાછી ઉગી રે;

 

ખૂંચે ફૂલની પાંખડી,

ખૂચે ચંદ્રની ધાર

!ઉરના એકાન્ત મ્હારા ભડકે બળે

 

માનવમનનાં પ્રણયનાણ ભાવને ન્હાનાલાલે ફૂલવેણીની જેમ ગુંથ્યા છે,એ ફૂલવેણીના ફૂલો શબ્દો બની ગયા હોય તેવું લાગે છે!

 

રમણલાલ વી.દેસાઇએ લખ્યું છે કે,’કવિઓ અને ગવૈયાઓ નારી જાતિ ખરા!”

 

એક સ્ત્રીના હ્રદયના ભાવ જ્યારે ઉછળીને કલમમાંથી શબ્દોરૂપે પુરુષકવિ જ્યારે કાગળ ઉપર ઉતારે છે ત્યારે તે કવિ જ હોય છે પણ શરીર અને હ્રદય સ્ત્રીના હોય છે

 

દૂર દૂરની કુંજમાં મોર કરે ટહુકાર સખી!

ટહુકામાં જીવવું મોંઘા મોર દિદાર

હું તો ગઇ’તી કંદબના ઝાડે;

કંદબના ફૂલો લેવા;

એહ આવ્યા મારી દેહના ડાળે

કંદબના ફૂલો લેવા.

 

આ કવિતાની રચનાકાર કદાચ સ્ત્રી કવિત્રી હોય તો આવી રચના,મારા માનવા મૂજબ લજ્જાના એક પાતળા આવરણ હેઠળ ઢંકાય જવાની પૂરતી શકયતા છે.

 

ગીરમાં વસતી કાઠિયાણીના હ્રદયની વાત ન્હાનાલાલ પોતાની કવિતામાં શબ્દોની ઉર્મિના સ્વરૂપે રજુ કરે છે.

 

આભ ઢળ્યા ધરતી ઉરે,

ત્યાં ગોંરભે કંઇ ગીર કુંજે બોલે મોરલો,

મ્હારે હૈયે બોલે નંણદલવીર

 

સ્ત્રીઓનાં હ્રદયમાં કવિઓએ ‘નણંદલનાવીર’નું એવું સ્થાન આપ્યું છે કે સ્ત્રી માટેની દુનિયા એટલે ‘નણંદલનોવીર’….હે પુરુષવાંચકો(કુંવારાઓ)નણંદલનાવીર બનવાં તૈયાર થઇ જાંઉ.

 

ન્હાનાલાલનું પુરુષ હ્રદય બોલે છે

 

એમની વાર્તા’સમર્પણ’ની નાયિકાના મુખેથી નીકળતા શબ્દો

 

પુરુષના સમર્પણે ક્ય્હા ઓછા છે?સારો ય દિવસ પ્રાણનો પરસેવો કરો છો,દુનિયાની દિવાલો વચ્ચે અથડાઓ છો,જનતાના ખડકો ઉપર પછડાઓ છો.તહ્મ્ને વાગતા હશે કે નહીં વાગતા હોય દેહને દેહીને સંસારના ઘા?ઉર્પાજી ઇર્પાજીને ધનના ઢગલા કરો છો,અમને શણગારો છો..પડળ પડ્યા હશે કો રૂપગર્વિલીને રૂપના તે પેખતી નહીં હોય પુરુષના સમર્પણ..વસાવૉ ઘડીક જુદા ગામમાં વરના મુલ્ય સમ જે …પુરુષદ્રોહી સ્ત્રીઓને પુરુષશૂન્ય સ્ત્રીનગરીમા વર્ષભર રહેવાની સજા ફરમાવો..પછી જુઓ મજા એ રૂપગર્વિલીઓની તાલાવેલીની…

(કવિ ન્હાનાલાલ)

 

છે ને કંઇક ન્હાનાલાલની એવી વાત ! નણંદલનાવીરોને મજા આવી જાય તેવી

 

ન્હાનાલાલની વાર્તા ‘વીજળીની વેલ’ની નાયિકાના મુખેથી નીકળતા શબ્દો,”તમારી ભૂખ અમારા વિના ભાગતી નથી ત્ય્હારે ત્મહે કહેશોઃ’તમ્હારે વિના અમારે કેટલુંક ચાલ્યું!ને તમ્હારા વિના અમારી તરશ કેટલી છીપી!?….સ્ત્રીની જાત સાચું બોલતા કે’દી શીખશે…ત્ય્હારે જગત જાણશે કે પુરુષને સુંદરીની સુંદરતાનાણ કોડ છે એથી ચારગણા સુંદરીને પુરુષનાં પુરુષાતનના કોડ છે.”

 

ત્યારે જમાનો પુરુષોનો હતો.પુરુષલક્ષી રસ્મોરિવાજો હતાં.સ્ત્રી માત્ર ઘરનું આભુષણ હતી.

 

સ્ત્રીની તાલાવેલીની રજુઆત ન્હાનાલાલે ખૂબ જ અસરકારક રીતે રજુ કરી છે.

 

રોકયું-મ્હેં રોક્યું મનને;

આંખલડીયે ન ફરકવા દીધું

આજ નથી રહેતું ઝાલ્યું!

વનવનમાં જઇ ઉડે છે;

ક્ન્થ કોડામણાની ભાળમાં

 

પુછશોમાં.કોઇ પુછશો માં

મ્હારા હૈયાની વાતડી પુછશો માં;

સ્નેહીના સોણલા આવે,

સાહેલડી!

ઉરના એકાન્ત મ્હારા ભડકે બળે;

 

હૈયાનાણ હેત તો સતાવે,

સાહેલડીઆશાની વેલ મ્હારી ઉગી ઢળે.

 

અષાઢી આકાશે ગોંરાભાયેલા વાદળોને જોઇને,છાજલી કરતી ગ્રામ્યકન્યાઓનાં માંહેલા ઉરમાં વિરહની અગ્નિનાં ભડકા બળે છે.છાજલી કરીને આકાશે મીટ માંડી પ્રિયતમ સમ મેઘને આહવાન આપે છે….હે મેઘ !આપ પધારો…

 

વર્ષાઋતુંનું શાંત આગમન પ્રેમીઓનાં હ્રદયને આહવાન આપે છે.મનુષ્ય અને પ્રાણીઓને કામાતૂર બનાવતાં રસાયણો આભમાંથી ધરતી પર પડે છે,મુગ્ધગ્રામ્યકન્યાઓનાણ ભીંજાતા વલ્કલ અને આંતરવસ્ત્રોની આરપાર દેખાતું કાચસમુ સ્ફ્ટીક શરીર જોઇને કાલિદાસનું મેઘદૂત યાદ આવી જાય !તો ન્હાનાલાલ જેવા કવિહ્રદય વર્ષાઋતુંમાં શાંત બેસી રહે..?

 

ઝરમર ઝરમર મેહુલો વરસે આછે નીરે;

ઉન્હે આંસું નયનો ભીંજે’

એવા એવા ભીંજે મ્હારા ચીર ;

ઓ સાહેલડી!

ઉરના એકાન્ત મ્હારા ભડકે બળે..

 

શરદપૂનમ સ્વચ્છ આકાશમાં પૂર્ણિમાં ધવલદેહે પ્રકાશિત થઇને પોતાની રોશનીથી પૃથ્વીને ધવલ બનાવે છે,ત્યારે પ્રેમી અને પ્રેમિકાનાં હ્રદય ચાંદ પર બિરાજવા આતૂર બની જાય છે.શ્વેત ચાંદનીના પ્રકાશમાં પ્રેમિકાનાં રૂપને નિહાળતો પ્રેમીને પ્રેમિકાનાં દેહમાં ધવલદેહી ચાંદની ઉતરી હોય એવું લાગે છે.પ્રેમિકાનાં દેહ અને અંગોનાં વળાંકોમાં,પ્રેમીને તો એમ જ લાગે કે પ્રેમિકાનાં સ્વરૂપે શરદપૂર્ણિમાંનો ચાંદ સાક્ષાત પ્રેમિકારૂપે ઉતરી આવ્યો છે.ન્હાનાલાલની કવિતા આ ભાવોનું તાદ્દશ વર્ણન કરે છે.

 

લજ્જા નમેલું નિજ મન્દ પોપચું;

કો મુગ્ધબાલા શરમાતી આંવરે;

ને શોભી રહે નિર્મલ નેનની લીલા;

એવી ઉગી ચન્દ્રકલા ધીરે ધીરે.

 

 

મદે ભરે ઝીણી ટીલડી કરી;

સોહાગી દેહે રસપામરી ધરી;

શોભે ઉભી સુંદરી જેમ બહાવરી એ;

ચન્દ્રી ચ્હડે છે નભની અટારીએ.

 

વિષય,કાવ્યની અનેરી છટા,પૌરુષિકતા,હ્રદયની પ્રેમઝંખનાં,વિલાશમય સભ્યતાની અનેરી ઝલક,સ્ત્રી દેહની રચનાની ઉંડી સમજ,ભાતીગળ વસ્ત્રોની ચોક્કસ જાણકારી,ઉર્મિઓની અભિલાષા,કુદરતી સૌંદર્યની સચોટ સમજણ,ઇતિહાસ અને ભૂગોળનું જ્ઞાન…આ બધી વસ્તુંઓ સિવાય ન્હાનાલાલની ડોલનશૈલી એમનું કાવ્યમય હથિયાર હતું.

 

અમારા શહેર જામનગર અને જામનગરની નારીઓનાણ સૌંદર્યથી ન્હાનાલાલ જેવા કવિ પણ અભિભૂત થઇ ગયા હતાં.પરિણામે ન્હાનાલાલે જામનગર શહેર અને નારીઓનાં સૌંદર્યને કાવ્યમાં ઉતારીને એક અનોખું સૌંદર્ય બક્ષ્યું છે.

 

માણેકઘેરો કુંકુમનો ચંદ્ર્ક,સૌભાગ્યના શણગાર,વસંતરંગી કમખો,ફરતી ઝૂલતી ઘેરનો ઘાઘરો,ઉપર ફુલડે ફુલેલી ફુલવાડી સમી નાર સોહામણી,જાણૅ ચિત્રામણવર્ણી,ઝૂલ ઝૂલાવતી હાથણી ચાલી!વેદવિધ્યાના વ્યાપાર,લક્ષ્મીની રસિકતાના ત્યહારે જામનગરે ફુવારા ઉડતા.

 

(કવિ ન્હાનાલાલ..જામનગરની સ્ત્રી વિશે.)

 

‘જામનગરી રસિકડો પણ કેવો!કે મૃત્યુંને પણ રસપ્રદ બનાવ્યું છે અને સોળે કલાએ સજાવ્યું છે.ભારતમાં અને કદાચ વિશ્વમાં પણ આવું સૌંદર્યધામ સમું સ્મસાન નહી હોય ?જામ નગરીએ રસમાં આડો આંક વાળ્યો છે.

 

(કવિ ન્હાનાલાલ – જામનગરની પ્રજા અને સ્મસાન વિશે)

 

છંદના ઝાંઝર બંધનરૂપ લાગતાં કવિ ન્હાનાલાલે નાની-મોટી પંક્તિઓમાં આંતરિક લય જાળવીને ડોલનશૈલીની રચના કરી હતી જે કદાચ આપણી ભાષામાં છંદ-મુક્તિનો પ્રથમ પ્રયોગ હતો. આ શૈલીમાં ભાવનાતત્ત્વને કેન્દ્રમાં રાખી લખેલાં કેટલાક નાટકોમાંના “ઇન્દુકુમાર અંક:1″માંનો અછાન્દસ ખંડ અહીં લીધો છે. દેશભક્ત નેપાળી જોગણ નામની સંન્યાસિની ભારત અને એની પ્રાચીનતમ સંસ્કૃતિની લાગણીસભર પ્રશંસા કરી ભારતમહિમા ગાય છે. એમાં સ્વદેશવત્સલતા છે અને સચ્ચાઈનો ભાવ પણ છે. ભારતની અહિંસા, સત્ય, ધર્મ, આધ્યાત્મિક્તા વગેરેની સંપત્તિને કવિએ છટાદાર વાણીમાં વ્યક્ત કરીને પોતાનો દેશપ્રેમ-સંસ્કૃતિપ્રેમ સબળ રીતે વ્યક્ત કર્યો છે.

 

(કાવ્ય અને ટૂંકનોંધ ‘ગુજરાતી વાચનમાળા’ ધોરણ-૯, ૧૯૮૧માંથી સાભાર-વાયા-લયસ્તરો)  પ્રાચીનોમાંયે પ્રાચીન,પૃથ્વીની પહેલી પુત્રીછે આર્યાવર્તની આર્યપ્રજા.

 

જગતના મહાધર્મોની ધાત્રી,

પૃથ્વીના તત્વજ્ઞાનની જનની

પ્રેમશૌર્યના રણશિંગડા સરિખડી

ગગનભેદી સદા કવિતા ગાતી,

 

વેદોચ્ચારિણી યશસ્વિની  અંબા

ભારતમાતા બીજી નથી અવનિ ઉપર.

 

એના વિજયટંકાર રક્તરંગી નથી,

દેહના નહીં, પણ દૈવી છે;

આત્માની પરમ શાન્તિના છે;

જડના નથી,

ચેતનના છે

માટે જ દૃશ્ય છે ચેતનદ્રષ્ટાને.

 

યુગયુગથી લૂંટાય

ત્હોય સદા શણગારવતી શોભતી :

સૈકે-સૈકે ઘવાય ત્હોયસદાની એ સજીવન.

 

નક્ષત્રમાલાની પરંપરા સમી

ત્હેના ધર્મોદ્ધારકોની પરંપરા

બીજું આકાશ હોયતો દાખવાય ત્હેમાં.

 

સમસ્ત દુનિયાના ઈતિહાસનું

મધ્યબિંદુ છે એશિયા :

ને ભરતખંડની મહાકથા છે

એશિયાના ઈતિહાસનું કેન્દ્ર.

 

પૂર્વ અને પશ્ચિમનાં પલ્લાંનીદાંડી ભારત છે;

ને ઉભય ગોલાર્ધની દૈવી સંપત્તિ

તોળશે તે નજીકના ભવિષ્યમાં.

 

મુગ્ધાના હૃદયમાં થતા પ્રથમ પ્રેમોદયની

સુકુમાર ભાવોર્મિનું મનભાવન

ચિત્ર એટલે આ કાવ્ય.

 

પ્રથમ વરસાદના ઝીણા-ઝીણા

ફોરાં આખી સૃષ્ટિને ભીંજવે છે.

પપીહા, મોર, વાદળ,

મુગ્ધાની માળાથી માંડીને

કાચા કુંવારા કૌમારની ચુંદડી

અને પ્રિયજનના નેણ

અને આખ્ખેઆખ્ખી શરદ ઋતુ

પણ ભીંજાઈ જાય છે.

 

બીજા અર્થમાં અહીં પ્રેમવર્ષાની વાત છે… વ્યક્તિથી લઈને સમષ્ટિના સમૂચાં ભીંજાઈ જવાનું ચિત્ર આખું એવું મનહર થયું છે કે એમ થાય બસ, ન્હાયા જ કરીએ…ન્હાયા જ કરીએ…

 

(વેણાં=વાંસળી, આનંદકન્દ= આનંદના મૂળરૂપ પરમાત્મા, પડછંદા= પડઘા, હેરે=નીરખે, મધુરસચંદા= મધુર રસથી ભરપૂર ચંદ્ર, પ્રિયતમ.-વાયા- લયસ્તરો) આ પ્રાર્થનાની પ્રથમ ચાર પંક્તિથી તો સહુ સુમેળે પરીચિત હશે જ. પણ આખી પ્રાર્થના બહુ થોડા એ જ વાંચી હશે. ન્હાનાલાલ કવિ (16-3-1877 થી 9-1-1946) એ કવિ દલપતરામના સુપુત્ર. ડોલનશૈલી નો પ્રાદુર્ભાવ એમણે કર્યો. લાલિત્ય અને લાવણ્યસભર ગીતો, ખંડકાવ્યો, કરુણ પ્રશસ્તિકાવ્ય, નાટકો અને મહાકાવ્ય થકી એમણે ગુર્જરીને સતત શણગારી.

 

અસત્યો માંહેથી પ્રભુ !

પરમ સત્યે તું લઈ જા,

ઊંડા અંધારેથી, પ્રભુ !

પરમ તેજે તું લઈ જા;

મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ !

લઈ જા,તું-હીણો હું છું

તો તુજ દરસનાં દાન દઈ જા.

 

પિતા ! પેલો આઘે,

જગત વીંટતો સાગર રહે,

અને વેગે પાણી સકળ

નદીનાં તે ગમ વહે;

વહો એવી નિત્યે મુજ

જીવનની સર્વ ઝરણી,

દયાના પુણ્યોના,

તુજ પ્રભુ ! મહાસાગર ભણી.

 

થતું જે કાયાથી,

ઘડીક ઘડી વાણીથી ઊચરું,

કૃતિ ઇંદ્રિયોની,

મુજ મન વિશે ભાવ જ સ્મરું;

સ્વભાવે બુદ્ધિથી,

શુભ-અશુભ જે કાંઈક કરું,

ક્ષમાદષ્ટે જોજો,

– તુજ ચરણમાં નાથજી ! ધરું.

 

ગુજરાતી સાહિત્યનાં પાયામાં કાવ્યમય પ્રાણ પૂરનાર કવિ ન્હાનાલાલને આધુનિક કવિનાં ઝાઝેરા નેહ નમાવીને ને નતમસ્તકે કાવ્યમય વંદન

 

નરેશ કે.ડૉડીયાતા.

૧૨-૧૧-૨૦૧૦ 

 

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: