RSS

જાણીતા કવિઓની ગઝલ અને કવિતા..

——————————————-

ઘરેથી નીકળો તો રાખજો સરનામું ખિસ્સામાં,
મળે છે કોણ જાણે કેવા ઝંઝાવાત રસ્તામાં.

ગમે તે રીતે એનું મૂલ્ય ચૂકવવું પડ્યું અંતે,
અનુભવ ક્યાં મળે છે કોઈને ક્યારેય સસ્તામાં.

અગર બેસી રહો ઘરમાં તો એનો થાક લાગે છે,
અને ચાલો તો ઘરની યાદ તડપાવે છે રસ્તામાં.

હતો મારો ય હક્ક સહિયારા ઉપવનમાં બરાબરનો,
મગર કાંટા જ કાંટા એકલા આવ્યા છે હિસ્સામાં.

રહ્યો ના ‘મીર’ કોઈ સાર હું નીકળી ગયો જ્યાંથી,
હતી મારા જ કારણ તો બધી ઘટનાઓ કિસ્સામાં.

– રશીદ ‘મીર’

——— ————————————–

આ અવાજોનું નગર છે.
બોલ સન્નાટા, ખબર છે ?

રાત પાછળ રાત થઈ છે,
બંધ સૂરજની સફર છે ?

કાગડો કહે, એકલું ઘર,
કો’કની લાગી નજર છે.

પારદર્શક હો છતાં પણ,
કાચ કરચોથી સભર છે.

જો ફરી સૂરજ ઉગ્યો છે,
કેમ પડછાયા વગર છે ?

ઢાંકણું હિજરાય છે કેમ ?
કાચ તૂટ્યાની અસર છે ?

એ કહે તો આથમે દિન,
એવા કૂકડાની ખબર છે ?

– ગુંજન ગાંધી

—————————————————-

બધાના તારા વિશેના ખયાલ નોખા છે.
જવાબ નોખા છે સહુના, સવાલ નોખા છે,

આ દર્દની પળેપળના દલાલ નોખા છે,
અમારા ગીત-ગઝલના કમાલ નોખા છે.

તમે પકડવા જશો કાનથી તો નહીં પકડાય,
અમારા દર્દ તણા સૂર-તાલ નોખા છે.

ખરે છે આંખથી સૌની એ આંસુ છે સરખાં,
પરંતુ હાથમાં સૌના રૂમાલ નોખા છે.

બધા ગતાનુગતિક ચિત્તવૃત્તિના છે શિકાર,
ઉપર-ઉપરથી ફકત હાલચાલ નોખા છે.

બધું જ ભ્રમ છે હું જાણું છું પણ મનાતું નથી,
આ ચંદ શ્વાસના ધાંધલ-ધમાલ નોખા છે.

રદીફ, કાફિયા ને છંદ સહુને હાંસિલ છે,
કલમ-કલમમાં પરંતુ કમાલ નોખા છે.

-વિવેક મનહર ટેલર

——————————————————-

પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની

?ચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.

ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.

થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’

———————————————————-

આદીલ ગઝલ સંભળાવ ફરી, આ અંધારું કંઈ ખપશે ના,
આ દિલને તું સમજાવ જરી, આ અંધારું કંઈ ખપશે ના,

એ અમદાવાદની શેરીમાં, કે અમેરિકાના ઘર ખાતે
તું ફરી કવન દે અજવાળી, આ અંધારું કંઈ ખપશે ના,

હું આજ કાલનો શાયર છું, શબ્દોની કિંમત શું જાણું?
છે ધૃવ તું, રાહ દે બતલાવી, આ અંધારું કંઈ ખપશે ના,

શબ્દોમાં સઘળું પામું છું, હું બ્રહ્મ કહું કે મનસૂરી?
બે ચાર સૂર્ય દે પ્રગટાવી, આ અંધારું કંઈ ખપશે ના,

દફનાવો તો તેની સાથે, એક કલમ રહે ને એક પીંછી
ઇશ્વરને જાશે સમજાઈ, આ અંધારું કંઈ ખપશે ના,

છે યાદ મળે તે ફોનની રીંગ, મેં વાત કરી આદીલ સાથે,
થઈ બેઠો અજવાષનો બંધાણી, આ અંધારું કંઈ ખપશે ના,

કાંક્ષિત મુન્શી “શફક”

————————————————

ગુજરાતી ભાષાની સ્વર્ણીમ ગઝલ ને શત શત વંદન

બ્લોગ “ગુજરાતી ગઝલ” માધ્યમે સર્જ્યું સાહિત્ય મંથન….
જીવન એ જ છે મંથન, જીવન એટલે મંથન…

ગીત, ગઝલ કે કાવ્ય કે મનની વાત હો છંદ અધુરી,
શબ્દમાં ઘેરાતી જીવનની લાગણીઓ જ્યાં સ્ફુરી
ત્યાં ત્યાં દોડ્યા હાથ ફેલાવી, ઝીલ્યા સહુના સ્પંદન
જીવન એટલે મંથન, જીવન એ જ છે મંથન

વાત દર્દની, પ્રેમ કે સ્મિતની, વાત હો ભલે ઘૃણાની,
કાવ્ય માધ્યમે લખી કવિએ, શબ્દના મોલ પિછાણી
લાવ સર્જીએ એવું જગ જ્યાં સ્પર્શે અબ્દ ને અંતર મન
જીવન એ જ છે મંથન, જીવન એટલે મંથન

નામ હો મંથન, ધ્યેય હો મંથન, જીવન સત્યનું મંથન,
એક લક્ષ્ય હો, રાહ અચવન અટલ હો મનનું બંધન,
પ્રેમ, હૂંફ ને આદરભાવથી જીતજો સહુના મન
જીવન એ જ છે મંથન, જીવન એટલે મંથન

– કાંક્ષિત મુન્શી “શફક”

———————————

હ્રદય છલકાઇને મારું તમારો પ્યાર માંગે છે
ભરેલા જામ જાણે ખુદ હવે પીનાર માંગે છે

ન વર્તન જો ગમે મારું તો તું વ્યવહાર રહેવા દે
જમાના કેમ તું હાથે કરી તકરાર માંગે છે

ખરે છે રોજ તારાઓ ભલા શાને ગગનમાંથી
મુલાયમ કોણ એવો નિત્યનો શણગાર માંગે છે

સહારો આંસુઓનો પણ હવે ક્યાં બાકી
રુદનના કારણો દુનિયા ખુલાસા વાર માંગે છે

-કૈલાસ પંડિત

——————————————–

પરખ દ્રશ્ય જોવાની ક્યારે હતી
સ્વયં નાવ તોફાની ક્યારે હતી

મને છોડી દેતા તને કષ્ટ શું
જણસ સાવ સોનાની ક્યારે હતી

નદી જેમ ઊંચેથી પટકાઉં પણ
જગા કોઇ મોભાની ક્યારે હતી

તમાશા બતાવે બધી બારીઓ
સડક એની પોતાની ક્યારે હતી

હતા સાત પરદા થવા રૂબરૂ
ગઝલ ચીજ કોઠાની ક્યારે હતી

– ચિનુ મોદી

———————————————————–

શક્યતાની ચાલચલગત શું બતાવું બાદશા’?
પંખીથી પથ્થર થઈને કામ આવું બાદશા’.

નાગી તલવારોની વચ્ચે કેટલાં વરસો ગયાં’?
રેશમી સંબંધનાં વસ્ત્રો વણાવું બાદશા’.

પારકો પરદેશ છે ને આંતરી બેઠો સમય,
શ્વાસની ખેંચે લગામો તો બચાવું બાદશા’.

હું ભિખારી છું અને તું પણ ગરીબી ભોગવે ,
લાગણીના કેટલા સિક્કા પડાવું બાદશા’?

એક દરિયો પગ વગર પણ કેટલું દોડી શકે?
તખ્ત નીચે પાય મૂકે તો બતાવું બાદશા’.

– ચિનુ મોદી

———————————————————-

અમારી દુર્દશા માટે તમારા વાંક શું ગણવા ?
છળે શ્વાસો જ અમને તો હવાના વાંક શું ગણવા ?

અમે શ્રદ્ધા ગુમાવીને પછી રસ્તે જ બેસી ગ્યા,
તમારા તીર્થ કે એની ધજાના વાંક શું ગણવા ?

ઊણપ ઉપચારમાં લાગે જગતનો એ જ નિયમ છે,
દરદની ઓથ લૈ લે તું, દવાના વાંક શું ગણવા ?

મને મારી જ હદ છે કેટલી એની ખબર ક્યાં છે
અને એમાં વળી તારી ગજાના વાંક શું ગણવા ?

અમે આ મોરના પીંછાથી આગળ જૈ નથી શકતા,
તો એમાં મોર કે એની કળાના વાંક શું ગણવા ?

-અશરફ ડબાવાલા

——————————————————-

થોડાં થોડાં દૂર તમને રાખવાનો કીમિયો,
હું કરું છું એમ તમને પામવાનો કીમિયો.

પાણી છું હું, પાત્રનો આકાર પણ હું લઈ શકું,
ને વળી ઘરમાં કરું ઘર માપવાનો કીમિયો.

શબ્દવિણ એ જે કહે એમાં સમર્પણ કર બધું,
તું ન કર સંકેતને આલેખવાનો કીમિયો.

આ તું જે લખ લખ કરે છે એ તો બીજું કંઈ નથી,
છાનાંછપનાં દર્દને વિસ્તારવાનો કીમિયો.

અંતમાં અશરફ ! મરણના રૂપમાં કરવો પડે,
શ્વાસના આભાસને ઓળંગવાનો કીમિયો.

– અશરફ ડબાવાલા

———————————————

ધરતીને તો આકાશને જ અડવું હતું

નદીને તો માત્ર દરીયાને જ મળવું હતું
ઝરણાંને તો આમ જ વહેવું હતું
મારે તો ફક્ત તારા જ રહેવું હતું…..

રાતરાણી ને તો દિવસે મહેકવું હતું
ચંદ્રને તો ચાંદની માં જ ઓગળવું હતું
અંધકારને તો ઉજાસ માં સમાવવું હતું
મારે તો ફક્ત તારા જ રહેવું હતું……

મનથી તારા મન સુધી જ પહોચવું હતું
તારા વિના મારે ક્યાં જીવવું હતું ???
તારા જ સ્પર્શે તો લજામણી બનવું હતું
મારે તો ફક્ત તારા જ રહેવું હતું……

એકતા બગડિયા”લજામણી”

————————————

પ્રશ્ન કોઈ પણ નથી તો પૂછવું કેવી રીતે,
ના લખ્યું હો કાંઈ તો એ ભૂંસવું કેવી રીતે ?

પથ્થરોના આ નગરમાં કાચ જેવી લાગણી,
તું જતાવીને પૂછે છે તૂટવું કેવી રીતે ?

છે ખબર પૂરેપૂરી એની કથાના અંતની,
શાપ છે સહદેવનો તો સૂચવું કેવી રીતે ?

દ્વાર પર આવી ટકોરા સામટા ચૂપ થાય તો,
દ્વારને અવઢવ રહે કે ખૂલવું કેવી રીતે ?

શિલ્પ ચ્હેરાની પીડાનું આંખ સામે જોઈને,
છે વિસામણ એક આંસુ લૂછવું કેવી રીતે ?

કેટલા જન્મો થયા છે કેદ આ કોઠે પડી –
પૂછતું કોઈ નથી કે છૂટવું કેવી રીતે ?

આ ભરી મહેફિલ સજાવી બેસતાં લાખો છતાં,
જૂજ લોકોને ખબર છે ઊઠવું કેવી રીતે !

– ઊર્વીશ વસાવડા

—————————————————-

જાતની સાથે જ સોબત થઇ ગઇ
એકલા રહેવાની આદત થઇ ગઇ

એક આંસુ કો’કનું લૂછી દીધું
જો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ

આયના સામે કશા કારણ વગર
આજ બસ મારે અદાવત થઇ ગઇ

શબ્દ ખુલ્લે આમ વહેંચ્યો છે બધે
કેવડી મોટી સખાવત થઇ ગઇ

એમણે પીડા વિશે પૂછ્યા પછી
કેટલી પીડામાં રાહત થઈ ગઈ

કાલ મન ઉજજડ હતું પણ આજ તો
કૈંક સ્મરણની વસાહત થઇ ગઇ

– ઉર્વીશ વસાવડા

——————————————

આહા એટલે આહા એટલે આહા…
हमनें तुमको चाहा…. આહા.

ચોમાસાની જળ નિતરતી આગ એટલે આહા
છત્રીમાં ભેગા પલળ્યાનો સ્વાદ એટલે આહા
ભીના હોઠોમાં થઇ ગઇ એક ભીની મૌસમ….સ્વાહા…

આહા એટલે આહા એટલે આહા…
हमनें तुमको चाहा…. આહા.

સાંજે કોઇને અમથું અમથું મળવું એટલે આહા
પાછા ફરવા મન ન પછી કરવું એટલે આહા
રાતની એકલતામાં ગાયા કરવા ગીતો…. મન-ચાહા…

આહા એટલે આહા એટલે આહા…
हमनें तुमको चाहा…. આહા…

મુકુલ ચોકસી

—————————————————–

શબ્દને શોભે નહીં આ કાગઝી વસ્ત્રો સજનવા
આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા

હાથમાં પકડ્યો તમારો હાથ તો લાગ્યું સજનવા
મન પ્રથમ વાર જ ઊઘાડી પોપચાં જાગ્યું સજનવા

હાથમાં રાખ્યા જીવનભર પેન ને પોથી સજનવા
પણ લખી અંતે જીવનની જોડણી ખોટી સજનવા

કોરા અંતરપટના કંઈ ઓછા નથી કામણ સજનવા
આપણે નાહક ઉપર શાં કરવાં ચિતરામણ સજનવા

સૂર્ય સામે એક આછું સ્મિત કર એવું સજનવા
થઈ પડે મુશ્કેલ એને ત્યાં ટકી રહેવુ સજનવા

સાવ અલગ રીતે મુહબ્બતને છતી કરીએ સજનવા
આપને મળવાની સઘળી તક જતી કરીએ સજનવા

હાથમાં દરિયાઓ રાખીને દઈશ દસ્તક સજનવા
ના મળે ઉત્તર તો ચાલ્યો જઈશ નતમસ્તક સજનવા

ખાલી કૂવાના અને કોરી પરબનાં છે સજનવા
આ બધાં સપનાં રાબેતા મુજબના છે સજનવા

ટેરવાં માગે છે તમને આટલું પૂછવા સજનવા
આંસુઓ સાથે અવાજો કઈ રીતે લૂછવા સજનવા

– મુકુલ ચોકસી

——————————————————

પ્રેમના અનુવાદમાં, તું ચાલને વરસાદમાં.
કોઇ પણ સંવાદમાં, તું ચાલને વરસાદમાં.

આગવી ભીનાશ લઇ ને લઇ પલળવું આગવું,
આગવા અવસાદમાં, તું ચાલને વરસાદમાં.

કોઇ પણ બંધન નહીં ને કોઇ પણ અડચણ નહીં,
માનનાં મરજાદમાં, તું ચાલને વરસાદમાં.

એકલી તું ? એકલો હું ? આપણે બન્ને જણા,
વાદ કે વિખવાદમાં, તું ચાલને વરસાદમાં.

એક વાદળ, એક કાજલ, એક પળ ને એક સ્થળ
એકલા ઉન્માદમાં, તું ચાલને વરસાદમાં.

–  અનિલ ચાવડા

——————————————————————

આપણી અંદર મરી પરવારી ગયેલા કોઇએ,
બાગમાં પથ્થર બનીને જન્મ લેવો જોઇએ.

સ્વપ્નના ફાનસના અજવાળામાં જેને જોઇએ,
ખુલ્લી આંખોના આ અંધાપામાં તેને ખોઇએ.

ચાલુ ટ્રેને બારી પાસે બેસવાની વાતમાં,
બારીમાંથી કૂદવા જેવું ઝગડતા હોઇએ.

આંસુની અધિકૃત વિક્રેતા છે થોડી આંખ આ ?
ખાત્રીપૂર્વકનું ને જથ્થાબંધ ક્યાંથી રોઇએ !

પૂર માટે માત્ર સ્થાનિક વાદળો પૂરતાં નથી,
કંઇક ઉપરવાસમાં વરસાદ જેવું જોઇએ.

ખાઇ પીને નાહીને કવિતા નથી બનતી હે દોસ્ત !
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઇએ.

– મુકુલ ચોકસી

——————————————————————–

તારી ને મારી જ ચર્ચા આપણી વચ્ચે હતી,
તોય એમાં આખી દુનિયા આપણી વચ્ચે હતી.

આપણે એકાંતમાં ક્યારેય ભેગાં ક્યાં થયાં ?
તો ય જોને કેવી અફવા આપણી વચ્ચે હતી.

આપણે એક સાથે શ્વાસોચ્છ્વાસ જીવ્યાં તે છતાં,
એકબીજાની પ્રતીક્ષા આપણી વચ્ચે હતી.

કોઈ બીજાને કશું ક્યાં બોલવા જેવું હતું,
આપણી પોતાની સત્તા આપણી વચ્ચે હતી.

આપણે તો પ્રેમના અરમાન પૂરવાના હતા,
ક્યાં અજૂગતી કોઈ ઈચ્છા આપણી વચ્ચે હતી ?

આપણે તો સાવ ઝાકળમાં પલળવાનું હતું,
ક્યાં સમન્દરની તમન્ના આપણી વચ્ચે હતી ?

યાદ કર એ પુણ્યશાળી પાપની એકેક ક્ષણ,
કેવી લીલીછમ અવસ્થા આપણી વચ્ચે હતી ?

એક ક્ષણ આપી ગઈ વનવાસ સદીઓનો ખલીલ,
એક ક્ષણ માટે જ મંથરા આપણી વચ્ચે હતી.

– ખલીલ ધનતેજવી

———————————————————————–

લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી.
ગણે છે ને ઓછી પડે તો લડે છે, આ માણસ બરાબર નથી.

સમી સાંજ દરિયાકિનારે જવું, તોયે દરિયા તરફ પીઠ રાખી,
એ લોકોને, ગાડીને જોયા કરે છે, આ માણસ બરાબર નથી.

સુંદરતા જોવી ગમે છે, સહજ છે, પણ સૌની દ્રષ્ટિમાં છે ફેર,
એ જોવા ની આડશમાં રીતસર ઘૂરે છે, આ માણસ બરાબર નથી.

ન કુદરત, ન ઈશ્વર, ન દુનિયા, અરે સૌ સ્વજનથી યે છેટો રહે છે,
બસ પોતાને માટે જીવે છે, મરે છે, આ માણસ બરાબર નથી.

વધુ એને ચીડવો, વધારે દઝાડો, જલાવો, દયા ના બતાવો,
કારણ એ કાયમ ઈર્ષ્યાથી બળે છે, આ માણસ બરાબર નથી.

જે લુચ્ચું હસે છે, જે ખંધુ હસે છે, જરા એથી ચેતીને ચાલો,
કે આખો શકુનિ એમાંથી ઝરે છે, આ માણસ બરાબર નથી.

– હિતેન આનંદપરા

———————————————————————

રાધાની છાતી પર ઝૂકીને, કોક વાર રોયા હશે ઘનશ્યામ,
હિમાળા ઢાળેથી ઢળ્યું હશે, પછી શ્યામલી જમનાનું નામ.

રાધાના સ્કંધ પર ઢાળીને શીશ, ક્હાન ટહુક્યા હશે એવું વેણ,
ઓઢણીને દાંતમાં દાબીને, રાધાએ ઢાળી દીધા હશે નેણ.

સૌરભના મધપૂડા બંધાયા હશે, પછી વૃંદાવને ફૂલ ફૂલમાં,
કેસૂડાં પથપથ કોળ્યા હશે, હશે ગુલમોર ખીલ્યાં ગોકુળમાં.

રાધાને કાંઠડે બેસીને, ક્હાનજી એ પીધાં હશે મીઠા વાધૂ,
લીલાછમ ઘૂંટડા ન્યાળીને મોર મોર બોલ્યા હશે સાધુ, સાધુ.

ક્હાનજીની છાતીએ ઘોળાયું હશે, પછી રાધાનું કેસરિયું નામ
રાધાનાં રોમ રોમ ફૂટ્યાં હશે, હશે ઢોળાયું બ્રહ્માંડનું ગામ.

– કિસન સોસા

—————————————————————–

તેણે મારા નામ સામે, નામ પોતાનું મૂક્યું,
વ્હાણની સામે મૂક્યો દરિયો, ને ડૂબવાનું મૂક્યું.

સ્વપ્ન મારાં તોડીને, ફેંકી દીધાં મેં ધૂળમાં,
મારી ભોળી આંખને માટે, મેં જડવાનું મૂક્યું.

સનસનાટી એ જ ઘટના, ચિત્રમાં સર્જાઈ ગઈ,
તેણે પીંછીથી કશું, મારામાં બનવાનું મૂક્યું.

તેણે દ્રશ્યોની અણી પર, મૂક્યું તીણું ખૂંચવું,
મેં નજર જ્યાં જ્યાં કરી, તેણે ત્યાં છળવાનું મૂક્યું.

તેણે મારા માર્ગમાં, પથ્થર નથી મૂક્યા, ‘રમેશ’
આ મને શિલ્પી ગણી, મૂર્તિઓ ઘડવાનું મૂક્યું.

ચોકની વચ્ચે પડ્યું’તું ડૂસકું બિનવારસી,
આળ મારા પર, સહુએ, મારું હોવાનું મૂક્યું.

– રમેશ પારેખ

————————————————————-

આશ્ચર્ય એ જ વાતનું મનમાં રહ્યા કરે,
ખાલીપણાનું ભાન કોઈને નડે નહીં.

વનમાં ભૂલીને ભાન, રઝળતા પ્રવાસને,
ઊડતાં ઝીણાં પતંગિયા નજરે ચડે નહીં.

દૃશ્યોની પાર જાઉં છું ક્યારેક ટહેલવા,
આંખો મીંચાઈ જાય પછી ઊઘડે નહીં.

એના જીવનમાં હોય નહીં કોઇ તાજગી,
રસ્તામાં ચાલતાં જે પડે આખડે નહીં.

મારી લથડતી ચાલના કારણમાં એટલું,
હોવાપણાનો ભાર હવે ઊપડે નહીં.

રસ્તામાં કોઈ ફૂલ શા માણસ મળ્યા હશે,
નહીંતર ‘અનિલ’ આટલો મોડો પડે નહીં.

– અનિલ જોશી

————————————————————————

દરિયાના ગીત નથી ગાવાં, દરિયો તો મારા સાજનની આંખ જોયું ટીપું.

લયથી હું રેબઝેબ રેલાતી જાઉં, મારા ખૂટે દિવસ નહિ રાત,
વાસણની જેમ પડ્યાં હાથમાંથી કામ, અને વિસરાતી ચાલી આ જાત !
હું તો રણમાં જોવાતી તારી વાટ રે સજન ! તમે આવો તો કૈંક હવે દીપું.

ફળિયામાં ઝૂલે છે ખાખરાની ડાળ, અને ઓસરીમાં હોવાનો ભાર,
ઘરની શોભા તો મારા સાજનનો બોલ, હું તો કેડીનો રઝળું શણગાર;
સાજનનાં પગલાની ભાતને ઝીલવા, સળીઓના નીડ નહીં લીપું.

– અનિલ જોશી

—————————————————————

કોક દિન ઈદ અને કોક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.

કાંઈ અફસોસ નહીં કાંઈ નહીં ફિકર,
કોઈ ચીજ તણી નહીં જિંદગીમાં જિકર.

આવે ને જાય એના વેઠવાં શા બોજા !
કોક દિન ઈદ અને કોક દિન રોજા.

માન મળે, મળે ધનધાન, મળે સત્તા,
પાન ચાવી બીજી પળે ખાવા પડે ખત્તા.

વાહ ભાખે કોઇ રૂડી આંખે વેશ ભાળી,
આહ નાખે કોઇ ભૂંડી મોઢે મેશ ઢાળી.

રામ મારો રૂદે હસે રંગ નહીં દૂજા,
કોક દિન ઈદ અને કોક દિન રોજા.

હાલ્યા કરે દુનિયાની વણજાર ગાંડી,
કોણ બેઠું રહે એની સામે મીટ માંડી ?

દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા,
આપણા તો થિર બળે આતમાના દીવા.

લાંબી લાંબી લેખણે ત્યાં નોંધાવી શી યાદી,
બેય કોરે આપી જવી મુબારકબાદી.

ઘેલાં ભલે ઘૂઘવે આ જિંદગીનાં મોજાં,
આવો તમે ઈદ અને આવો તમે રોજા.

– મકરન્દ દવે

————————————————————–

કહ્યું કોણે કે તારી પરવા કરું છું,
હું બસ તારા સુખની તમન્ના કરું છું.

તને હું સ્મરું છું ને ભૂલ્યા કરું છું,
હું જીવતરના બે છેડા સરખા કરું છું.

આ સમજણ,આ વળગણ,આ દર્પણ યા કંઈ પણ,
અકારણ-સકારણ હું તડપ્યા કરું છું.

મને પામવા તું પરીક્ષા કરે છે,
તને પામવા તારી પૂજા કરું છું.

ઘણી વાર પ્રશ્ન જાગે છે મનમાં,
ખરેખર જીવું છું કે જીવ્યા કરું છું ?

હવે જીતવાની મજા પણ મરી ગઈ,
તું હારે છે તેથી હું જીત્યા કરું છું.

– કિરણકુમાર ચૌહાણ

—————————————————————–

હૃદયના ભાવ, પાંખે કલ્પનાની લઇને આવ્યો છું ,
સિતારાઓ ! સુણો કથની ધરાની લઇને આવ્યો છું .

હજારો કોડ , ટૂંકી જિંદગાની લઇને આવ્યો છું ,
સમય થોડો અને લાંબી કહાની લઇને આવ્યો છું .

સમયની પીઠ પર બેસી વિહરનારા ભલે રાચે ,
તમન્ના હું સમયને દોરવાની લઇને આવ્યો છું.

તૃષાતુર વાટ ! તારે મારી પાછળ દોડવું પડશે ,
ભર્યાં છે નીર છાલામાં , એ પાની લઇને આવ્યો છું.

જગત-સાગર , જીવન-નૌકા , અને તોફાન ઊર્મિનાં ,
નથી પરવા , હૃદય સરખો સુકાની લઇને આવ્યો છું.

ઊડીને જેમ સાગર-નીર વર્ષા થઇને વરસે છે ,
જીવન ખારું , છતાં દ્રષ્ટિ કળાની લઇને આવ્યો છું.

‘ગની’ ગુજરાત મારો બાગ છે , હું છું ગઝલ-બુલબુલ ,
વિનયથી સજ્જ એવી પ્રેમ-બાની લઇને આવ્યો છું .

– ‘ગની’ દહીંવાલા

————————————————————-

અડગ રહેવાનો નિશ્ચય ધરતીના જાયા કરે,
એ પડે તો એનું રક્ષણ એના પડછાયા કરે.

માફ કર નિષ્ક્રિયતા, મારાથી એ બનશે નહીં !
જીવતાં મારી જગતને ખોટ વર્તાયા કરે.

એટલું ઉન્નત જીવનનું ધ્યેય હો સંતાપમાં,
વાદળી એકાકી જાણે ચૈત્રમાં છાયા કરે.

જે પૂનમના ચાંદ સમ ચમકે છે તેઓને કહો:
બીજરૂપે પણ નભે ક્યારેક દેખાયા કરે !

શાંત એ તોફાન દુનિયાએ કદી જોયું નથી,
આંખડી વરસી રહે ને કોઈ ભીંજાયા કરે.

જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે ‘ગની’,
હોય ના વ્યક્તિ, ને એનું નામ બોલાયા કરે.

– ‘ગની’ દહીંવાલા

———————————————————————

સામે ચાલીને હવે ચર્ચા કરું છું, તારા પૂછ્યા વગરના સવાલની
મોસમ આવી છે કમાલની…..

સપનાનો સૂરજ જે આંખોમાં ઊગે,
એને દિવસે દેખાય રોજ તારા.
કોકવાર રૂબરૂમાં મલકી તું જાય,
ત્યારે ઉકલે અવસરનાં અણસારા.
દિવસ પણ ઊગવાનું યાદ રાખી રોજ રોજ વાતો કરે છે આજકાલની.

જીવતરનો અર્થ પછી હોવું થઈ જાય,
એવે ટાણે સમજાઈ જાય તું,
ભીનપને લીલેરી લ્હેરખી ફૂટેને,
એવે ટાણે છલકાઈ જાય તું.
મુટ્ટીઓ સાચવીને રાખી મૂકી છે મારા હૈયે ઊડેલા ગુલાલની.

–  અંકિત ત્રિવેદી

———————————————————-

રાહ જોતા આંગણા છે, આવજે,
સાવ ખુલ્લા બારણા છે, આવજે.

શૂન્યતા, આંસુ, હૃદય ને શાયરી,
ધાર તો કારણ ઘણા છે, આવજે.

ઘેર મારે એ તને લઇ આવશે,
માર્ગ સઘળા આપણા છે, આવજે.

એમને ય હૂંફ તારી જોઇએ,
ધ્રૂજતા સૌ તાપણા છે, આવજે.

આંખ ઊભડ્ક, હોઠ હફ્ડક્, મૌન મન,
શ્વાસ પણ લ્યો, સો ગણા છે, આવજે.

– હરદ્વાર ગોસ્વામી

———————————————————–

દેખાય તું ન ક્યાંય ને હું દૃશ્યમાન છું,
તું મૌનની સ્વરાવલિ  હું વૃંદગાન છું.

જોટો ન મારો ક્યાંય ને તું પણ અનન્ય છે,
તારા સમાન તું જ,  હું મારા સમાન છું.

ઝૂમરામાં  બદ્ધ કોઈ વિલંબિત ખ્યાલ તું,
હું મારવામાં બદ્ધ કોઈ બોલતાન ખ્યાલ છું.

તારો રંગ કૃષ્ણ છે, એવું ન માન તું,
વાદળ સમાન  હું ય સ્હેજ ભીનેવાન છું.

તું વિદ્યમાન સૃષ્ટિના કણકણમાં  હોય તો,
હું  પણ ‘સહજ’ એ બે કણોની દરમિયાન છું.

– વિવેક કાણે ‘સહજ’

———————————————————————-

ઢળતી રે સાંજને ભીને અજવાસ, નાનકડાં રાતરાણી ફૂલ જરી ઝૂક્યાં,
કે કાન મહીં કમખાના મોર ફરી ટહુકયા, ને ફુવારે ફોરતી સુવાસ.

ઓચિંતો ટહુકાનો લીલેરો વાન, એ તો આડેધડ વગડે વેરાન
ફરી વળતો શું તડકાની જેવું.
સળવળતી પાંદડાંની પાંખી બિછાત,એમાં તરવરતી નભની રે ભાત
જોઇ મનમાં તો થાય કેવું કેવું !
છલકાતી બે કાંઠે નદિયુંમાં નેતરનાં વન,ઊભાં એવા સઘન કે
ભૂરા તે નીર તણી તરડાતી જાય રે ભીનાશ.

ખેતરની કાંટાળી વાડ્યે કાબર જરા ઝૂલી કે ભાન હું તો ભૂલી,
અતીતની આખીયે વાત રહું ઉખેળી;
ટેરવામાં ઊગી ગઇ આકાશી આંખ એનાં પોપચામાં- ફફડે રે પંખીની પાંખ,
મારી અંધારે મ્હેકતી હથેળી !
વ્હેતા રે વાયુનો રેશમી ઉપરણો તે છાયો કે પોઢેલો પ્રાણ ફરી જાગ્યો
ને ચાંદરણાં થાય મારાં શ્વાસ.

– મનોજ ખંડેરિયા

——————————————

મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો
તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહો
રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.

દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈને
એક મંઝિલની લગન આંખે ઉતરવા દઈને
ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને
‘આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો.

જે નરી આંખે જણાયું ન એ તત્વ કળવા
જે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા,
દૂર દુનિયાના રહસ્યોનો તાગ મેળવવા
દ્રષ્ટી જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો.

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે
ભાન ની સૃષ્ટીની સિમાને પરખવા માટે
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે
કોઈ મહેફીલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો

-હરીન્દ્ર દવે

——————————————–

મેળો છે એવો મોટો કે મેળાનો થાક છે,
તમને થયું કે આપણી દુનિયાનો થાક છે ?

જેવું તને મેં જોયું ત્યાં ભાંગી પડ્યો, મરણ!
મંજિલ મળી તો લાગે છે મોકાનો થાક છે.

મારા વદનના ભારથી વ્યાકુળ બનો નહીં,
હમણાં જ ઊતરી જશે રસ્તાનો થાક છે.

મારે જો શીખ લ્યો તો મુલાયમ થશો નહીં,
રહીને સુંવાળા સૌને દુભાવ્યાનો થાક છે.

નદીઓ તો સામટી મળી ધોયાં કરે ચરણ,
પણ ક્યાંથી ઊતરે કે જે દરિયાનો થાક છે.

-હરીન્દ્ર દવે

———————————————–

શબ્દોની સંગત દઉં છોડી મારા સાધુ,
મને આપો એક અનહદનો સૂર,
એક વાર ઓરેથી સંભળાવો, દૂર દૂર
વાગે છે ક્યાંકનાં નૂપુર.

હમણાં હમણાં આ શીળી રાતનો સમીર
મારાં વ્હૈ જાતાં વેણ નહીં ઝીલે,
અધવચ મૂંઝાઈ મન પાછું ફરે છે
ઝાઝાં પગલાની ભાત પડી ચીલે;
પ્રગટાવો એક વાર ભીતરનાં તેજ, પછી
લઈ લો આ આંખડીના નૂર.

મનને આકાશ સૂર સૂરજનું રૂપ:
અને સૂરજનું આભ કોઈ ઓર,
આભમાં મુલક કોઈ અણદીઠો, પહોંચવા જ્યાં
યુગ છે ઓછો ને ઝાઝો પ્હોર;
અગની અડકે તો જરા પ્રજળું
હવામાં મારાં ખાલી વેરાતાં ક્પૂર.

– હરીન્દ્ર દવે.

———————————————–

કોને ખબર તને હશે એ મારી દશા યાદ ?
મુજને તો આ ઘડી સુધી છે તારી સભા યાદ.

એકાન્તની ક્ષણો, એ અમારે નસીબ ક્યાં ?
સ્વજનો તજીને જાય તો સરજે છે સભા યાદ.

નાનકડા નીલ વ્યોમથી ટપકી રહી’તી જે,
જલધારા ફક્ત યાદ ને મોસમ, ન ઘટા યાદ.

વીસરી ગયો’તો એમને બે ચાર પળ કબૂલ,
આપી ગયા હવે એ જીવનભરની સજા યાદ.

એને પૂછી શક્જો તો કોઈ સંકલન મળે,
મુજને તો ઝાંખી ઝાંખી ને અસ્પષ્ટ કથા યાદ.

એ કલ્પના કે સત્ય હવે ભેદ ક્યાં રહ્યો !
પૂછો છો તો આવે છે મને કંઈક કથા યાદ.

પૂછો તો અંશ માત્ર બતાવી શકું નહીં,
મનમાં તો એની છે મને એકેક અદા યાદ.

હરીન્દ્ર દવે

—————————————-

આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી,
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ,
તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

મારું સ્વમાન રક્ષવા જતાં કદી કદી,
હું કરગરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

કંટકની માવજતમાં અચાનક ઘણી વખત,
ફૂલો સુધી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

-હરીન્દ્ર દવે

————————————

હવે બસ બહુ થયું, બુદ્ધિ! હું પાગલ થાઉં તો સારું!
છલકવાનો સમય આવ્યો, છલોછલ થાઉં તો સારું!

જીવનનો ગર્જતો સાગર ઘણો ગંભીર લાગે છે!
હવે હું ચાંદનીની જેમ ચંચલ થાઉં તો સારું!

જુઓ કિરણો વિખેરાયાં ને ગુંજનગીત રેલાયાં!
હૃદય ઈચ્છી રહ્યું છે આજ : શતદલ થાઉં તો સારું!

મને આ તારી અધબીડેલી આંખોમાં સમાવી લે!
મને તો છે ઘણી ઈચ્છા કે કાજલ થાઉં તો સારું!

ભલે હું શ્યામ લાગું પણ મિલન આવું મળે કોને?
તમન્ના છે કે તારા ગાલનો તલ થાઉં તો સારું!

યુગો અગણિત ભલે વીતે મને એની નથી પરવા!
હું પ્રેમી કાજ એક જ પ્રેમની પલ થાઉં તો સારું!

મને એવા રૂપાળા ઘાવ દુનિયાએ કર્યા અર્પણ-
કે ખુદ દુનિયાને થઈ આવ્યું કે ઘાયલ થાઉં તો સારું!

જીવનમાં આમ તો ક્યાંથી મળે લયબદ્ધ ચંચળતા!
હું તારા ખૂબસૂરત પગની પાયલ થાઉં તો સારું!

તને તો આવડે છે ઠંડી-ઠંડી આગ થઈ જાતાં!
– મને છે મૂંઝવણ કે, આંખનું જલ થાઉં તો સારું?!!

-’શેખાદમ’ આબુવાલા

——————————————

હું તને ક્યાં ચાહું છું ચાહું છું મારી જાતને
તું હજી સમજી નથી આ સીધીસાદી વાતને

કોણ છે મારું કે તારું, કોઈ ક્યાં છે કોઈનું
કોણ ઝીલે છે હ્રદય પર પારકા આઘાતને

હું જ છું એ હું જ છું, છે ભેદ કેવળ રૂપનો
આ હવા એક જ કરે છે વાત ઝંઝાવાતને

ફેંકશે પથ્થર તો પોતાનું જ માથું ફોડશે
ભાંડશે આદમ કહો શી રીતે આદમજાતને

– શેખાદમ આબુવાલા

————————————————–

શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે… એ પ્રેમ છે,

આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે… એ પ્રેમ છે.

હક, અપેક્ષા, શક, અહમ્ ના પંક ની વચ્ચેથી કોઈ,

પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે… એ પ્રેમ છે.

બેકરારી વસ્લ માં, પીડા વિરહ માં કત્લની,

એટલું સમજી શકો કે કેમ છે… એ પ્રેમ છે.

‘તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,

શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ, તું વહે…. એ પ્રેમ છે.

બાદબાકી તુજ ની, તારાં સ્પર્શ, યાદો, સાથની,

શેષ મારામાં પછી જે પણ બચે… એ પ્રેમ છે.

શબ્દ થઈ મુજ શ્વાસ માં બસ તું સદા વહેતી રહે,

આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે… એ પ્રેમ છે.

રાત આખી બેકરારી થઈ, મને ડંસતી રહે,

ને સવારે શબ્દ થઈ ચૂમે મને…. એ પ્રેમ છે.

————————————-

એક નાની આરઝૂ હતી, ક્યાં હતી કોઇ મોટી ખ્વાઇશ,

આપણે રાહદાં તો હતા, કાંઇ હમસફર તો ન હતા.

સમયની સાજીશ હશે, કે હશે મારો પણ થોડો વાંક,

વિધાતાએ આવા જુદાઇના લેખ, લખ્યા તો ન હતા.

ક્યાંથી હોય તમને, મારા દર્દનો થોડો પણ અહેસાસ,

તમે મારી ખબર પણ ન પુછો, તેવા સાવ તો ન હતા.

જીવનની વસંત ગયાને થઇ હશે, હવે તો ઘણી સદીઓ,

પાનખરમાં તારી યાદો શીવાય, કોઇ સહારા ન હતા.

ન કાઢશો કોઇ અર્થ હવે, આ નયનથી વહેતા આંસુનો,

વહેવું તેની આદત છે, ને બીજા કોઇ દ્વાર પણ ન હતા.

કહું છું કોઇ ન પુછો મને, શું હોય છે આરઝૂની તડપ,

હતી શાંતી, પણ કબરમાં અમે ચેનથી સુતા ન હતા.

——————————————

શબ્દથી હું કહું તને કે ‘પ્રેમ છે’, એ પ્રેમ છે?

લાગણી મઢવાને શબ્દો કમ પડે, એ પ્રેમ છે.

સાથનો અહેસાસ દૂરીમાં રહે એ પ્રેમ છે,

ને મિલનની પ્યાસ મળવામાં રહે એ પ્રેમ છે.

દે ભલેને, દુ:ખ વિરહનું કાળજે નાસૂર થઇ,

સ્મિત થઇને અશ્રુમાં આવી ભળે એ પ્રેમ છે.

જો વલોવે તું નિરંતર એષણાની છાસને,

ભાવનાનું જે પછી ગોરસ બચે એ પ્રેમ છે.

હું નથી કંઇ, તું નથી કંઇ, સાથનું અસ્તિત્વ છે,

ક્યાંકથી એવી સમજ આવી ચડે એ પ્રેમ છે.

જો ચણે, હર પળ સમયની… આ અતીતનાં ખંડહરો,

કો’ક પળ આવી ફરી ચણતર કરે એ પ્રેમ છે.

ઓટ જો આવે કદી મુજ ઊર્મિનાં સાગર મહીં,

તું બની પૂનમ ફરી ભરતી ભરે એ પ્રેમ છે

————————————–

છુપાવી બેઠો છું સાગર આખો ભીંતરમાં,

એક વેદનાનું ઝરણું છુપાવી ના શક્યો..

સરળ હતું જીંદગીનું ગણિત એ મળ્યા પહેલા,

પણ પછી જીંદગીભર કોયડા ઊકેલી ના શક્યો..

બળી ગયો આખો હૂંફ આપવા એમને,

પણ ભીંતરમાં શમા જલાવી ના શક્યો..

મંજીલ તો હતી સામે બે કદમ દુર,

પણ ત્યાં સુધી કેડી કંડારી ના શક્યો..

ડુબી ગયો હું એ મેઘતાંડવ માં,

પણ એ વરસાદ મને ભીંજાવી ના શક્યો..

એમ તો આકાશને પણ સ્પર્શી આવ્યો,

એમનાં દિલને એકવાર પણ સ્પર્શી ના શક્યો..

અમે તો એમના જ હતાં,

અફસોસ, એમને અમારા બનાવી ના શક્યો..

એ તો કદાચ ભુલાવી ગયા અમને,

પણ એમને આ ‘પાગલ’ ભુલાવી ના શક્યો…

– ડૉ.સુધીર ‘પાગલ

———————————

નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારા પગલાથી,

ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી.

હશે, મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ,

ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી.

રદીફને કાફિયા સાથે ગજબની લેણાદેણી છે,

મને ફાવી ગયું છે વાત કરવાનું સહજતાથી.

કદી તેં હાંક મારી’તી ઘણા વર્ષો થયા તો પણ,

હજી ગૂંજું છું ઘુમ્મટ જેમ હું એના જ પડઘાથી.

ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,

ફરક શું પડશે કોઈના અહીં હોવા ના હોવાથી.

– ખલીલ ધનતેજવી

————————-

કોણ કહી શકે કે અમારા જીવનમા, અમને કોઇ પણ અછત હતી,

સરોવર હતા, મૃગજળ હતા, ને વાદળી હતી, પણ એક તરસ હતી.

એક કિનારે તું હતી ને, બીજે કિનારે હું, વચ્ચે ધસમસતી નદી હતી.

તારે તરવી હતી ને, મારે પણ તરવી હતી, એક ઇશારાની કમી હતી.

સાગર શાંત હતો ને, મારી કસ્તી પણ કિનારાથી બહુ દૂર ન હતી,

સામે જ તુ પણ હતી, ને આ ભવસાગરની કેવી ભુલભૂલામણી હતી.

તારે જવું ન હતુ ને, અમે રોકીશું તેવી છુપી એક આશા પણ હતી,

દેવો હતો મારે પણ સાદ, ને કદાચ શબ્દોની અજબ હડતાલ હતી.

તુ પાસ ન હતી, પણ આસપાસ હતી, ને યાદોની વણજાર પણ હતી.

જાણે આયનાથી મઢેલા, મારા ખાલી ઘરમા, તારી એક તસવીર હતી.

હારવાની નાનમ ન હતી, ને જીતવાની મને આદત પણ ન હતી,

વસંતને મારે જીતવી ન હતી, ને પાનખરને ન જવાની જીદ હતી.

તારા ગયા પછી જીવનમા, મારી પાસે બે જ તો, સારી દોસ્ત હતી,

એક તારી યાદ હતી ને, બીજી આ હવા, તારો અણસાર લાવી હતી.

————————————————

તમે ના પારખી શકશો, અમારાં દર્દ એવાં છે,

નથી આધાત પથ્થર નો, પડયો છે માર ફૂલોનો.

-જિતેન્દ્રકુમાર જોષી

ઉધાડાં દ્વાર રાખીને, સતત જાગ્યા કરું છું હું,

તમે આવો નહીં, એ વાત હું માની નથી શકતો.

-કૈલાસ પંડિત

તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ

તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

-હરીન્દ્ર દવે

તમે ન કામ માં આવો તો કામ માંથી જઇશ,

કે છું હું કામનો માણસ ને કામકાજ નથી.

-મરીઝ

મને આ તારી અધબીડેલી આંખો માં સમાવી લે,

મને તો ઘણી ઇચ્છા છે કે કાજલ થાઉં તો સારું.

-શેખાદમ આબુવાલા

———————————-

તારા વિરહમાં રાતે નથી પાંપણો મળી,

તારા નશાના ઘેનમાં ડૂબ્યું સવાર છે.

-હરીન્દ્ર દવે

ના, એવું દર્દ હોય મોહબ્બત સિવાય, ના

સોચો તો લાખ સૂઝે- કરો તો ઉપાય ના.

-મરીઝ

તું નથી પાસે પછી તારી છબીને શું કરું ?

જીવ જેમાં કાંઇ નથી એ જિન્દગી શું કરું ?

-બેફામ

જીવનના બાગ માં મારા, કોઇ કાંટા નહીં મળશે,

ફક્ત મારા હ્રદયના ફૂલને રોપી રહ્યો છું.

-દિલીપ પરીખ

જાણે જોયો ન હોય તે રીતે તું ચાલી ગઇ,

હું ઉધાડું હોઠઃ ના એ તો નથી દસ્તૂર માં.

-હરીન્દ્ર દવે

————————

સામે નથી કોઇ અને શરમાઇ રહ્યો છું

હું પોતે મને પોતાને દેખાઇ રહ્યો છું.

આ મારો ખુલાસાઓથી ટેવાયેલો ચહેરો

ચૂપ રહું છું તો લાગે છે કસમ ખાઇ રહ્યો છું.

એક વાર મેં ફૂલો સમો દેખાવ કર્યો ‘તો

આ એની અસર છે કે હું કરમાઇ રહ્યો છું.

ગઇ કાલે અમસ્તાં જ હું થોડુંક હસ્યો’તો

આજે એ વિચાર આવતાં ગભરાઇ રહ્યો છું.

તારા લીધે લોકો હવે નીરખે છે મને પણ

કાગળ છું હું કોરો અને વંચાઇ રહ્યો છું.

મારા વિશે કોઇ હવે ચર્ચા નથી કરતું

આ કેવી સિફત થી હું વગોવાઇ રહ્યો છું.

કહેવું છે ઘણું ‘સૈફ’ અને કહી નથી શકતો

શબ્દોની દીવાલ ને દફનાઇ રહ્યો છું.

-સૈફ પાલનપુરી

————————

કોઇ ઉપર દિલ કોઇ ઉપર આંખડી છે,

છતાં મુજ ને નિરાશા સાંપડી છે.

-ફના રાંદેરી

લૂંટી ગઇ જે ચાર ઘડીના પ્રવાસમાં,

યુગયુગની ઓળખાણ હતી, કોણ માનશે?

-શૂન્ય પાલનપુરી

દીવાનગી જ સત્યનો સાચો પ્રચાર છે,

જાણી ગયા બધા કે મને તુજ થી પ્યાર છે.

-મરીઝ

મહોબત ની ધરા ઉપર પગ મૂક્યો ત્યારે ખબર નહોતી,

અમે તરસ્યા તળાવે રહીશું, ભૂખ્યા ખેતરે રહીશું.

-બેફામ

છે ચાહતની બલિહારી અજબ, હું એક જ ઉત્તર શોધું છું,

કે આંખોથી સત્કાર કરો ને મુખથી નકારો શા માટે ?

-વેણીભાઇ પુરોહિત

————————————-

તમારા સુંવાળા અધરની આ લાલી,

ચમન માં ગુલાબો ની મોસમ બની છે,

તમારાં જ સ્મિતો એ રંગો દીધા છે,

તમારી જ વાણી ફોરમ બની છે.

-બેફામ

વ્હાલસોયી હતી આપણી વેદના,

આપણે સામે ચાલીને વ્હોરી હતી.

-ભગવતીકુમાર શર્મા

દૂરતા આવી રહી છે આપણા સંબંધમાં,

કોક ભીને પગે ફરે છે રોજ રણને પટ છતાં.

-ચિનુ મોદી

કસુંબલ આંખડીના કસબની વાત શી કરવી,

કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.

-ઘાયલ

વાત મારી નીકળી તો હશે,

સાંભળી પાંપણો ઢળી તો હશે,

મૌન પાળ્યું હશે છતાં ‘ઘાયલ’

ચીસ આંખોમાં સળવળી તો હશે.

-ઘાયલ

—————————————-

આ સમય તો પાણીની જેમ વહેતો જ જાય છે,

યાદોના ખાડા પણ ઊંડા ખોદાતા જ જાય છે,

બહુ મથામણ કરું છું એ ખાડાની બહાર નીકળવાની,

પણ ઉપરથી પછડાઇને દિલ બહુ ઘવાય જાય છે

ના દવા કામ કરે છે ના દુવા કબૂલ થાય છે

છતાં આ અસહ્ય વેદના કોણ જાણે કેમ સહેવાય જાય છે,

કોઇ વાર પડે છે સંજોગોના ઘાવ કંઇક એ રીતે,

કે આ ખામોશ દિલથી એકાએક ચીસ પડાઇ જાય છે…

હેમાંગિની ચૌધરી

———————————

કેવળ દુઆનો દોર ઉપર દોર હોય છે,

સાથે ગઝલ લખ્યાની મજા ઓર હોય છે !

સુક્કાં થયેલાં ફૂલ કહે રંગ ક્યાં ગયા ?

સાચ્ચે જ ખુશબૂઓના અલગ ન્હોર હોય છે.

કાં તો તૂટી જશે ને નહીંતર ખૂટી જશે,

યાદો જૂનીપુરાણી ને કમજોર હોય છે.

દિવસની જેમ રાત પડે આંખમાં ઊગે,

સપનું દઝાડવાનો નવો પ્હોર હોય છે.

ચૂકવું છું ક્યારનોય વિરહ રોકડો કરી,

તારું મિલન તો ખૂબ નફાખોર હોય છે.

– અંકિત ત્રિવેદી

——————————-

આભ ગોરંભે ચડી અથડાય છે વરસાદમાં

ને ધરાનાં ચીર પણ ધોવાય છે વરસાદમાં

કેમ એની આંખમાં શ્રાવણ વહે વૈશાખમાં?

રેશમી અલગાવ અહીં પોંખાય છે વરસાદમાં

વીજ થૈને એમ તારું દૂરથી ચમકી જવું

તોય મન તો દાઝવા લોભાય છે વરસાદમાં

લાગણી ટહૂકે ભીની આ સગપણોના આભમાં

તો ય કોયલ ભીતરે મુંઝાય છે વરસાદમાં

પ્રેમની સિતાર જ્યાં મલ્હારતી સૂનકારમાં

એક દરિયો આંખમાં છલકાય છે વરસાદમાં

એક છત્તર હોય તોયે કેમ એ આઘા રહ્યા ?

કોરી કોરી આ ક્ષણો વરતાય છે વરસાદમાં

ચોતરફ વરસાદ બસ, વરસાદ મૂશળધાર ને

બેઉ કાંઠે જિંદગી ધોવાય છે વરસાદમાં

-પ્રજ્ઞા વશી

———————————–

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,

અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.

કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું,

પરંતુ છીછરું ખાબોચિયું, આપણને નહીં ફાવે.

તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,

ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.

વફાદારીની આ ધગધગતી તાપણીઓ બુઝાવી દો,

સળગતું દિલ, દઝાતું કાળજું આપણને નહીં ફાવે.

તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું?

તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે.

તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,

પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.

અણગમતાને ગમતો કરી લેવું નથી ગમતું,

ભલે તમને બધાને ફાવતું, આપણને નહીં ફાવે.

————————————–

જોતો જ રહ્યો બસ હું તમને, નિર્દોષ તમન્ના જાગી ગઇ

મન પ્રેમનું ડામાડોળ થયું ને રૂપની ચર્ચા જાગી ગઇ

અરમાનોએ લીધી અંગડાઇ અને ઉંઘતી આશા જાગી ગઇ

સંભળાયો તમારો રણકો ત્યાં સંગીતની દુનિયા જાગી ગઇ

જોઇને તમારા તેવરને સંસાર ઉપર દિવસ ઉગ્યો

વિખરાઇ તમારી ઝુલ્ફો તો રજનીની મહત્તા જાગી ગઇ

ઊર્મીનાં ગુલાબો ખીલી ઉઠ્યાં, આવી ગઇ ખુશ્બુ જીવનમાં

સ્વપ્નું તો નથી જીવન મારું એવી મને શંકા જાગી ગઇ

જ્યાં આંખ અચાનક ઉઘડી ગઇ જોયું આતો સ્વપ્ન હતું

પોઢી ગઇ જાગેલી આશા, જીવંત નિરાશા જાગી ગઇ.

————————————–

————————————————

ચાહત શું છે ઓ માનવી તારે મન,
મનમંદિરમાં મૂર્તિ રાખી  છે  તારી,

દિલમાં સાચવી છે એક તસવીર તારી,
વહાણા વીતે છે દિવસોના દિવસોના,

વાળ મારા ઉતરી ગયાં બેપનાહ ચાહતમાં,
તારી લટૉમા પણ સફેદી દેખાય આવી છે,

કેમ કરીને  મનાવું મનનાં ખ્યાલોને અને
કેમ કરીને સમજાવું  દિલમાં ઉઠતાં તરંગોને,

હજુ પણ ગુંજે છે એ ગીતોના શબ્દો તારી
યાદોની સંગીતમય સુરાવલી બનીને,

હજું પણ અરમાની ભાવો ઉપસે છે મનમાં
ઉડતા પાલવોમાં આભાસી ખ્વાબ લહેરાય છે,

ચાહતની પરિસિમા અને પરિમાણનું માપ ક્યાં છે,
ચાહત મારી છે એક અનંત જિવન યાત્રા…

———————————————————————————————————————

ધરતીને સિમમાં જોઇને એકલી,
આભ જરા નીચે નમ્યુ અને,
ધરતીને બાજી રે પડયો વરસાદ……
લજજાણી ધરા મેઘધનુષ પડ્યા ગાલે…
તોયે વરસી પડ્યો રે વરસાદ….

————————————————————

”धुंवा उठ रहा है
आगकी जवाला हवा से बाते करती है
दुर से देखा तो मेरा धर जल रहा था
लोग उसे आतिशबाजी समजकर जशन मना रहे थे

———————————————————————–

તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
આમ આયનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

શાશ્વત મિલનથી… તે સનાતન દૂરતાના સંભવોનું આંધળું આકાશ છું
નિશ્ચિતપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

હું તો હવાના ગર્ભમાં લજ્જામણી જેવા સુકોમળ શ્વાસનું હોવાપણું
નખ-ટેરવાંના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

ભાંગ્યો-તૂટ્યો અક્ષર છું, સહુ સંકેતના ચહેરા ઉપર હું ઝીણું ઝીણું ઝળહળું
શબ્દાંધતાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

જળ છું બરફ છું ભેજ છું ઝાકળ છું વાદળ છું સતત મૃગજળ સુધી ભીનો જ છું
તરસ્યા વિનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

અસ્તિત્વના ચારે તરફ ધસમસ થતાં આ પૂર વચ્ચે એક અવિચળ સ્તંભ છું.
માટીપગાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

-જવાહર બક્ષી

———————————————————————————-

આન્ખો મા બેઠેલા ચાતક કહે છે મારુ ચોમાસુ ક્યાક આસ્પાસ છે

ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનૂ કોઈ કારણ પૂછે તો કહૂ ખાસ છે.

કોરી કુન્વારી આ હાથની હથેળી મા માટી ની ગન્ધ રહી જાગી
તરસ્યા આ હોવાના કોરા આકાશ મા આશાઢી સાન્જ એક માન્ગી
વરસાદી વાર્તાઓ વાન્ચી વાન્ચી ને હવે ભીજાવુ એ તો આભાસ છે.
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનૂ કોઈ કારણ પૂછે તો કહૂ ખાસ છે.

કોરપની વેદના તો કેમેય સેહવાય નહી રુવે રુવેથી મને વાગે
પેહલા વરસાદ તનુ મધમીઠુ સોડ્લૂ રહી રહી ને મારામા જાગે
નસનસ આ ફાટીને વહેવા ચહે છે આ તો કેવો આશાઢી ઉલ્લાસ છે
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનૂ કોઈ કારણ પૂછે તો કહૂ ખાસ છે.

આન્ખો મા બેઠેલા ચાતક કહે છે મારુ ચોમાસુ ક્યાક આસ્પાસ છે
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનૂ કોઈ કારણ પૂછે તો કહૂ ખાસ છે

————————————————————————————————–

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !

ટળવળે તરસ્યાં, ત્યહાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે !

ઘરહીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર :
ને ગગનચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે !

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના :
લાખ ખાંડી લૂંટનારા મહેફીલે મંડાય છે !

કામધેનુને મળે ના એક સૂકું તણખલું,
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે !

છે ગરીબોના કૂબામાં તેલનું ટીપુંય દોહ્યલું,
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે !

કરસનદાસ માણેક
——————————————————————————————————–

સતત થતી તારી ઝંખનાઓનો ગુંજારવ
તને સંભળાતો હશે સાત સંમદર પાર..
કરું પણ એ કેવી રીતે પાર..

હ્રદય અને મનનો તાલમેલ નથી..
હ્રદયમાં ઉઠતી તારા વિરહની વેદના થકવે છે
મનમાં ઉઠતાં તારા વિચારો મુંજવે છે…

મનતો મારૂ તો હાથોના હલેસાથી પાર કરવાની ઇચ્છા રાખે છે
હ્રદય મારૂ આમ કરતાં રોકે છે..
મુજને શીદ થાય છે તને મળવાની પારાવાર ઝંખના

મને સતત કેમ એવુ કેમ લાગે છે કે..
ઇશ્વરના બનાવેલા રસ્તાઓ હમેશાં જેને મળવાની સતત ઝંખના હોય
તેનાથી દુર રહેવાં માટે બનાવેલા હોય છે…(નરેશ ડૉડીયા)

—————————————————–

કોરપની વેદનાને રહી રહીને વાચા ફુટે છે
ના જાણે ક્યાંથી આ અજાણ્યા લાગણીના
છોડ ફુટી નીકળયા.
જોઇને તારૉ વર્ષાવન જેવો ભીનૉ ભીનો ચહેરો
છોડમાં બેસી ગઈ રંગબેરંગી ફુલોની કરામતી કતાર.
જોઇને તારું વર્ષા અને વંસત જેવું રૂપ.
કલમને પણ તાન ચડ્યું છે હણહણે છે વછેરાની જેમ
જોઇને તારી બેફામ અદા..
રૂપ તમારૂ પરદેશી પણ.
એમાં રંગ ભળ્યા છે અમારા.
લસલસતી લેટીન કાયાને અદા તમારી હિંદુસ્તાની.
અમી ભર્યા નયનોનો આભાસ થાય છે
રાતોના રંગીન સપનામાં.
તો યે કેમ છે રહે છે નયનોના સપના અધુરા અધુરા

—————————————
પવન, ફરકે તો એ રીતે ફરકજે – પાન ના ખખડે!
કોઈને સ્વપ્નમાં માગી અમર હમણાં જ સૂતો છે.

દવા તો શું હવે સંજીવની પણ કામ નહિ આપે,
જીવનના ભેદને પામી અમર હમણાં જ સૂતો છે.

મિલન-દૃશ્યો હવે તડપી રહ્યાં છે કરવટો લઈને,
વિરહના રંગમાં રાચી અમર હમણાં જ સૂતો છે.

ગગન પ્રગટાવ તુજ દીવડા, નહીં લાગે હવે ઝાંખા,
નયનનાં દીપને ઠારી અમર હમણાં જ સૂતો છે.

ગગનનાં આંસુઓ માયાં નહીં ધરતીના પાલવમાં,
પ્રભાતે જ્યાં ખબર આવી અમર હમણાં જ સૂતો છે.

અમર જીવન છે એવુ કે જીવન ઓવારણાં લે છે,
મરણના માનને રાખી, અમર હમણાં જ સૂતો છે.

કહ્યું શત્રુઓએ મિત્રોને, કરો ઉત્સવની તૈયારી,
રહી ના જાય કાંઈ ખામી, અમર હમણાં જ સૂતો છે.

ગયો એ હાથથી છટકી, હવે શું બાંધશે દુનિયા!
બધાંયે બંધનો ત્યાગી, અમર હમણાં જ સૂતો છે.

ન જાગે એ રીતે ઊંચકીને એને લઈ જજે, દુનિયા!
સમયની કૂચમાં થાકી, અમર હમણાં જ સૂતો છે.

– અમર પાલનપુરી
—————————-
ખુલ્લી હદથી વધારે જાત ન કર,
આંખ ભીની કર, અશ્રુપાત ન કર.

તું ભલે મારો પક્ષપાત ન કર,
પણ ગમે તેની સાથે વાત ન કર.

થોડા બીજાને માટે રહેવા દે,
સઘળા સત્વોથી મુજને જ્ઞાત ન કર.

બૂટ પહેરી નીકળતા પગ માટે,
આંગણે ફૂલની બિછાત ન કર.

જીતનારાઓને જ જીતી જો,
હારનારાઓને મહાત ન કર.

મારો ચહેરો બીજાનો ચહેરો હોય,
એવી રીતે તું દૃષ્ટિપાત ન કર.

કર, સવારો વિશે તું ચિંતા કર,
પણ એ ચિંતાઓ આખી રાત ન કર.

-મુકુલ ચોક્સી
————————
તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
લે મૂક હથેળીમાં મખમલ, બહુ એકલવાયું લાગે છે.

શાયદ મારો ભુક્કો થાશે કે ઢાંચામાં જકડાઈ જઈશ,
શું થાશે એ કહેવું ન સરલ, બહુ એકલવાયું લાગે છે.

કૂવો બેઠો આતુરતાથી, વરસી ના એકે પનિહારી,
સંકોચાતું મરજાદી જલ બહુ એકલવાયું લાગે છે.

ઉનાળો લઈને ખોબામાં જંગલ જંગલ ભટક્યા કરવું,
બે આંખો ત્યાં ભાળી શીતલ, બહુ એકલવાયું લાગે છે.

ખખડાવે ખુલાસાના રસ્તા, શંકાના ભીડેલા દરવાજા,
સોંસરવો છે આ કોલાહલ, બહુ એકલવાયું લાગે છે.

-હેમેન શાહ
———————————
થોડોય પરિચય નથી છતાં સંબંધ છે,
લાગે છે હ્રુદયની આ લાગણીઓ અંધ છે.

કોઈ ખીલેલું ફૂલ ખરે ભર વસંતમાં,
વીતેલ સૌ પ્રસંગ નીખરવા પ્રબંધ છે.

છવાઈ ગઈ છે પાનખર ચમનમાં તે છતાં,
અહીં પાન પાનમાં વસંતની સુગંધ છે.

ભવરણમાં એતલે જ ભટકતો રહ્યો સદા,
જોયું’તું મેં પ્રભુને ઘેર દ્વાર બંધ છે.

જેના હતા અમે એ અમારા ન થઈ શક્યા,
મિસ્કીન જિંદગીમાં રઝળતા સંબંધ છે.

-રાજેશ વ્યાસ ‘મિસ્કીન
————————————
ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ
પ્રસંગ, નહિ તો મિલનના જતા કરે કોઇ

મને ઘણાય તમારો સંબંધ પૂછે છે
તમારી પણ કદી એવી દશા કરે કોઇ

તમારી પાસ જવાની નથી થતી ઇચ્છા
મને ફરીથી જવાની મના કરે કોઇ

ભલે અવાજની ક્ષિતીજમાં જઇ ન શકાય
વિચારને તો જતા – આવતા કરે કોઇ

કોઇ નજીક નથી – એ વિષે હું કૈં ન કહું
આ સંકડાશ વિષે સ્પષ્ટતા કરે કોઇ

ગુન્હા કર્યા તો ‘ફના’ મેં ગુન્હા તમારા કર્યા
મને એ માન્ય નથી કે સજા કરે કોઈ.

– જવાહર બક્ષી
—————————————-
હ્રુદયના દર્દની તમને જરા જો કલ્પના આવે,
કસમથી આપની જીભે સદા સો-સો દુઆ આવે.

તમારી હોય જો ઇચ્છા વધાવી લઉં હું એને પણ,
સકળ બ્રહ્માંડની ઘેરાઈ મુજ પર જો વ્યથા આવે.

સહન હું તો કરી લઉં છું, ન સહેવાશે તમારાથી,
એ પાનું ફેરવી દેજો, જ્યાં મારી વારતા આવે.

જરા ઘૂંઘટ હટાવી ઝાંખવું નજરો બચાવીને,
અમારી જાન જાએ ને તમોને તો મજા આવે.

તમારા વાયદાઓ છે કે રેતી પર મિનારાઓ,
તમારું આવવું જાણે કે પશ્ચિમથી ઉષા આવે.

નજર દિલ પર પડે છે તો આ જખ્મો એમ ફૂલે છે,
કે પથ્થર જાય પાણીમાં ને ઉપર બુદબુદા આવે.

મરણનું મૂલ્ય જીવનથી વધારે એ રીતે લાગ્યું,
ન આવે કોઈ જ્યાં મળવાને ત્યાં આખી સભા આવે.

શિકાયત શું કરે દિલ કોઈ ના આવે ગજું શું છે?
મોહબ્બત હો જો ‘કામિલ’ તો ખુદ પાસે ખુદા આવે.

-‘કામિલ’ વટવા
———————————-

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: