RSS

ચંન્દકાંત કેશવલાલ બક્ષી. Part (4)

ગુજરાતી સાહિત્યકારોમાં બક્ષીસાહેબને જેટલો પ્રેમ તેમના વાંચકોએ કર્યો છે એટલા જ પ્રમાણમાં એને અમુક લોકોનો ધીક્કાર મળ્યો છે.

બક્ષીસાહેબના એક સમયનાં ખાસ મિત્ર મધુરાય બક્ષી વિશે શું લખે છે જરા એક નજર-“મેં જે કર્યું છે તે બક્ષીએ ફોલો કર્યુ છે.તો બક્ષીએ નાટક કેમ ન લખ્યાં?નાટકમાં એકથી વધું પાત્રો જોઇએ,જ્યારે બક્ષી પાસે એક જ પાત્ર છે.એકનું એક પાત્ર વિધ વિધ નામે ઉભરે છે.આયનામાં એક જ પ્રકારની ચડભડ ભાષામાં ડાયલોગ મારે અને ના-ટ-ક બને નહીં.જનરલી નાટકમાં સહેજસાજ થાય.વાતાવરણ ગરમ થાય અને ક્લાયમેક્સ આવે.ધેટ ઇઝ નાટક.

બક્ષીમાં ત્રાડૉથી,ગાળૉથી,તુંતુંમેંમેંની ક્લાયમેક્સથી શરૂઆત થાય અને જે રોદ્ર્રૂપ ત્રણ અંક સુધી કન્ટિન્યુ રહે.બક્ષીની નોવેલોમાં અકારણ વેરાયેલી ચિંતનકણિકાઓ નાટકમાં વિલ ડુ થાય નહીં.એટલે એમાં સફળ ન થયાં.બક્ષી હવે ગુણાકાર અને ભાગાકાર કરે છે-નર્મદ કરતાં મારા વાંચકો વધું છે-મારા અઢી કરોડ વાંચકો છે.

હશે ! નર્મદ,ને દલપત, ને મુનશી,ને દેસાઇ,ને મેઘાણીના કમ્બાઇન્ડ વાંચકો કરતા પણ બક્ષીના વાંચકો વધું હશે.વસતિ વધી છે.એકચ્યુલી વાંચકો વધ્યા છે તેની વજહ બક્ષીના સર્જન કરતા ગુજરારીઓનું પ્રજ્જન છે.બક્ષીને તે કોણ કહે ?

મધુરાય આગળ લખે છે-મુંબઇ આવ્યા બાદ પત્રકારત્વમાં પૈસાનું લોહી ચાખ્યા બાદ બક્ષી બહુ વકર્યા છે.કલાકાર ન રહ્યાં.વાર્તાઓ લખવાની બંધ કરી.નવલકથાઓમાં ઇતિહાસ ભૂગોળનાં ઉતારા કર્યાં.કોલમોની ખેતી કરી.

જ્યારે બક્ષીસાહેબે મધુરાય માટે શું લખ્યુ છે તેના ઉપર જરા એક નજર-ગુજરાતી લેખકોને નાટક લખતા આવડતા નથી…પણ એવું નથી.આપણી પાસે “ખારા સમદરિયામાં મીઠી એક વીરડી”જેવા મધુરાય છે,અને એમાંથી ડૉલો ભરી ભરીને ઠાલવાતી આઇ.એન.ટી છે.
વીરડી અને પનિહારી બંન્ને..એક બીજાની પ્યાસ સમજે છે.

વિનોદ ભટ્ટ બક્ષીસાહેબ વિશે લખે છે-બક્ષીસાહેબે પોતાના પ્રવચનમાં જે ભાષા વાપરી એ અમદાવાદના હેર કટિંગ સલૂનના કારીગરો વાપરે છે.આપણે દુકાનમાં પ્રવેશીયે છીએ ત્યારે કોઇ ગ્રાહકની દાઢી પર બ્રશ ફેરવતો વાળંદ કહેતો હોય કે,સાહેબ,બે મિનિટમાં આમને પતાવ્યા પછી તમને બેસાડી દંઉ છું.

બક્ષીસાહેબને ભલે તેમના વિરોધીઓ એક સુરમાં કાગારોળ કરે પણ બક્ષી એટલે બક્ષી…!!

બક્ષીસાહેબના અમુક લખાણો હજુ પણ નજર સામે તરવરે છે –
“ક્દાચ મનુષ્ય માટે ખુદાને પહેલેથી જ નફરત હશે…નહીં તો એણે પ્રકૃતિને જે રીતની જવાની આપી છે એ રીતની મનુષ્યને પણ આપી હોત. વર્ષે વર્ષે વસંત આવે છે, જૂનાં પત્તાં ખરીને નવાં ફૂટે છે, નવી કૂંપળો – નવાં ફૂલો આવે છે, નવી ખુશબૂ આવે છે. નદીમાં નવું પાણી આવે છે…આખી સૃષ્ટિમાં વસંતનો નવો શ્વાસ ધબકે છે અને ધીરે ધીરે બંધ થઈ જાય છે, બીજે વર્ષે આવવા માટે. દર વર્ષે વસંત આવશે – સૃષ્ટિના અંત સુધી –. . . . .માણસને પણ ઈશ્વરે મૃત્યુ સુધી વર્ષે વર્ષે વસંત આપી હોત તો?

સાચો લેખક માત્ર બે જ વિષયો પર લખી શકે, સેક્સ અને મૃત્યુ; અને આ વિચાર કવિ ડબ્લ્યુ એચ. ઓડેનનો હતો. સેક્સ પર લખવું પ્રમાણમાં સરળ છે પણ એમાં લક્ષ્મણરેખા સાચવવી પ્રમાણમાં કઠિન છે. મૃત્યુ વિશે ઈમાનદારીથી જ લખી શકાય. જેણે પ્રિયજનના મૃત્યુને કરીબથી જોયું છે, જેણે નિશ્ચેષ્ટ શરીર પર આંગળીઓ ફેરવી છે અને એ મૃત શરીરમાં કોઈ સ્પંદન, કોઈ થર્રાહટ અનુભવી નથી એ માણસે મૃત્યુની વિભીષિકાને સ્પર્શ કર્યો છે. પગની બર્ફીલી ઠંડક, વધેલા નખ. ધ્રૂજતા હાથથી બંધ કરેલાં બંને આંખોનાં પોપચાં. અને એ જીભને સ્પર્શ કરતી વખતે ધ્રુજારી છૂટી જાય છે. એ જીભ પથ્થર જેવી સખ્ત અને સ્થિર બની ગઈ છે. હવે ફક્ત એક ફોટો રહી ગયો છે, સ્ટ્રોબેરી રંગની સાડી, સોનેરી કિનાર અને ફોટામાં થીજી ગયેલું અર્ધસ્મિત. અને ફોટામાંથી વિષાદી આંખો જોઈ રહી છે; એ આંખો, જે ફોટામાં હવે ક્યારેય બંધ થવાની નથી. નિષ્પલક આંખો. એક આંખ એક અંધને દ્રષ્ટિ આપશે, બીજી આંખ બીજી અંધ વ્યક્તિને દુનિયા બતાવશે, જે દુનિયા કદાચ એણે ક્યારેય જોઈ નથી. કોઈક બે અનામ ચહેરાઓમાં આ બે આંખો જીવતી રહેશે, અને એ બે ચહેરાઓ કોના છે એ ક્યારેય કહેવામાં આવતું નથી. પણ નિકટજન માટે હવે આ બે અપલક, જોઈ રહેલી આંખો ફોટામાં બિડાવાની નથી. અને નિકટજનની આંખો નમ થઈ જાય છે. છલકાવું, પણ ન રડવું. અને નિકટજનના નિકટજનોના ભાવુક આગ્રહથી ઈસીજી કઢાવી લેવો પડે છે. પેલ્પીટેશન છે. હાર્ટ-બીટ્સ જરા ઈરરેગ્યુલર છે. ડૉક્ટર એની ડૉક્ટરી ભાષામાં સાંત્વન આપે છે. બ્લડ પ્રેશર નોર્મલ છે. ટેઈક ઈટ ઈઝી… ”

બક્ષીનો મિજાજ એક અલગ હતો.તે મિજાજ બીજા લેખકોમાં નજરે ચડતો નથી..અમુક અવતરણમાં બક્ષીશાહી છાપ તુરત જ વર્તાય આવે છે –

“પ્રોબ્લેમ નથી માટે માણસ સુખી છે એવું તું કેમ ધારી લે છે ? પ્રોબ્લેમ ન હોવો એ પણ મારા જેવી બાવન વર્ષની સ્ત્રી માટે કેવી મોહતાજી છે? મારી નાની બહેનની બે દીકરીઓ તો વિકએન્ડમાં રહેવા આવી જ જાય છે, હું બોલાવું છું ત્યારે… પણ બંને પરણી જશે, પછી?”

“પછી જમાઈઓને લઈને આવશે !”

“મારે ઉષ્મા માટે કંપની જોઈએ છે. વારસદારો જોઈતા નથી.” વાગ્દેવીએ મગ ખાલી કર્યો. “તેજ!” વાગ્દેવી શરારતી હસી, તેજની ચુસ્ત કમર પર હાથ વીંટાળીને બોલી, “તને લાગતું નથી કે નાની નાની બદમાશીઓ કરતા રહેવાથી મોટી ઉંમરે તબિયત સરસ રહે છે ?”

“સરસ શરીર એ એક આશીર્વાદ રહ્યો છે, મારે માટે !… અને તારે માટે પણ…” તેજ વાગ્દેવીને જોઈને બોલ્યો, “વિચારો સડી જાય છે પછી જ શરીર ખવાઈ જાય છે. આજે એક કૉમિક વસ્તુ જોઈ, તને કહેવાનું ભૂલી ગયો ! આજે એક કાગડો જોયો, એની પાંખમાં એક સફેદ પીંછું હતું ! કાગડો સરસ, હૅન્ડસમ લાગતો હતો!…”

“સાલા! મારી મજાક કરે છે? રાસ્કલ…!”

તેજ પ્યારથી વાગ્દેવીના વાળમાં આંગળીથી સફેદ થઈ ગયેલા વાળને સહેલાવતો રહ્યો.”

(મારું નામ, તારું નામ. : પૃ.9)

‘એકલી – તું કેટલા દિવસ રહી શકીશ?’

‘જ્યાં સુધી તું કાઢી નહીં મૂકે ત્યાં સુધી…’

‘મારે એક સ્ત્રીની જરૂર છે.’

‘મને પુરુષની જરૂર નથી.’ અલકાએ કહ્યું, ‘મારે ફક્ત પુરુષનો પ્યાર જોઈએ છે.’

પ્રકાશે એક બગાસું ખાધું, એણે કહ્યું, ‘અલકા! આટલા ધક્કા ખાધા પછી પણ તું બેવકૂફ રહી શકે છે?’

‘શું અર્થ?’ અલકા તાકી રહી.

‘હજી અર્થ પૂછે છે? બસ, હવે તું ખરેખર ‘અલ્હડ’ બની ગઈ છે…’ પ્રકાશ ખુશ થઈ ગયો, ‘અને મેં તને કહ્યું હતું ને કે ‘અલ્હડ’ છોકરીઓ મને ગમે છે. મારી પાસે આવી જા…’ પ્રકાશે બન્ને હાથ પહોળા કર્યા.

અલકા જરા પાસે ખસી અને પ્રકાશની સામે બેસી ગઈ. એણે કહ્યું, ‘જો મને અડતો નહીં!’

(પડઘા ડૂબી ગયા: પૃ.120)

બક્ષીસાહેબની કલમની ધાર વડે ગુજરાતી સાહિત્યના ખેરખાઓને ઉજરડાનો અનુભવ છે.-“ગુજરાતી ભાષામાં તમે કંઇ પણ ના લખીને મહાન સાહિત્યકાર થઇ શકો છો.બે અંક પ્રગટ કરીને યુગ કવિ થઇ શકો છો.સસ્તી પેપર બેંકોમાંથી પ્લોટ ચોરીને,અને પકડાય જાવ તો,નવલકથા લખીને,ગમે તે પ્લમ્બર પોતાને “બેસ્ટસેલર” નવલકથાકાર કહેડાવવી શકે છે.પણ ખરેખર પ્રથમકક્ષ થવા માટે બુધ્ધિ જોઇએ,અને મૌલિક વિચારશકિત જોઇએ છે.લેખકની ઇમાનદારી જોઇએ છે અને કાળી મજૂરી જોઇએ છે અને લોહી સુકાય એટલું ધૈર્ય જોઇએ છે.આખી જિંદગી અન્યાય સામે ટક્કર લેવાની જિદ જોઇએ છે.અને વિપૂલ સર્જન અને વિરાટ સર્ગશકિત જોઇએ છે.ગુજરાતી લેખકો પાસે મુનશીથી મડિયા સુધીની જબરદસ્ત પરંપરા છે.

ગઇ કાલની પેઢીના લેખકો જાન નીચોવી ગયા આ ભાષા માટે..એમણે ઘણુ લખ્યું..
ઉચ્ચસ્તરિય લખ્યું.પ્રામાણિક લખ્યું..આજે કામચોર મધ્યવ્યસ્ક લેખકપેઢી બજારમાં આવી ગઇ છે…પારિતોષિકલંપટ..ઇનામબાઝ…સરસ્વતીખોર….લખાવટ કરનારા…

કાશ બક્ષી આજે જીવતા હોત તો કહેત કે બક્ષીબાબુ………..

વધુ આવતા હપ્તે…

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: