RSS

ચંન્દકાંત કેશવલાલ બક્ષી. Part (2)

ક્ષી સાહેબને એક મુલાકાતમાં પુછવામાં આવ્યુ કે છેલ્લે ક્યારે રડયા હતાં? ત્યારે બક્ષીસાહેબે ઉત્તર આપ્યો કે,”૪૭ વર્ષના દામ્પત્યજીવન પછી બકુલાના શરીરને અંતે ઇલેકિટ્ર્ક ક્રિમોટોરિઅમમાં અગ્નિની શિખાઓને સોપ્યુ ત્યારે…”

બક્ષીસાહેબ લખે છે,”વર્ષો પહેલા મેં એક નવો ગુજરાતી શબ્દ બનાવ્યો હતો-બેકલતા ! ગુજરાતીઓનો આ અનુભવ ફેલાતો જાય છે.પતિ અને પત્ની હોય,દીકરી પરણી ગઇ હોય,દીકરો અન્યત્ર રહેતો હોય અથવા વિદેશમા હોય,અથવા બંને વિદેશમા રહેતા હોય.રંગી ફોટાઓ જોયા કરવાના,પૌત્ર-પૌત્રી કે દોહિત્ર-દોહિત્રીના ફોન પર વાતો કરતા રહેવાનુ.દસ-અગ્યાર કલાક ઘડિયાળને પાછળ મુકીને,અને ઘરમાં બે જણાએ સાથે સાથે બુઢા થતા જવાનું..આ સ્થિતિ બેકલતાની છે.બે વ્યકિતઓની એકલતા,સાંજ લાંબી ચાલતી હોય એ જિંદગી.સંતાનો એમની સુખની દિશામાં ઉડી ગયા છે એટલે ૫૦૦ ફીટનો ફલેટ,૭૫૦ ફીટનો બની ગયો છે.ધીરે ધીરે સમવયસ્ક મિત્રો,પરિચિતો,સગાઓમાંથી દર વર્ષે બાદબાકી થતી રહે છે.”

આ વાક્ય લેખક બક્ષીનું નથી.આ વાકય એક પિતા,એક પતિ નું છે…બહારથી સખત દેખાતો માણસ અંદર મુલાયમ આત્માનો ધણી હતો.

મને યાદ છે સાલ ૧૯૯૫ હતી.મુંબઇમાં મારા ફોઇના દીકરા જે બક્ષીસાહેબના એક વખતના વિધ્યાર્થી રહી ચુક્યા હતાં.ત્યારે પહેલી વાર મારા પ્રિય બક્ષીસાહેબને પ્રત્યક્ષ મળ્યો હતો.
વિલેપાર્લેમાં નાનજીભાઇ નામના એક સદગૃહસ્થના ઘરે રાતના સમયે મારા ફોઈના દીકરા સાથે હું ત્યા ગયો હતો.એ સમયે ન્યુયોર્ક વાળા જીતુભાઇ મહેતા(વતન) અને શોભિત દેસાઇ અને બીજા ચાર પાંચ લોકો ત્યા હતાં…વ્હિશકીનો દોર શરું થાય છે..જાત જાતની ભાત ભાતની વાતો થતી હતી…ત્યારે બક્ષીસાહેબ સાથે મારી ઓળખાણ મારા ફોઇના દીકરાએ કરાવી.

મને હજું યાદ છે બક્ષીસાહેબે જ્યારે મારી સાથે હાથ મિલાવ્યા ત્યારે સખતાયથી હાથ મિલાવીને કહ્યુ કે,”કાઠિયાવાડી સાથે હાથ મિલાવવા જરા પણ ઢીલાસ ના ચાલે..” પછી તો હું લગભગ સવારના ચાર વાગ્યા સુધી ફકત સાહેબની વાતો જ સાંભળતો રહયો..એક મંત્રમુગ્ધ શ્રોતાની જેમ….આ માણસને દારૂના બે-ચાર પેગ પછી સાંભળો તો સાંભળનારાને પીધા વિના બક્ષીના નશાનો ખુમાર ચડી જાય….કારણકે મને હજુ પણ ખુમાર ઉતર્યો નથી.

મને યાદ છે જ્યારે મારી ઉમર ૨૦ની આસપાસ હતી.જામનગરમા ઇરવિન હોસ્પીટલ સામે રોજ રાત્રે મિત્રોનું ટૉળુ ભેગું થાય.એમાનાં ચાર પાંચ મિત્રો સાહિત્યના શોખિન હતાં..એ સમયે અમે બક્ષીને વાંચતા અને એના લખાણના ખુમારમાં જિવતા હતાં..

બક્ષીસાહેબની એક નવલક્થાકાર તરીકે વિશિષ્ટતા હતી.નવલકથામા આવતા પ્લોટૉ,લોકેશન અને વિવિધ વ્યકિતોનું એક અનોખુ વર્ણન તરી આવતુ..જીવનની સચ્ચાઇ સાથે બક્ષીસાહેબનિ વાર્તાઓ ચાલી આવતી.

પછી એમાં કોઇ જગ્યાઓનું વર્ણન હોય તો પણ બક્ષીની છાપ ત્યા વર્તાય આવે છે..થોડા વાકયો ઉપર નજર નાખીયે.

” ફેબ્રુઆરીના આકાશમાં એક ખૂલતી આસામાની તાજગી આવી રહી હતી અને વૃક્ષોની સૂકી પત્તા વિનાની ડાળીઓ પર ધીરે ધીરે વસંતના મખમલી લાલ-લીલા રંગો પુરાવા માંડ્યા. શિયાળાની ઉગ્રતા ઓછી થઈ ગઈ હતી, વહેલા પરોઢિયે ગરદન ઝુકાવીને દોડતા ઘોડાઓના શ્વાસમાંથી હવે ધુમાડો નીકળતો ન હતો. ઠંડીમા સડકો પર ચોંટી ગયેલી ભીના બદામી રંગની ધૂળમાં હવે ગરમી હતી અને ઘોડાગાડીઓના દોડતા ટટ્ટુઓની ખરીઓથી થોડી થોડી ધૂળ ઊડતી.”
(પડઘા ડૂબી ગયા: પૃ.16)

આ હૂગલીનું પાણી હતું, ગરમ હતું – કંઈક અંશે ઔરતના દૂધ જેવું ગરમ. ચાચા કહેતા, ‘જ્યારે ઔરતનું દૂધ ઠંડુ થઈ જાય છે ત્યારે જિંદગી સુકાઈ જાય છે.’ હૂગલીનું પાણી પણ એવું જ હતું, ચાચા કહેતા હતા એવું જ, ઔરતના દૂધ જેવું…એમાં જિંદગી હતી.
(પડઘા ડૂબી ગયા: પૃ.157)

” મુંબઈમાં બેઠાં બેઠાં એને ટી-એસ્ટેટનો જે ખ્યાલ હતો એ ખોટો હતો. અહીં ઢળતી-ચડતી ધરતી હતી, હવામાં થોડું ધુમ્મસ રહેતું હતું. ચારે તરફ ભીનાશ અને હરિત નમી અને ચાની તાજી ફૂટતી કૂંપળોની તાજગી હતી. આસપાસ માઈલો સુધી જુદાં જુદાં એસ્ટેટો ફેલાયેલાં હતાં. એક ક્લબ હતી, જેમાં એસ્ટેટોના માલિકો કે મેનેજર આવતા, બિલિયર્ડ્ઝ રમતા, ક્યાંક તાશ પર નાની મોટી હારજીત થતી રહેતી. પાછળ બાલ્કની લગોલગ નાનો સરસ બાર હતો. કિચનમાંથી ખાનસામો ઑર્ડર પ્રમાણે શાકાહારી માંસાહારી નાસ્તાઓ લાવી આપતો હતો.”

“સ્ત્રીઓ હતી પણ ઓછી હતી અને એમાંની કેટલીક શિકારી માદાઓ જેવી લાગતી હતી. અહીંની હવા જ તડપ વધારી મૂકે એવી તામસિક હતી… એકલતા હતી, પૈસા હતા. રાતનું ધુમ્મસી અંધારું અને અંધારાની ઠંડી લાંબા ચાલતાં હતાં. ઓછી સ્ત્રીઓ હતી અને અહીં જિંદગી જલદી હાંફી જતી હતી અને પૈસા ઉછાળી લીધા પછીનાં ખુશ્બૂદાર મોસમી દુ:ખો હતાં. માણસ વીડીઓ પર એક પછી એક સતત ત્રણ ફિલ્મો જોતો રહે એટલો બધો અવકાશ અને દિશાશૂન્યતા રહેતાં હતાં…”

“જો માણસને લાંબું રહેવું પડે તો દૈનિક પંચેન્દ્રીય દુ:ખો માટે પણ માણસ તલસતો થઈ જાય એવી આબોહવા હતી…”
(લીલી નસોમાં પાનખર : પૃ.109)

બાંધેલા તળાવ પર કિનારાનાં ઝાડોના ઘટ્ટ, જાડા પડછાયા સવારના ધુમ્મસમય પાણી પર સ્થિર પડ્યા હતા અને તળાવનું દ્રશ્ય કોઈ જૂના ચીની ચિત્ર જેવું લાગતું હતું. તડકો આવ્યા પહેલાનું પાણી, સ્થિતપ્રજ્ઞના સ્વભાવની જેમ સ્થિર અને શાંત હતું.

વસંતઋતુ મેદાનોના લીલા રંગમાં લહેરાતી હતી. શિયાળાની કડકડતી ઠંડીમાં કડક થઈ ગયેલાં ઘાસમાં સુવાળાશ આવી હતી અને ભીનાશને લીધે ઘાસનો લીલો રંગ આંખને ઠંડક આપતો હતો. જૂનાં પાંદડાં પરની ધૂળ ધોવાઈ ગઈ હતી, પણ પાંદડાઓનો લીલો રંગ પાકી ગયો હતો અને પીળાશ પકડતો હતો. કોઈ કોઈ ઝાડ પાંદડાં વિનાનાં, લીલાશ વિનાનાં, બુઢ્ઢી વિધવાઓ જેવાં ઊભાં હતાં. સમાંતર ઊભેલાં ઝાડોનાં જુદા જુદા પ્રકારનાં પાંદડા પર જુદી જુદી લીલાશ હતી. સૂકી, ગંભીર, કિલ્લોલ કરતીમ હસતી, ક્યાંક ક્યાંક જાડાં થડોમાંથી એક કૂંપળો ફૂટી હતી અને લીલાશ શરમાતી હતી. એક મોટા ઝાડની બધી ડાળીઓ પર નવાં પાંદડા આવી ગયાં હતાં. અને આખું ઝાડ ખડખડાટ હસી રહ્યું હતું – એ ફાટતી જવાનીનો લીલો રંગ હતો. રવિવારની સવારના ધુમ્મસના બ્લૂ ભેજમાં એ બધા લીલા રંગો તરબોળ થઈ ગયા હતા અને લીલાશ હવામાં પ્રસરી ગઈ હતી.
(એકલતાના કિનારા : પૃ.72)

એક એક શબ્દ વાંચતા બક્ષીમય બની જાય એવો અક્ષરોનો પ્રાસ જાણે આપણને બાહુપાંસમાં જકડતો જાય જ્યારે આપણને ભાન રહેતી નથી કે આપણે બક્ષીની નવલકથાના ખોવાય ગયા છીએ.

યુવાને ઝમ્ઝોડી નાખે તેવી કોઇ કન્યાની લચકદાર શૈલીને વાંચતા વાંચતા હૈયુ હેલીએ ચડી જાય છે…
બક્ષી સાહેબ ખાવા,પીવા અને માણવાના શોખિન હતાં.મીઠાઇ તેમને બહુ વ્હાલી હતી…
ખાવાની બાબતમાં અંગત જિંદગીમાં કોઇ કચકચ નહોતી કરી.જે દેશ કે પ્રાંતમાં ગયા તેવો ખોરાક અપવાવી લેતા હતાં..થોડા વાકયો ખાણીપીણીના પણ થઇ જાય.

” વેઈટર બૉટલો લઈને આવ્યો અને એણે એક પેગના માપમાં ભરીને એક એક પેગ જીન ગ્લાસોમાં રેડ્યો, પછી થોડું થોડું લાઈમ જ્યુસ કોર્ડીએલ ઉમેર્યું. પછી સોડાની બન્ને બૉટલો ખોલીને મૂકી દીધી. લાઈમ જ્યુસ કોર્ડીએલ અને સોડા એણે સરનાની સામે મૂક્યાં. સોડા ઉમેરીને ત્રણેએ પીવું શરૂ કર્યું, ગ્લાસો અડાડીને, સરનાએ ખાસ નાટકીય ઢબે.

ધીરે ધીરે ગ્લાસો ખાલી થયા અને ખોરાકનો ઑર્ડર અપાયો. સ્વીટ ઍન્ડ સાવર પોર્ક, ચીકન વીથ પાઈનેપલ અને ચીકન ચાઉ મીએન. બધું આવ્યું અને સૌએ પોતપોતાની પ્લેટમાં થોડું થોડું લઈને ખાવું શરૂ કર્યું.

‘એક વાત….દીપ, તને- આશ્ચર્ય થશે.’ યશે નુડલ્સ ઉતારી લીધા પછી કહ્યું, ‘પણ જેલમાં ચીકન બહુ મજાનું મળતું હતું. એ લોકોના જંગલી મુર્ગાઓ હોય છે એટલે “ટેસ્ટ” બહુ સરસ આવે છે. ફક્ત બનાવટ સારી નહિ.’

‘કાચું?’ સરનાએ પૂછ્યું.

‘ના, કાચું નહિ. મટન-બટન બધું બરાબર પકાવેલું મળે પણ બનાવટમાં જરા ગડબડ થઈ જાય છે અને ચીકન, મટન બધાનો એક જ ટેસ્ટ આવે.’ યશ હસ્યો, ‘મસાલાની ફોર્મ્યુલા કદાચ એક જ હશે.’
(આકાર : પૃ.51)

“એને પુલાવમાંથી બફાયેલી આખી ઈલાયચીની, તેજપત્તાંની, કાજુની, ફૂલેલી કિશમિશની વાસ આવી. કરીમાં ફ્લાવરનાં અને આલુના ટુકડા હતા. સાથે ‘બ્રેઈન’ના તળેલા ટુકડાઓ હતા, ગાજરનો હલવો હતો, ફોદીનાની ચટણી હતી. વીનેગાર પાયેલું પ્યાજ અને બૉટલમાંથી કાઢેલું પીકલ્સ હતાં. અને જમ્યા પછી સંહિતાએ પૂછ્યું હતું, ‘શું લેશો જીતભાઈ, કૉફી કે જેલી?’ એ કૉફીનો શોખીન હતો પણ એણે કહ્યું હતું, ‘જેલી ચાલશે.’ ‘કેવી ફ્લેવર ગમશે તમને – સ્ટ્રોબેરી કે વેનીલા?’

અને હા, સાથે ‘ચીલ’ કરેલા ગોલ્ડન ઈગલની એક બૉટલ પણ હતી.”
(એક અને એક : પૃ.53)

“ડિનરમાં ગોભી અને આલૂના પરોઠા હતા, મટર-પનીરનું રસાદાર શાક બનાવેલું હતું. એક બાઉલમાં ચીઝ-મેકેરોની ગોઠવેલી હતી. રસોઈયાએ ઓવનમાંથી ગરમ ગરમ, ઉપરથી કરકરી સતહવાળી વેજીટેબલ પાઈ લાવીને મૂકી. ઉપર લાલ મરચું ભભરાવેલું બુંદીનું રાયતું હતું. ગાજર અને મરચાનું રાઈમાં આથવેલું અથાણું હતું. મીઠાઈમાં રબડી હતી જેના ઉપર છાંટેલા ગુલાબજળની ખુશ્બૂ હતી. પરોઠા પત્યા પછી કાજુ અને કિશમિશ અને મટર અને ગાજરની કતરવાળો પુલાવ આવ્યો. જેમાંથી મીઠી ભાપ ઊઠતી હતી – સાથે સિંધી કરી હતી. અંતે પાઈનેપલનું સુફલે આવ્યું.”
(બાકી રાત: પૃ.50)

“કાલે રાત્રે હું ઈંડા લાવ્યો હતો અને નીરાએ સવારે આમલેટ બનાવી હતી, પ્યાજ અને લીલાં મરચાં કાપીને અને થોડું દૂધ નાખીને એણે ચારે ઈંડાની એક મોટી આમલેટ બનાવી હતી. એની આમલેટ બહુ સરસ બનતી. સવારે હું બ્રેડ અને ચાની સાથે ખાતો અને એની આમલેટ ખાધા પછી મને હોટેલોની ‘ડબલ’ આમલેટો ભાવતી ન હતી. હોટેલોમાં લીલાં મરચાં અને દૂધ કોઈ નાખતું ન હતું. મને પણ આમલેટ બનાવતાં આવડી ગયું હતું.

નીરા રસોઈ સરસ બનાવતી હતી. હવે એને રસોઈ આવડી ગઈ હતી અને એ પુલાવ પણ સરસ બનાવતી હતી. લીલા વટાણા, દ્રાક્ષ, કાજુ અને લવિંગ, પ્યાજ, થોડાં તેજપત્તાં. હું ઘરમાં ઘૂસતો અને તેજપત્તાંની તીવ્ર સુગંધથી સમજી જતો કે આજે પુલાવ બન્યો છે. સામાન્ય રીતે હું ભાત ખાઈ શકતો નહીં, પણ પુલાવ બનતો ત્યારે હંમેશાં ખૂટી પડતો….”.

(એકલતાના કિનારા : પૃ.77)

વધું આવતા હપ્તે…..

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: