RSS

(ચંદ્રકાંત બક્ષી)

ત્રીસ વર્ષ પછી જે ગુજરાતી પુરુષ પૈસે ટકે સુખી હોય અને પેટ અંદર હોય એને કંઇ પણ વિચાર કર્યા વિના પ્રેમ કરી શકાય.
—————————————————————————————————————
ડર તો પરણેલા પુરુષોને જ હોય છે!પરણેલા પુરુષ ડિવોર્સી જુએ એટલે એને બેડરૂમ જ દેખાંવા માંડે..!..અને એમાં ડિવોર્સી મોર્ડન હોય કે વાળ કાપેલા હોય તો પરણેલા પુરુષનું મોંઢુ જોવા જેવું-!ભરેલી પિસ્તોલ પકડીને ધ્રુજતાં કોમેડીઅન જેવું…..!
——————————————————————————————————————
કેટલાક પુરુષો જિંદગીભર બદમાશ રહીં શકે એટલા માટે ભગવાન આવી પતિવ્રતા પત્નીઓનું સર્જન કરતો હશે…!(ચંદ્રકાંત બક્ષી)

——————————————————————————————————————–

પ્રેમ એક કામચલાઉ થ્રીલ છે.એને જિંદગીભરની આદત બનાવી દેવાનું અક્કલવાળાને પોષાય નહીં.હું લગ્ન કરીશ તો પણ પ્રેમને એના સ્થાને રાખીને..
સ્ત્રીનું કામ ફિલસૂફ બનવાનું નથી.પુરુષને ફિલસૂફ બનવાનું છે.
ખરાદ સિક્કાઓની જેમ સારી છોકરી ફરતી રહેવી જોઇએ..
જમાવટવાળી છોકરીઓ મને ગમતી નથી.મને હમેશાં નાદાન છોકરીઓ વધારે ગમે છે.નાદાન એટલે અલ્લડ.ઉર્દુમાં તેને ‘અલ્હડ’કહે છે.
(ચંદ્રકાંત બક્ષી)
——————————————————————————————————————————————
લેખકની ભાષા જ એની સેક્સ અપીલ છે,અને ભાષા એ જ લેખકનો અવાજ છે,અને લેખકના અવાજની લિપિ બહું કાતિલ હોય છે,અને આ બધામાં સૌથી જીવલેણ એ લેખકની છે-એ લેખક જેની છાતીમાં વાળ ઉગે છે..(ચંદ્રકાંત બક્ષી)
——————————————————————————————————————–
સ્ત્રીઓ માટે મને જરા સોફ્ટ કોર્નર છે.હું આજીવન સ્ત્રીઓનો પ્રેમિ રહ્યો છું.બહેન ન હતી.માતા નથી,અને મને લાગ્યુ કે સ્ત્રી છે માટે આ પ્રુથ્વિ ગોળ ફરે છે,ઋતુઓ બદલાય છે,સુર્ય ઉગે છે,જિંદગી ગુજરી જાય છે.આ પ્રુથ્વિ પર સ્ત્રી ન હોત તો હું આપઘાત કરી નાંખત.સૌંદર્ય મને શારીરિક કરતા માનસિક વિશેષ લાગ્યું છે.સૌંદર્યની સાપેક્ષ કલ્પના માત્ર છે,તુટેલા પુરુષ પાસે એક જ સેલ્વેશન છે,એક જ ઇતિશ્રી છેઃસ્ત્રી.!એક પુરુષ આખી દુનિયા જલાવી દે છે એક સ્ત્રી માટે.સિંકદરની પ્રેમિકા થાઇસે ઇરાનનું આખું પર્સિપોલિસ સળગાવી દીધું હતું..પ્યારની શું તાકાત છે.(ચંન્દ્રકાંત બક્ષી)
———————————————————————————————–———————–

સેક્સનો આંનદ અને તાવનું દુઃખ સહન કરી શકો તો સમજવુંકે તબિયત ચુસ્ત છે.

(ચંન્દ્રકાંત બક્ષી)
———————————————————————————————-
આખી સૃષ્ટીમાં નર અને માદા સમાગમ કરે ત્યારે સામસામા મોઢા કોઇના રહેતા નથી.ઘોડૉ,હાથી,માછલી,ભેંસ-માણસ જો સમાગમ કરે તો મોઢા સામસામા આવી જાય છે.સાલા માણસ જાતને માણસનો ભરોસો નથી..(ચન્દ્રકાંત બક્ષી)
——————————————————————————————————————–
સ્ત્રીના ચાર પ્રકારના ભેદપ્રભેદ શાસ્ત્રોમાં વર્ણવામાં આવ્યા છેઃ’પદમિની’,’ચિત્રિણી’,’હસ્તિની’અને ‘શંખિણી’.આમાં એક નંબર બેસ્ટ છે અને ચાર નંબર વર્સ્ટ છે.પણ બીજો અને ત્રીજો નંબર મધ્યમ છે.આ ચારેય લક્ષણૉ કળિયુગમાં એક જ સ્ત્રીમાં મળી રહે છે.એને ઓફિસગર્લ કહેવામાં આવે છે.(ચંદ્રકાંત બક્ષી)
—————————————————————————————————————————-

તમે નામ બદલો છો.એક પતિને પરણી નાંખો છો.રડો છો.દુનિયાની સૌથી કમજોર સ્ત્રી દુનિયાના સૌથી બળવાન પુરુષને હરાવી નાંખે તેવું અમોધ શસ્ત્ર છે.’પતિ’નામના એક પુરુષ માટે એ લગામ અને ચાબુક બંને છે.(ચંદ્રકાંત બક્ષી)
———————————————————————————————————————

ગુજરાતી ભાષાના ઘણાખરા નવલકથાકારો પાત્રને ત્રીજા પ્રકરણમાં બીજી સ્ત્રી સાથે દેહસંબધ બાંધવા માટે ઉશ્કેરી મૂકે છે,મતલબ કે પોતે ઉશ્કેરાય જાય છે.કારણકે એમનો સ્ત્રીની સેકસ પ્રકૃતિનો અનુભવ પાણીની બાલટીમાં કુદતા બુચ જેવો છે.જે બુચ ભીંજાય શકતો નથી,ડુબી શકતો નથી,તરબતર થઇ શકતો નથી…એ જલની પ્રવાહિતા શું સમજવાનો છે.(ચંદ્રકાંત બક્ષી)
————————————————————–—————————————-

એક વાર અમે સાથે સિનેમા જોવા ગયાં હતાં. ચિત્ર ચાલતું હતું ત્યારે મેં એનો હાથ પકડી લીધો. એણે તરત છોડાવી લીધો.

‘કેમ?’ મેં પૂછ્યું.

‘હું પ્રેમ કરવામાં માનું છું, અડપલાં કરવામાં નથી માનતો.’

(રોમા: પૃ.132)

—————————————————————–
જિંદગીમા કોઈને પ્રેમ ન કરવો એમાં લાચારી નથી પણ કોઈની પાસેથી પ્રેમ નથી મળતો ત્યારે મને દુ:ખ થાય છે – ભયંકર દુ:ખ.

—————-

પ્રેમ… મગજનાં ખૂણામાંથી લાલબત્તીની જેમ એ શબ્દ ઝબક્યો. એને ગમ્યો નહિ. એકાએક પ્રેમ કરવા મંડી જવું એ નાદાનિયતનો એક પ્રકાર હતો. મોટાં કદવાળાં, સ્કૂલ-કૉલેજોનાં અઢાર-વીસ વર્ષનાં બાળકો, રાત્રે ચેઈન ખોલી લીધા પછી બધી જ જગ્યાએ નાક ઘુસાડી ઘુસાડીને ગેલથી કૂદતાં પાળેલાં કુરકુરિયાંની જેમ જિજ્ઞાસાવૃત્તિની જેમ, પ્રેમ કરતાં હતાં. એની પથરાળ વાસ્તવિકતાઓમાં અને લોહીલુહાણ વિચારોની દુનિયામાં ‘પ્રેમ’ શબ્દ – છોકરા અને છોકરીનો – પાળેલાં કુરકુરિયાંની ગભરાતી જિજ્ઞાસાવૃત્તિનો જ એક પર્યાય હતો

————————————–

પ્રેમ એક કામચલાઉ થ્રીલ છે. એને જિંદગીભરની આદત બનાવી દેવાનું અક્કલવાળાને પોષાય નહીં. હું લગ્ન કરીશ તો પણ પ્રેમને એના સ્થાને જ રાખીને કે જેથી જિંદગીમાં કામ કરવાનાં ચાળીસ વર્ષો બગડે નહીં. બુઢાપામાં, સેક્સ ખતમ થઈ ચૂકી હોય ત્યારે સમજી શકાય છે કે માણસને સો ટકા પ્રેમની જરૂર પડે – બાળકની જેમ. પણ માણસ સશક્ત હોય, આખી જિંદગી સામે ઊભી હોય ત્યારે વધારે મહત્વની વસ્તુ છે કામ. પોતાની ઈચ્છા, શોખ કે જવાબદારીવાળી પ્રવૃત્તિ જાનવરો પણ આખી જિંદગી પ્રેમ કરતાં નથી, ફક્ત સીઝનમાં જ, ઋતુ પ્રમાણે પ્રેમ કરી લે છે. એક પ્રવૃત્તિરૂપે. માણસ પાસેથી જિંદગીના વધારે સમજદાર પ્લાનિંગની આશા રાખી શકાય!

(રીફ-મરીના: પૃ.82)

———————————————-
પ્રેમ એટલે? તમારી પત્ની કે પતિ જેવાં છે તેવાં જ તમને ગમે…એટલે પ્રેમ! પ્રેમમાં બીજું શું હોય છે? તમે એના દોષ પણ સ્વીકારી લો. તમે એના દોષને પણ પ્રેમ કરો…આખી વ્યક્તિ તમને ગમે…
(લીલી નસોમાં પાનખર : પૃ.222)
—————————————–
ગુજરાતી પુરૂષ બિચારો પ્રેમ કરે પણ સામાન્ય દ્વિપગી જવાન મનુષ્ય બાથરૂમની બહાર નિકળીને પણ ગાવું, ગુનગુનાવું ચાલું રાખે તો સમજવું કે એ રોમાંસિત અવસ્થામાં છે. આજકાલની પેઢીને જુમ્મા…ચુમ્માની હ્ર્દયવિદાયક ચીસો પાડવી પડે છે. પ્રેમ એ સરકસના અંગ કસરતના ખેલ કરવા જેવા એક કઠીન વ્યાયામ બની ગયો છે.
———————————
પ્રેમનાં સમીકરણો બદલતાં રહેતા હોય છે. તારી વાત સાચી છે. પ્રેમનું સમીકરણ નફરતનું સમીકરણ બની જતાં કેટલીવાર લાગે છે? અને એકવાર નફરત થઈ જાય છે પછી? પછી એ વ્યક્તિને પ્રેમ કરવો ફાવતો નથી. અને.. ક્યાંક વાંચ્યું હતું, યાદ નથી ક્યાં વાંચ્યું હતું પણ જ્યાં પ્રેમ ખતમ થઈ ગયો હોય છે ત્યાં લગ્નજીવન પણ લાંબું ચાલે છે ! હું 38 વર્ષથી એક જ સ્ત્રીની સાથે જીવું છું. કેટલો બધો સુખી છું?
——————————————–
કદાચ લવ વિશેની શ્રેષ્ઠ વ્યાખ્યા મારી દૃષ્ટિએ હેવલોક એલિસે આપી છેઃ
લવની કલા શેમાં રહેલી છે? એક જ અને એ જ વ્યક્તિમાંથી હંમેશાં કંઈક નવું શોધી કાઢવામાં લવની કલા રહેલી છે!
કાળક્રમે લવની કલા પ્રેમ જગાડવા કરતાં પ્રેમને જીવંત, ચેતનવંત રાખવામાં રહેલી છે. સેક્સ એ લવની કલાનું માત્ર આરંભબિંદુ છે…! લગ્નનાં વર્ષો પસાર થતાં જાય છે એમ એમ પત્નીનું પત્નીત્વ માતૃત્વમાં કેમ બદલાતું જાય છે?
લવના વિશ્વમાં તમે કોઈને લવ કર્યો છે? જેવા પ્રશ્ન માત્ર આનુષંગિક બનીને ગૌણ બની જાય છે.
જે પ્રશ્ન મુખ્ય છે એ છે : તમને કોઈએ લવ કર્યો છે? એક પુસ્તક વાંચ્યું હતું. લવ-સ્ટોરી જેવું કંઈક નામ હતું. અને એમાં એક વ્યાખ્યા હતી :
લવ એ સ્થિતિ છે જ્યાં થેન્ક યૂ કહેવાતું નથી…!
———————————————-
પ્રેમ માણસને ‘હું’ની કૈદમાંથી મુક્તિ આપે છે. હું ને એક પરવાઝ મળે છે. હું નાનો બની જાય છે. ઉંચે જઈ ચાંદનીમાં ભીંજાઈ શકે છે. જે સંબંધમાં બીજો આપણે માટે આપના જેટલા જ અથવા આપણાથી વિશેષ મહત્વનો બની જાય એને પ્રેમ કહેતા હશે..
——————————————————-
એક સ્ત્રીને માટે એકલી જિંદગી જીવવી એ અસાધારણ વસ્તુ હતી. દુનિયા પુરુષોની હતી, એ લોકો પાસે વધુ પૈસા હતા…સ્ત્રીઓને ખરીદવાના અને સ્ત્રીને ખુશ કરવાના, અને એક ખૂબસૂરત સ્ત્રી માટે સડકો પર જીવવું બહુ દુશ્વાર હતું…સ્ત્રીનું શરીર એ એની પ્રગતિમાં ભયંકર અવરોધરૂપ બની જાય છે..એની પાતળી મુલાયમ આંગળીઓ કોઈ ઑફિસના ટાઈપરાઈટર પર ફરવા કરતાં કોઈ જુનવાણી પૈસાવાળાના જાડા, નોનમૅટ્રિક, કૉલેજમાં ન જઈ શકાયાનો વસવસો રાખતા ત્રીજા છોકરાના બરછટ ગાલ પર ફરીને વધુ પ્રાપ્ત કરી શકે છે. એક ખૂબસૂરત છોકરીની પૂરી જવાની અસંતોષ અને અદેખાઈમાં છટપટી શકે છે…અને શરીરનો સોદો કરીને પૂરી જિંદગીની સલામતી ખરીદી શકે છે…એની સૌથી કીમતી મિલકત છે એનું શરીર…એની આંખો..
——————————————————–
જ્યારે હું એકલો પડતો અથવા ડર લાગતો અથવા નિરાશ થઈ જતો ત્યારે મને છોકરીઓ યાદ આવી જતી અથવા હું નવકાર મંત્ર ગણતો. પણ છોકરીઓ વધારે યાદ આવતી, રાત્રે ઊંઘ આવતી નહીં ત્યારે, અને ઊંઘ આવતી નહીં એટલે જ છોકરીઓ યાદ આવ્યા કરતી…અને એક બહુ જ મધુર વિષચક્ર ફર્યા કરતું.

(એકલતાના કિનારા : પૃ.42)

——————————————-
સ્ત્રીઓ પાસે શરીર અને પુરુષો પાસે બુદ્ધિ – દુનિયાનાં બજારોમાં આ જ વસ્તુઓ વેચાઈ છે અને વેચાયા કરવાની, ફક્ત સમય-અસમય ગુલામોના બજારોના કાયદા બદલાયા કરે છે.
—————————————-
સમયનું ભાન નથી હોતું સમજદાર સ્ત્રીઓમાં. બેવકૂફ સ્ત્રીઓમાં જ હોય છે. પરણી નાખે છે જલદી જલદી. પછી છોકરા પેદા કરે છે, બે ટંક જમાડે છે, સારા સંસ્કાર શીખવે છે, માણસ બનાવે છે, પરણાવે છે, આત્મસંતોષ સાથે – બીમાર પડે છે. બધું સમયસર થતું જાય છે, સમજદાર સ્ત્રીઓનો સમય પસાર થઈ જાય છે.

(એક અને એક: પૃ.38)

———————————————————
સ્ત્રીની જિંદગી ઘણાં વર્ષો સુધી ચાલે છે. કેટલી બધી ઝડી ગયેલી સ્ત્રીઓ, મેક-અપ દબાવી દબાવીને ત્રણ આયનાઓના પહેરા બનાવતી સ્ત્રીઓ, ભૂતકાળને ખેંચી ખેંચીને પકડી રાખતી સ્ત્રીઓ, દર ચોથે અઠવાડિયે કૅલેન્ડરની તારીખો જોઈને ફફડતી સ્ત્રીઓ ઓગણચાળીસમે વર્ષે ઊભી રહી જાય છે. એકાએક જૂની ભૂલો અને જૂનાં સ્ખલનો ગર્વ લેવાની વસ્તુ, ખુશી થવાની વસ્તુઓ બની જાય છે.
(પેરેલિસિસ : પૃ.38)
—————————–
આદમને એકલતા લાગી રહી હતી, અને ઈશ્વરે એને માટે એક સ્ત્રી ઘડવાનો વિચાર કર્યો. આદમ સૂતો હતો ત્યારે ઈશ્વરે એની પાંચમી પાંસળી કાઢી લીધી. પાંચમા હાડકાને ‘ત્સેલા’ કહે છે જેનો અર્થ પાંસળી થાય છે અને ‘ઠોકર’ કે ‘બદકિસ્મતી’ પણ થાય છે. મનુષ્યને ઠોકર ખવડાવવા માટે સ્ત્રીનું સર્જન થયું. પછી ઈશ્વરે આદમનો ઘાવ પૂરી દીધો
———————————–
પહેલાં સ્ત્રીઓ પૈસા કમાતી નહીં, હવે પોતાના પૈસા હોય છે એમની પાસે, પર્સમાં પાસબુક હોય તો આંખો ઝુકાવવી પડતી નથી અને આંખોમાં આંસું આવતાં વાર લાગે છે. આંસુ અને શર્મ પર પગારદાર સ્ત્રીઓએ વિજય મેળવી લીધો છે.

(બાકી રાત: પૃ.7)

——————————————————–
‘સ્ત્રી પ્રેમ અને સહાનુભૂતિને ઘણીવાર એક જ સમજી લે છે!’
‘તમે…તમે શું સમજો સ્ત્રી વિષે? પ્રેમ કરવાથી જ સ્ત્રી સમજાતી નથી…જીવવું પડે છે એની સાથે! હું માદાઓની વાત કરતી નથી, હું બુદ્ધિશાળી સ્ત્રીની વાત કરું છું. પ્રેમ કરવામાં બુદ્ધિની જરાય જરૂર પડતી નથી, ઋતુમાં આવે છે ત્યારે ગધેડાઓ પણ પ્રેમ કરે છે – ફરગેટ ધેટ વર્ડ!’

(બાકી રાત: પૃ.40)

———————————————-
પુરુષને ગુલામ બનાવવાની સ્ત્રીની એ જ ટેકનિક છે. પોપટને પાંજરામાં નહીં પૂરવાનો. એને છૂટો મૂકી દેવાનો – ફક્ત એની પાંખો કાપી નાખવાની, એને ફરવાની સંપૂર્ણ આઝાદી આપી દેવાની. પછી તો દુનિયાથી ડરીને, સલામતી ખાતર પોપટ પોતે જ દોડતો આવીને પાંજરામાં ઘૂસી જશે. અને પાંજરું બંધ થશે ત્યારે જ એ સલામતી ફીલ કરશે! પોપટ એના પાંજરાને પ્યાર કરવા માંડશે!’ રૂપે થોડું હસી લીધું. પછી કહ્યું, ‘માટે જ તારા જેવા સ્ત્રી વિના રહી શકતા નથી!
———————————————-
હું સ્ત્રીઓને પ્રેમીની નહીં પણ શિલ્પીની આંખોથી જોઉં છું.

– ફ્રેંચ લેખક થિયોફાઈલ ગોતીયેર (નવલકથા ‘માદમ્વાઝેલ દ’મોપીન: પૃ.134)

———————————————
આ દુનિયા પુરુષો ચલાવે છે પણ કોઈ પુરુષના સ્વપ્નના મોડેલ રમકડા તરીકે મારી આખી જિંદગી ફેંકી દેવી એ મારા ખૂનમાં નથી. મારા સૌંદર્ય માટે કોઈ મારી ચામડીને પ્રેમ કર્યા કરે એના કરતાં મારી બુદ્ધિ, મારી પ્રગતિ માટે કોઈ મને આદર આપે એ મારો આદર્શ છે. બુદ્ધિ, શક્તિ, સત્તા… જે પુરુષની દુનિયા છે એ મારે જીતવી છે. એ જ સાચી સ્વતંત્રતા છે. મારે પતંગિયાની સ્વતંત્રતા જોઈતી નથી, તમારા બેડરૂમમાં ઘૂસીને રેશમી ગુલાબી અન્ડરવેર પહેરીને આયના સામે નાચ્યા કરો…”

કુમકુમ ખડખડાટ હસી પડી. બનાસને પણ હસવું આવી ગયું.

(મારું નામ, તારું નામ: પૃ.25-26)

—————————————————–
સ્ત્રીઓ કદાચ ઘણી વાતોમાં સરખી હોય છે, અભણ હોય કે ભણેલી. રડવામાં, અંધશ્રધામાં અથવા ધર્મમાં આસ્થા રાખવામાં, ભવિષ્ય જાણવાની ઈચ્છામાં. પોરસ ને વિચાર આવી ગયો કે સ્ત્રી ઓ ને ખટાશ પણ ગમતી હોય છે – પાણીપુરીની હોય કે અંબાલી કે કાચી કેરી ની હોય, પણ ખટાશ સ્ત્રીના સ્વભાવ ને રાસ આવતી હતી, ઘણું કરીને બધા જ પ્રકાર ની સ્ત્રીઓને. સાધુ સંતો -ડાકણો-જ્યોતિષીઓ માં પણ સ્ત્રી ઓ વિશ્વાસ મૂકતી હોય છે સામાન્ય રીતે…..
(લગ્નની આગલી રાતે)
————————————-

સ્ત્રીની કામેચ્છા ઈલેક્ટ્રિક ઓવન જેવી છે, ધીરે ધીરે ગરમ થાય છે, અત્યંત તપી જાય છે અને ઓવનની જેમ એને ઠંડી થતા વાર લાગે છે. પુરુષની કામેચ્છા આનાથી તદ્દન વિપરીત હોય છે, એ માઈક્રો-વેવ જેવી છે, બટન દબાવો કે સેકંડોમાં ગરમ થઈ જાય છે, અને બંધ થાય એટલે માઈક્રો-વેવની જેમ સેકંડમાં ઠરી જાય છે. અને ઘરમાં ઈલેક્ટ્રિક ઓવન અને માઈક્રોવેવ બંનેની જરૃર પડતી રહે છે! સેક્સ, પ્રેમ અને લગ્ન વિશે સ્ત્રી અને પુરુષ તદ્દન વિરોધી છે. લગ્ન કરવા માટે સ્ત્રીએ સેક્સ આપવી પડે છે, સેક્સ મેળવવા માટે પુરુષે લગ્ન કરવાં પડે છે! સ્ત્રીનો આશય સેક્સ દ્વારા પ્રેમ મેળવવાનો છે, પુરુષનો ઈરાદો પ્રેમ દ્વારા સેક્સ સુધી પહોંચવાનો છે. ગુજરાતી જીવનમાં સેક્સ એ ટયૂબલાઈટ જલાવવાના સ્ટાર્ટર જેવું છે, એ જલે છે, પછી પૂરી ટયૂબલાઈટ ઝળાંઝળાં થઈ જાય છે, જે લગ્નજીવન છે. અને પછી સ્ટાર્ટર હોલવાઈ જાય છે. સેક્સનું સ્ટાર્ટર લગ્ન સુધી લાવીને, સુખી વેજિટેરીઅન અહિંસક ગુજરાતી લગ્નજીવનમાં હોલવાઈ જાય છે. સેક્સનું કામ ગુજરાતી લગ્નજીવનને રોશન બનાવીને ખસી જવાનું છે…
——————————————————————
માનસશાસ્ત્રીઓ, વંશશાસ્ત્રીઓ અને બીજી અનેક વિદ્યાઓના શાસ્ત્રીઓ મનુષ્યજાતિના રહસ્યને સુલઝાવવા માટે જિંદગીઓ સર્મિપત કરી ચૂક્યા છે અને કરી રહ્યા છે. પુરુષ મંગળમાંથી આવે છે અને સ્ત્રી શુક્રનું પરિણામ છે. સ્ત્રી પ્રકૃતિ છે, પાતાળ અને અંતરિક્ષ અહીં જ છે. સ્ત્રીના શરીરની કેમિસ્ટ્રી અત્યંત જટિલ છે. તનભેદથી મનભેદ સુધી બે જુદાઈઓ ક્ષિતિજો સુધી ફેલાયેલી છે, પણ આ જુદાઈઓ પૂરક જુદાઈઓ છે. એક સ્ત્રી અને એક પુરુષ એક રૃમમાં પ્રવેશ કરશે તો સ્ત્રી વચ્ચે બેસશે, કારણ કે એના બેઠેલા શરીરની ગુરુત્વાકર્ષણ-રેખા નિતંબોમાંથી પસાર થાય છે, જે સ્ત્રીના શરીરનો સૌથી વજનદાર હિસ્સો છે. પુરુષ ખૂણા પર કે દીવાલસરસો ટેકો લઈને બેસશે, કારણ કે એની ગુરુત્વાકર્ષણ-રેખા ખભાઓની વચ્ચેથી પસાર થાય છે, જે પુરુષના શરીરનો સૌથી વજનદાર હિસ્સો છે.

——————————————————————
આસપાસ એક જ પરિચિત હોય અને અનેક અપરિચિત હોય, થોડો ભય હોય અને સીમાની અંદર સલામતીનો અહસાસ આવી જતો હોય, એક પુરુષ અને એક સ્ત્રી હોય, પૃથ્વી સાથેનાં બધાં જ બંધનો ઈર્દ-ગિર્દ ઊછળતાં દરિયાનાં પાણીને ડુબાડી નાખ્યાં હોય, આકાશ નીચું આવી ગયું હોય, દિશાઓ એક વર્તુળાકારમાં ખોવાઈ ચૂકી હોય, અવકાશ હોય તો મનુષ્ય બે જ વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે – સેક્સ અથવા મૃત્યુ…
—————————————————————-
એકલતા ભીંસી નાંખે એવી લાગે છે. બુદ્ધિશાળી સ્ત્રીનો સૌથી મોટો ભય હોય છે – એકલતા! અને એકલતાને સેક્સથી રાહત રહે છે. પણ કેટલાં વર્ષો? સેક્સ તો જીવનભર ચાલતી નથી. સેક્સનો વિટામિનની ગોળીઓની જેમ ઉપયોગ ન થઈ શકે, સેક્સ એ આદત પડી જાય એવી દવા છે, વ્યસન જેવી. પણ એ રાહત આપે છે. એકલતાને સહ્ય બનાવે છે. સેક્સ શબ્દનો અર્થ પણ સ્ત્રી અને પુરુષ બંને માટે જુદો જુદો હોય છે.
—————————————————


 

3 responses to “(ચંદ્રકાંત બક્ષી)

 1. NILESH MEHTA

  ફેબ્રુવારી 12, 2010 at 3:45 પી એમ(pm)

  thanks naren bhai

   
 2. Kunal

  ઓગસ્ટ 3, 2012 at 6:28 પી એમ(pm)

  Great collection from ~ચંદ્રકાંત બક્ષી Narenbhai

   
 3. marumotipavd

  ઓગસ્ટ 14, 2012 at 3:49 પી એમ(pm)

  vahh saheb

   

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: