RSS

એક પીડાયેલા પત્રકારની કથા

પ્રખર હિન્દી પત્રકાર પ્રભાષ જોશીએ અંગ્રેજી પત્રકારત્વનાં શિરોમણી નિખીલ ચક્રવર્તીના મરણ પછી ૧૫ ઓગસ્ટ ૧૯૯૮માં લખેલું કે, નિખીલ ચક્રવર્તી એવા માણસ હતા કે બીજા પત્રકારે તેનું જીવન અને લેખન જોઇને પોતાના પત્રકારત્વના વ્યવસાયને વફાદાર રહીને જીવવું જોઇએ. ચક્રવર્તી એક સંત જેવા હતા.

એ એક સિંહની જેમ જીવ્યા. એ સિંહની આજીબાજુ ઉંદરડાઓ ફરતા તે કોઇના રોટીના ટુકડા માટે ફેર ફૂદરડી ફરતા. નિખીલ ચક્રવર્તી જેવું જીવન જીવવાનો કષ્ટમય પુરુષાર્થ કર્યો છે. હજી કરું છું. ૭૮ વર્ષની ઉંમરે કે ૮૫ની ઉંમરે હું સફળ થઇશ કે નહીં તે ભગવાનની અને ખાસ કરીને તંત્રીઓ- માલિકોની કૃપા પર નિર્ભર છે. પત્રકાર તરીકે આટલું બધું કેમ લખી શકો છો? તેવો પ્રશ્ન મને ઘણા પૂછે છે.

મેં અત્યાર સુધી ૪૨ વર્ષમાં લગભગ ૪૦,૦૦૦થી વધુ લેખો કે રિપોર્ટ લખ્યા છે. લગભગ રોજ બેથી ત્રણ લેખો લખું છું. ‘જન્મભૂમિ’માં હું સ્પેશિયલ કોરસ્પોન્ડન્ટ તરીકે રોજ એક કે બે લેખો લખતો. ‘ચિત્રલેખા’માં દર સપ્તાહે એક લેખ લખવો પડે છે. સાંજના દૈનિક ‘મિડ-ડે’માં શનિવારે લખું છું.

પાંચેક વર્ષથી ‘દિવ્ય ભાસ્કર’માં રોજની કટાર જ મારો રોટલો છે. દિવાળી આવે ત્યારે બધાં સામયિકો ઉપરાંત માત્ર ‘જનશાહી’ માટે ખાસ લેખ આપું છું, કારણ કે જનશાહીના તંત્રીનો મિજાજ મને ગમે છે. પત્રકાર બન્યા પછી એક દિવાળીમાં હું સૌરાષ્ટ્રનાં વાવાઝોડા વખતે અંધારાવાળા અમરેલીમાં સૂકો રોટલો અને છાશ પીને દિવાળી જવેલી હતી. દિવાળીને દિવસે ય હું રિપોર્ટિંગ કરતો હોઉ કે લેખો લખતો હોઉં છું.

હું આટલું બધું કેમ લખી શકું છું? એ સવાલ રહે છે. તે સવાલનો જવાબ શોધવા માટે મારે મારો બાળપણનો ઉછેર કહેવો પડશે. મારા પિતા એક શિક્ષક હતા અને કવિ હતા. મારી બા અભણ હતાં. કવિ છતાં મારા પિતાનો ગુસ્સો ખરાબ હતો. પત્રકાર તરીકે નહીં પણ કાંતિલાલ હરગોવિંદ ભટ્ટ તરીકે પણ મેં એકેય સારી દિવાળી જોઇ નથી.

મારા મિજાજી અને મોજીલા પિતા મહેમાનપ્રેમી હતા. ભાવનગર જિલ્લામાં ઝાંઝમેર ગામે તે શિક્ષક હતા. મહેમાન આવે ત્યારે ગાય-ભેંસ દોહવી, કૂવામાંથી પાણી ભરવું, વાસણ માંજવાં, કપડાં ધોવાં વગેરે તમામ કામ મારી ‘અભણ’ માતા જાતે જ કરતી. હું તેને મદદ કરતો હતો.

બાળકને પિતા કરતાં માતા વહાલી હોય છે. મારી માતાના શિરે આવતો મહેમાનનો બોજ હલકો કરવા મેં ઢોરની ગમાણમાં વાસીદું કર્યું છે, છાણાં થાપ્યાં છે, વાસણ માંજયાં છે, મેં છાશની ભારે રવાઇ ફેરવી છે, પાપડ વણ્યા છે, સેવ સૂકવી છે અને દિવાળી આવે અને ઘરકામ વધે ત્યારે ત્રાસેલી માતા અને પિતાના ઝઘડા જોયા છે. બચપણમાં મેં માતા-પિતા વરચેના કમેળને જોયો છે.

મારા હૃદયમાં એ કમેળ, ખટરાગ અને વિસંવાદના દાઝકા પડયાં છે. પત્રકાર નહોતો ત્યારે પણ એ દાઝકાએ મને જુવાનીમાં બળવાખોર બનાવ્યો છે. મારી બળવાખોરીનું તમામ પરિણામ નાસીપાસીમાં આવ્યું છે, અને તેનો સારો લાભ બીજા લોકોને મળ્યો છે. આજે બળવાખોરીની અને નાસીપાસીમાંથી મને પોતાને લાભ થયો હોય તો તે એટલો કે હું પત્રકાર બન્યો અને એ પત્રકાર બન્યા પછી જ મારા સ્વપ્ન પ્રમાણેની અને મારાથી અડધી ઉંમરની કન્યા મળી ગઈ.

મારા પિતા શિક્ષક, નૃત્યકાર, સુધારક, કવિ વગેરે બધું હતા, પરંતુ મારી માતા પ્રત્યે અતિ કડક અને ક્રૂર હતા. તેથી તેમનો મારા પર અનહદ પ્રેમ છતાં હું તેનો પૂરો પ્રશંસક રહ્યો નથી. પિતા મારા પ્રત્યે ખૂબ પ્રેમાળ, ભોળા અને ઉદાર હતા. મારી માતા પ્રત્યેની તેમની ક્રૂરતા એ મારું કમનસીબ હતું. મારા બીજા ચાર ભાઇઓ અને ત્રણ બહેનોમાં હું સૌથી મોટો હતો. બચપણમાં મારું હુલામણું નામ ‘બચુ’ હતું.

ગામડામાં મને બધા ‘માસ્તરનો બચુ’ કહેતા, અને મારા ગામમાં હાઇસ્કૂલ ન હોઇ હું ભાદ્રોડ, મહુવા અને ભાવનગરમાં ભણ્યો છું. ભાદ્રોડની શાળાના માસ્તરે મને ડાબે હાથે લખવા બદલ હાથ ઉપર જોરથી આંકણી મારી હતી. તે દિવસથી મેં દ્રઢ સંકલ્પ કર્યોકે હવે તો હું ડાબા હાથેથી જ લખીશ. મને જે દિશામાં જતો રોકાય ત્યાં હું અવશ્ય જતો થઇ ગયો છું.

મારા કાકા સિંગાપોર, મલેશિયા નિકાસ વેપાર કરતા હતા. મારા પિતાને શિક્ષક તરીકે માત્ર બાર રૂપિયા પગાર મળે. ગામડાંની શાળા એ મનોરંજન-સંસ્કòતિ અને સ્થાનિક રાજકારણનું કેન્દ્ર ગણાય. મારા પિતા થિઓસોફિસ્ટોને ઝાંઝમેરમાં બોલાવતા હતા.

તે વેળા રશિયન ચિત્રકાર સર નિકોલસ શેરિક (એ દેવિકા રાણીને પરણ્યા હતા.) મંદાકિની સારાભાઇ, ઉદયશંકર નૃત્યકાર વગેરે મારા ગામે અમારે ઘરે મહેમાન થતાં. ઉદયશંકરને કાઠિયાવાડી દાંડિયા-રાસ મારા પિતાએ શીખવ્યા હતા. મહિને રૂ. ૧૨ની આવક અને ખર્ચ રૂ. ૧,૦૦૦નો રાખતા એટલે બીજો ખર્ચ સિંગાપોરથી કાકા મોકલતા હતા. પિતાને ખાતરી હતી કે બંધુપ્રેમ છે એટલે સિંગાપોરથી નાનાભાઇ અવશ્ય મદદ કરશે જ, એ મદદ ન ગણાય તેવું તે માનતા હતા.

બંધુપ્રેમ એટલે બંધુપ્રેમ એમાં કંઇ ગણતરી ન હોય એવો મારા પિતાનો ભ્રમ હતો, પરંતુ હું આવું કંઇ માનતો નહીં. મહુવામાં ભણતો ત્યારે ગાંધીવાદીઓ સાથે સંપર્કમાં આવ્યો. ૧૯૪૨ની લડતમાં તરુણ વયે જોડાયો. એટલે મારા વિચારો સ્વાવલંબન અને સાદાઇના હતા. રેંટિયો કાંતતો, ખાદી પહેરતો. ઇન્ટરકોમર્સ સુધી હાથે ધોયેલાં ખાદીનાં કપડાં પહેર્યા છે.

અમુક દ્રષ્ટિએ મારું આખું કુટુંબ શાપિત કુટુંબ હોય તેવું લાગે છે. માત્ર હું પત્રકાર બન્યો અને કાંતિ ભટ્ટ તરીકે લોકો જાણે છે એ એક નાનકડું આશ્વાસન છે, પણ અંગત રીતે મને એ આશ્વાસન ગમતું નથી. માટે એટલું જ આશ્વાસન છે કે મારા પિતાની આવી આર્થિક ગુલામી અને બીજા ઉપર અવલંબન રાખવાની ટેવને કારણે હું જે વિરુદ્ધ દિશામાં ફંટાયો તેને કારણે મારા વિચારોમાં દરેક ક્ષેત્રે મૌલિકતા આવી. આરોગ્યક્ષેત્રે હું એલોપેથીમાં માનતો નથી. ધનદોલતવાળાની સાથે મને મૂળભૂત રીતે બનતું નથી, પણ મુંબઇના જીવનમાં ઘણી વખત સમાધાન કરવું પડે છે.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હું બીજા નંબરે આવીને બી.કોમ. થયો. તે વખતે બીમાર હતો. એવામાં ન ગમતી કન્યા સાથે થયેલું મારું સગપણ તૂટી ગયું. તબિયત સુધરતી નહોતી એટલે ઉરૂલીકાંચનના ગાંધી આશ્રમમાં ઉપચાર માટે ગયો. મારાં આંતરડાં નબળાં થઇ ગયાં હતાં.

પિતાના અર્થકારણ અને કાકાના સ્વભાવથી ડરીને હું ગાંધીજીના આશ્રમમાં જ જીવનભર રહેવા માગતો હતો, પરંતુ કાકાએ સિંગાપોરમાં તેમની ભાગીદારીવાળી પેઢી છોડીને સ્વતંત્ર કામ શરૂ કર્યું હતું. તેમને મારા જેવા જુવાન બી.કોમ.ની જરૂર હતી.

ગાંધીજીના આશ્રમમાંથી મને તાબડતોબ સિંગાપોર તેડાવી લીધો. મારી નાસીપાસી હજીય હતી. કાકાએ પિતાને કરેલી આર્થિક મદદનો બદલો વાળી દેવાની તમન્ના હતી. આ તમન્નાને કારણે હું પરદેશમાં રોજ ૧૮-૧૯ કલાક ગધેડાની માફક કામ કરતો હતો. કાકાની પેઢી દેવામાં હતી તેને મેં મૂડીવાળી બનાવી અને દરમિયાન ફરી પરણવાનો પ્રશ્ન આવ્યો. જે કન્યા મને ગમતી નહોતી અને સગપણ છૂટું થયું હતું તેની સાથે જ મને પરણાવવામાં આવ્યો.

લગ્ન કબૂલ કરવું પડયું. આજે મને લાગે છે કે હું ના પાડી શકયો હોત. મને લાગે છે કે પત્રકાર બન્યો અને શીલા જેવી પત્ની મળી એટલે મને લાગ્યું કે ઇશ્વર જે કરે છે તે સારું કરે છે. એ બધા ગાળા દરમિયાન મારું જીવન એક વાર્તા જેવું બની ગયું. કાકાનો એટલો આભાર કે બિઝનેસની તમામ અંતરંગ વાતો શેરબજાર, ઉધોગ અને આંતરરાષ્ટ્રીય વેપાર તેમજ ઇકોનોમિકસનું જ્ઞાન લાઘ્યું છે.

પત્રકારત્વ દરમિયાન હું ઘણી યુવતીઓના સંપર્કમાં આવ્યો. ૪૦-૪૫ દેશ જોયા, આખું ભારત ફર્યો. દ્રષ્ટિ વિશાળ થઇ. માત્ર લાચારીને કારણે લગ્ન કરવું પડયું. તેને કારણે જ પત્ની સાથે સમાધાન કરી શકયો નહીં. મારા કાકાની જિંદગી અને મારા આ ક્ષેત્રમાં સમાધાન કરવાની અનિરછાને કારણે મારી પ્રથમ પત્નીને ખૂબ સહન કરવું પડતું. જિંદગીભર હું તેનો ગુનેગાર રહીશ. તેનું નામ રંજન હતું.

જો રંજનના એ સમયે જ તેના પિતાએ કે મારા કાકાએ બીજા યોગ્ય મુરતિયા સાથે લગ્ન કરાવ્યા હોત તો રંજન અને તેને પરણનારો બંને સુખી થાત, કારણ કે રંજન એક ઉત્તમ ગૃહિણી અને પતિપરાયણ સ્ત્રી હતી. મારી તેણે ઘણી સેવા કરી પરંતુ હું સાચા અર્થમાં તેને પ્રેમ આપી શકયો જ નહીં. રંજન મને છૂટાછેડા આપવા તૈયાર નહોતી અને હું જૂઠાં કારણો આપીને છૂટાછેડા લેવા માગતો નહોતો. હું માનું છું કે છૂટાછેડા લેવાનો હક્ક માત્ર સ્ત્રીને છે.

કાકાની પેઢી નફો કરવા માંડી એટલે મેં સિંગાપોર છોડવાનું નક્કી કર્યું. મારા કાકાની પેઢીમાં હું મેનેજર હતો. જોઇએ તેટલા પૈસા વાપરવાની છૂટ હતી. મોટરકાર અને બંગલા હતા. મનફાવે ત્યારે સ્ટીમર, વિમાન કે મોટરની સફર કરીને હિલસ્ટેશનોએ જવાની છૂટ હતી. એકદમ સુંવાળું જીવન હતું, પણ મારી કલ્પના પ્રમાણેની જીવનસંગિની નહોતી, એટલે જીવન ખારું ખારું લાગતું હતું, એટલે ૧૯૬૦-૬૧માં પત્ની અને સિંગાપોરને મેં છોડી દીધા. હું ભારત આવ્યો. ભારતમાં ઘણી તકલીફો હતી.

મારા કુટુંબની અર્થવ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થા મને જરા પણ ગમતા નહીં. બની શકે તેટલું કુટુંબથી દૂર રહેવાની વૃત્તિ રહેતી એટલે મારા જીવનમાં આશ્રમજીવન, હોસ્ટેલજીવન અને હોસ્પિટલજીવન એ ત્રણ પ્રકારનાં જીવન રહ્યાં. હું કદાપિ સામાજિક જીવ બની શકયો નથી. હું કોઇને સારું લાગશે કે ખરાબ લાગશે એટલે મળવા જતો નથી.

કોઇ પ્રિય મિત્રનાં માતા-પિતાનું મરણ થાય ત્યારે ખરખરો કરવા જતો નથી. મરણને હું જોઇ શકયો નથી. મારું સામાજિક જીવન શૂન્ય થઇ ગયું હતું. બ્રાહ્મણ સમાજ સિવાયના ઘણા મિત્રો અને સ્વજનો થયા, પરંતુ તે બધાની સાથેના સંબંધ સહજ, સ્વભાવિક અને કુદરતી હતા. મને આખા કુટુંબ તરફથી પ્રેમ મળે તે કુટુંબ સાથે જ હું નાતો રાખતો હતો. કોઇ ઘરમાં મને અંદરથી પ્રેમ ન મળે ત્યાં સુધી હું જતો નથી. મનમાં ઘણી નાસીપાસી હતી.

બે ચાર ‘પ્રેમ પ્રકરણો’ થયાં, છૂટાછેડા મળતા નહોતા. કોઇ નોકરી વ્યવસાય ગમતા નહોતા. મારા કાકા મારી દયા ખાઇને સિંગાપોરથી મને પેન્શન મોકલતા હતા. મને આશ્રમો પણ દંભવાળા લાગવા માંડયા. એ પછી મેં નક્કી કર્યું કે ઉરૂલીનો આશ્રમ છોડીને હિમાલય તરફ જવું. આશ્રમ છોડી ૧૯૬૬માં હું મુંબઇ આવ્યો. મારી બહેન મુલુંડમાં પતિ સાથે રહેતી હતી, તે બહુ જ દુ:ખી હતી.

તેણે મને આગ્રહ કર્યોકે મારે મુંબઇ રહીને નોકરી કરવી અને તેના કુટુંબ સાથે રહેવું. એટલે મુંબઇમાં જૂહુ-સ્કીમમાં એક બ્લોક રાખીને હું બહેન-બનેવી સાથે રહ્યો. બ્લોક રાખ્યા પછી મુંબઇના ખાદી ભંડારવાળા જેરાજાણી કાકા અને મુંબઇના ભૂતપૂર્વ કાયદાપ્રધાન શાંતિલાલ શાહની મદદથી ‘વ્યાપાર’માં ઉપતંત્રી બન્યો. સિંગાપોરમાં હું રોજ રૂ. ૨૨૫ વાપરી શકતો હતો. મુંબઇમાં મહિને રૂ. ૨૨૫ના પગારવાળી નોકરી લીધા પછી હું પત્રકાર બન્યો.

પત્રકાર બન્યા પછી જોયું કે બીજા બધા જ પત્રકારો ફુરસદના સમયમાં બીજા ધંધા કરતા હતા. કોઇ જાહેરખબરની આવક કરતું હતું, તો કોઇ વળી વેપાર કરતા હતા. મેં ટૂંકી વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. હરીન્દ્ર દવે અને કુંદનિકા કાપડિયાએ મને પ્રોત્સાહિત કર્યો. નવનીત-સમર્પણમાં વાર્તાઓ અને લેખો છપાયાં. એ ગાળામાં ચિત્રલેખાના હરકિશન મહેતા મળી ગયા.

૧૯૬૯થી હું ચિત્રલેખામાં લખતો થયો. મારી નાસીપાસીનો જો સૌથી મોટો લાભ મળ્યો હોય તો તે હરકિશન મહેતા અને ચિત્રલેખાને મળ્યો છે અને આજે પણ મળે છે. ઘણા લોકો કહે છે કે કાંતિ ભટ્ટને કારણે ચિત્રલેખા મજબૂત બન્યું પણ તે વાત અમુક હદે જ સાચી છે. હરકિશન મહેતા, મધુરીબહેન કોટક અને કાંતિ ભટ્ટ તેમજ તારક મહેતા મળે તેમજ તે સમયે મૌલિક કોટકનો એકદમ સુંવાળો સ્વભાવ મળે તો જ એક ટીમવર્ક તરીકે ચિત્રલેખા પેદા થાય છે.

કોઇ પણ સાહસની સિદ્ધિ ટીમવર્કથી થાય છે. જયાં હું પત્રકાર તરીકે જોડાઉ ત્યાં શરીરની કાળજી કર્યા વગર મારા હૃદયથી જોડાઉ છું. મારી શકિત નિચોવી દઉં છું. અત્યારે હું દિવ્ય ભાસ્કર માટે લોહી નિચોવું છું. દિવ્ય ભાસ્કર મને જિવાડે છે. શકિતના મરણ પછી મને જીવવામાં રસ નથી. અત્યારે જો કે થાકયો છું, પણ જીવવા માટે લખવું જ પડે છે. જો વધુમાં વધુ કટુ વચનો કોઇને કહ્યાં હોય તો તે હરકિશનભાઇ માટે કહ્યાં છે, પણ તે ‘ચિત્રલેખા’ ના લેખન કાર્યના ભાગરૂપે હોય છે.

પત્રકાર તરીકે ખાટામીઠા અનુભવો

હું અને મારી પત્ની શીલા જામનગર જવા માટે રાજકોટ ગયાં. જામનગરમાં અમારે દાણચોરીની માયાજાળ વિશે તપાસ કરીને લેખ લખવાનો હતો. શીલા હજી તાજી તાજી પત્રકારત્વમાં પ્રવેશી હતી. સૌરાષ્ટ્રમેલ રાજકોટ સ્ટેશને પહોંચે એ પહેલેથી જ મારા શરીરમાં તાવ પ્રવેશ્યો. અમારી સાથે દોઢ વર્ષની અમારી પુત્રી શકિતને પણ સાથે લીધી હતી. આ પ્રકારની તબિયત સાથે જામનગરમાં રખડવાનું બની શકે તેમ નહોતું.

‘ચિત્રલેખા’વતી મુસાફરીનો ખર્ચ કરી ચૂકયાં હતાં. મન ઉપર ફરજનો ભારે બોજ હતો. સવાર પડી અને રાજકોટ શહેર નજીક આવતું હતું. ત્યારે સૌરાષ્ટ્રથી પ્રગટ થતું ‘ફૂલછાબ’ ખરીદ્યું. ફૂલછાબમાં પહેલે પાને સમાચાર હતા કે એક નામચીન ઘરફોડ ચોરી કરનારો પકડાયો હતો. મનમાં મેં એક સંકલ્પ કરી લધો કે હવે જામનગર ન જવાય તો કંઇ નહીં આ ચોરનો ઇન્ટરવ્યૂ લઇને તે કેવી રીતે ચોરી કરતો હતો તે વાત જાણી લેવી. અમે રાજકોટ તરી પડયાં.

મારો તાવ વધતો જતો હતો. શીલાએ રિપોર્ટિંગ માટે એકલા જવું જોઇએ પણ અમારી પુત્રી શકિત મારી સાથે રહે તો મને બીમારીમાં હેરાન કરે એટલે તેને પોલીસ ચોકીમાં સાથે લઇને જવું પડયું. પ્રથમ વાર અમારી પુત્રી એક ગુનેગારના ઇન્ટરવ્યૂ પ્રસંગે પોલીસની જેલમાં ગઇ. રાજકોટના આ રીઢા ચોરનો ઇન્ટરવ્યૂ શીલાએ લીધો અને તે ખૂબ વખણાયો હતો.

આમ જામનગરની દાણચોરીની સ્ટોરી લેવા ગયા હતા અને ઘરફોડ ચોરનો ઇન્ટરવ્યૂ લઇને અમે પાછા ફર્યા હતાં. કોઇ પણ ઇન્વેસ્ટિગેશન માટે બહારગામ જવાનું હોય ત્યારે પત્રકારના મગજ ઉપર સૌથી મોટો બોજ એ હોય છે કે પૂરેપૂરી અને વાચકોને રસ પડે તેવી માહિતી મળશે કે નહીં. એટલે બહારગામ જવાનું હોય ત્યારે મને મગજ ઉપર સખત તાણ રહે છે તેને કારણે જ ખાઉં તે પચે નહીં.

આમ અપચો અને શરદી રહ્યાં કરે. ભાગલપુરમાં ગુનેગારોને અંધ બનાવી દેવાનો કાંડ ચાલ્યો ત્યારે પ્રથમ વાર મને મુંબઇથી દિલ્હી સુધી વિમાનમાં સફર કરવા મળી. તે પહેલાં મુંબઇથી દિલ્હી થર્ડકલાસ સફર કરી દિલ્હીથી પટણા સુધી પણ વિમાન મળ્યું પણ પટણાથી ભાગલપુર જવા માટે ફરીથી મારે થર્ડ કલાસમાં રેલવેમાં સફર કરવી પડી. ટ્રેનમાં જ બીમારી આવીને ભી રહી.

મારી સાથે ભાગલપુરની હોટેલમાં તે સમયના ‘ઇલસ્ટ્રેટેડ વીકલી’ના તંત્રી માધવ કામથ (એમ.વી.કામથ) પણ તર્યા હતા. તે જાતે વીકલી માટે તપાસ કરવા આવ્યા હતા. તેમણે મને વચન આપ્યું કે ભાગલપુરના આ કૌભાંડને લગતા મૂળ જવાબદાર પોલીસ ઓફિસરનો ફોટો મેળવવામાં તેઓ મને મદદ કરશે. એક બાજુ હું ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસને મળવા માટે રાત્રે ફોન કરતો હતો અને તે ‘ચિત્રલેખા’ જેવા ભાગલપુરમાં અજાણ્યા મેગેઝિનના રિપોર્ટર સાથે વાત કરવા પણ તૈયાર ન હતા, અને બીજી બાજું ખબર પડી કે રાત્રે તેઓ એમ.વી.કામથને કોકટેલ અને ડિનર માટે આમંત્રણ આપી રહ્યા હતા.

મને ભારે ધુંધવાટ થયો. માધવ કામથે રાત્રે નવ વાગે ડિનર માટે જવાનું હતું. રાત્રે સાડા નવ વાગે મારી હોટેલની રૂમમાં ફોન આવ્યો. ‘કામથ સાહબ, સાડે નવ બજ ગયે, આપ અભી તક નહીં નીકલે? મેં જોયું કે ખોટી રૂમમાં ફોન આવ્યો છે. તે પહેલાં મને માધવ કામથ દ્વારા જાણવા મળેલું કે તેઓ આ પ્રકારે તંત્રીની ચમચાગીરી કરનારા ઓફિસરો સાથે કે રાજકારણી સાથે કોકટેલ કે ડિનર પાર્ટીમાં જતા નથી અને આ ડિનરમાં પણ જવાના નથી. મને જબરી રમૂજ સૂઝી.

એક બાજુ હું ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ સાથે દસ મિનિટ માત્ર વાત કરવા તલસું છું અને અહીં માધવ કામથ બહુ જ બહાદુરીપૂર્વક તેના ડિનરના આમંત્રણને ફગાવી દે છે. હવે મારી પાસે મોકો આવ્યો હતો. મારી રૂમમાં ફોન આવ્યો એટલે મેં ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસને કહ્યું ‘માધવ કામથ આવવાના નથી. તેમનો સંદેશો લઇને હું આવું છું.’ મેં કામથને આ વાત કરી. તેણે કહ્યું ‘ઓ.કે. જાઓ મોકાનો લાભ ઉઠાવો!’ આમ મને ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસનો લાંબો ઇન્ટરવ્યૂ મળ્યો.

પરંતુ આટલી વાત જ પૂરતી નહોતી. જે પોલીસ ઓફિસરોને બ્લાઇન્ડિંગ માટે જવાબદાર ઠરાવ્યા હતા તેમાંથી એકાદ પોલીસ ઓફિસરને મળવું જોઇએ. ભાગલપુરમાં એ સસ્પેન્ડ થયેલા પોલીસ ઓફિસરને કયાં શોધવા? કોઇ જવાબ આપે નહીં. ભાગલપુરમાં માત્ર રિક્ષા જ વાહન તરીકે લેવી પડે. રિક્ષામાં એક છેડેથી બીજે છેડે પહોંચું પણ કોઇએ આપેલા સરનામે સસ્પેન્ડ થયેલા પોલીસ ન મળે. શરીરમાં તાવ હતો. મનમાં બહુ જ નિરાશા હતી. મને ભાગલપુરની જેલમાં જઇને કેદીના ઇન્ટરવ્યૂ લઇ આવેલા તે પછી જગન્નાથ મિશ્રાએ (તે સમયના મુખ્ય પ્રધાન) જેલમાં પત્રકારોને દાખલ થવાની ખાનગીમાં પરવાનગી ન આપવી તેમ સૂચના કરી હતી.

અઢાર કલાક રખડયો પણ પોલીસ ઓફિસર મળે નહીં. આખરે થાકીને હોટેલ પાછો ફરતો હતો. રિક્ષાવાળો નવો નવો હતો. તેને હોટેલનું સરનામું કહ્યું, પણ તેને એ વિસ્તારની જાણ ન હતી. એટલે દૂરદૂરના જંગલ જેવા સુમસામ વિસ્તારમાં એક તગડો માણસ મોટર સાઇકલ લઇને જતો હતો તેને સરનામાવાળી જગ્યાનો નકશો પૂછ્યો, એ માણસ ભલો નીકળ્યો. તેણે કહ્યું, ‘રિક્ષાવાળાને પૈસા આપીને છોડી દો. હું તમને હોટેલ નજીક ઉતારી દઇશ.’

હું તેમની પાછળ બેસી ગયો. વાતો નીકળી હું ખાસ મુંબઇથી ભાગલપુરમાં ગુનેગારને અંધ બનાવવાની આખી સાચી વાત લેવા આવ્યો છું તે વિશે કહ્યું. મારા આનંદની સીમા રહી નહીં. મને ખબર પડી કે જે સસ્પેન્ડ થયેલા ઓફિસરને હું શોધતો હતો તે આ મોટર સાઇકલવાળો પોતે જ હતો. તે પછી ભાગલપુરમાં અને આજુબાજુના ગુનેગારોના જોખમી વિસ્તારમાં આ પોલીસ ઓફિસર મને લઇ ગયો અને હું ભાગલપુરની શ્રેષ્ઠ સ્ટોરી લઇ આવી શકયો.

ઇમરજન્સિ વખતની વાત છે.‘વ્યાપાર’ના તંત્રીએ મને મહારાષ્ટ્ર સરકારે અમુક ખરડો પસાર કર્યો છે તે ખરડાની વિગતો મેળવવાનું કામ સોંપ્યું. આ માટે એક સચિવને મારે પૂછવાનું હતું. મેં ફોન કર્યોએટલે સચિવની કચેરીમાંથી જાણવા મળ્યું કે સચિવની તબિયત સારી નહીં હોવાથી તે ઘરે ગયા છે.

મેં સચિવને ઘરે ફોન કર્યો. સચિવે ગરમ મિજાજ રાખીને કહ્યું, ‘આ ખરડા વિશે અત્યારે હું કંઇ વાત કરીશ નહીં. તમે સોમવારે ઓફિસ આવજો.’ મારે તો તત્કાળ રિપોર્ટ મેળવીને શુક્રવારે સાંજે છાપવા આપી દેવાનો હતો. એટલે રાહ જોઇ શકાય તેમ નહોતી. સચિવે ટૂંકો જવાબ આપીને ફોન પછાડીને મૂકી દીધો. મેં ફરીથી ફોન જોડયો.

સચિવે ફોન ઉપાડીને મારું નામ સાંભળ્યું એટલે ગુસ્સે થઇને બીજી વખતે ફોન મૂકી દીધો. હું જિદ્દી હતો. હાથમાં લીધેલું કામ પાર પાડયા વગર મને જંપ વળે નહીં. મેં ત્રીજી વખત સચિવને ફોન કર્યો. આ વખતે સચિવ સાહેબ ખૂબ ગુસ્સામાં હતો. તેણે મને ધમકી આપી, ‘તમે એક સરકારી ઓફિસરને ખોટી રીતે હેરાન કરો છો. હું હમણાં પોલીસ કમિશનરને ફોન કરીને ઇમરજન્સીના નિયમ હેઠળ તમારી ધરપકડ કરાવું છું.’

ઇમરજન્સીનો આ પ્રકારે ભયંકર દુરુપયોગ થતો હતો. સચિવે ખરેખર પોલીસ કમિશનરને ફોન કર્યો કે ‘કાંતિ ભટ્ટને પકડીને જેલમાં પૂરી દો.’ પોલીસ કમિશનરે તે સમયના પ્રેસ સેન્સરશિપના ચાર્જવાળા ઓફિસરની સલાહ લીધી એ પછી શું બન્યું તે ખબર નહોતી. દરમિયાન મારે મારી રીતે સચિવની ઉદ્ધતાઇ સામે પ્રતિકાર કરવો જોઇએ. મેં અમારા ‘વ્યાપાર’ના તંત્રી સ્વ.એચ.ઝેડ. ગીલાણીને આ વાત કરી.

તે ખૂબ ધુંધવાયા. તે સમયે વ્યાપાર અને જન્મભૂમિના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે મશહૂર સોલિસીટર સ્વ.ચીમનભાઇ ચકુભાઇ હતા. નસીબજોગે તેઓ એ દિવસે વ્યાપારની કચેરીમાં આવ્યા હતા. મેં તેમને તમામ વાત કહી. તેમણે આખા પ્રસંગનું વર્ણન લખીને આપવા કહ્યું. મેં રિપોર્ટ લખીને આપ્યો. પછી આ કાનૂનના નિષ્ણાતે એ સચિવ પાસે માફી મંગાવી હતી.

‘ચિત્રલેખા’ના તંત્રી હરકિશનભાઇ મહેતા રિપોર્ટરો ઉપર આવતી બદનક્ષીની નોટિસો કે ધમકીઓ સામે પૂરતું રક્ષણ કરતાં. મારા ઉપર અત્યાર સુધીમાં બદનક્ષીને લગતી રૂ. બે કરોડથી વધુ રકમનું વળતર માગતી નોટિસો આવી છે. હજુ સુધી મેં એક પાઇ પણ આપી નથી. અમારા ઉપર બે વખત કોર્ટમાં કેસ થયા છે. એક કેસમાં મારે, હરકિશન મહેતા અને મધુરી કોટકે ગુનેગારોની કોર્ટમાં જવું પડયું હતું.

નવાઇની વાત એ છે કે એક લેખ લખ્યા પછી હું ચિત્રલેખાના પ્રતિસ્પધa યુવદર્શન સાપ્તાહિકમાં હરકિશનભાઇને નોટિસ આપ્યા વગર જોડાઇ ગયો હતો. એ લેખ બદલ ચિત્રલેખાના તંત્રી અને મારે કોર્ટમાં જવું પડયું હતું, પરંતુ એ સમયે પણ હરકિશનભાઇએ કોર્ટમાં અને બીજી રીતે મારું પૂરતું રક્ષણ કર્યું. પત્નીનો પ્રેમ ન મળે તો વાચકો અને તંત્રીઓનો પ્રેમ તો જોઇએને?

પત્રકારત્વમાં ઇન્ટરવ્યૂની કડવી મીઠી

પત્રકારત્વમાં કડવા અનુભવો જ પત્રકાર માટે ટોનિક છે. તેનાં ગાણાં ન ગવાય. બર્નાર્ડ લેવિન નામના લંડનના ટાઇમ્સના પત્રકાર-કટારલેખક કહે છે કે પત્રકારે ભસતા રહેવું જોઇએ. કરડતા રહેવું જોઇએ પણ સામે જો રાજકારણી કૂતરો હોય તો તેનાં બટકાં સહન કરવાં જોઇએ. અબ્દુલ રહેમાન અંતુલે ઇન્દિરાજીની કૃપાથી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન થયા. તેની પબ્લિસિટી માટે ઇન્ટરવ્યૂ ગોઠવાતા હતા. તેમાં ભૂલથી મને બોલાવ્યો. અંતુલેને મેં આકરા સવાલો પૂછવા માંડયા અને પછી એક સવાલ આકરો નહોતો તેનું પરિણામ ભોગવવું પડયું. મેં પૂછ્યું,‘આજકાલ ચક્ષુદાનની તમે ઝુંબેશ ચલાવો છો, તમે તમારા ચક્ષુદાનની વ્યવસ્થા કરી છે?

અંતુલેસાહેબ એકમદ ખીજાઇ ગયા. ખીજાવાનું બહાનુ કાઢયું. મને ટાળવો હતો. તેણે કહ્યું, ‘તમે જાણો છો હું મુસ્લિમ છું. અમે અમારા કોઇ અંગને ખોડું કરતાં નથી. શરીરથી અલગ કરતા નથી.’ આવું બહાનું કાઢીને મને કેબિન બહારનો રસ્તો બતાવ્યો. પછી ખબર પડી કે તેમણે તેમના જનસંપર્ક અધિકારીને ધધડાવ્યો ‘આવા કાંતિ ભટ્ટને શું કામ આવવા દીધો.’

ઓશો રજનીશ અમેરિકાથી ધકેલાઇને પાછા આવ્યા ત્યારે (જુહુ સ્કીમ) મુંબઇમાં એક ભકતને ઘરે પ્રેસ કોન્ફરન્સ રાખી. આખા ભારતના મુખ્ય પત્રકારો અને ટાઇમ, ન્યૂઝ વીક અને ન્યૂ યોર્ક ટાઇમ્સના પત્રકારો હતા. કોને પ્રથમ બોલાવવો? આવું લિસ્ટ રજનીશના મુખ્ય ભકતોને અપાયું. મને સૌ પ્રથમ ચાન્સ મળ્યો.

૧૦૦ જણના ઓડિયન્સમાં હું રજનીશ સામે સોફામાં બેઠો. મેં પ્રથમ પ્રશ્ન પૂછ્યો, ‘ભગવાન! તમારે કેમ અમેરિકાથી ભાગવું પડયું?’ રજનીશની ભòકુટી ચઢી ગઇ. શાંતિ અલોપ થઇ ગઇ. મને કહે, ‘તમારે કારણે’. મેં ફરીથી પૂછ્યું, ‘પત્રકારોને કારણે?’ ‘ના તમારે કારણે.’ ફરી પૂછ્યું ‘મારે કારણે એટલે કે કાંતિ ભટ્ટને કારણે?’ તો કહે ‘હા કાંતિને કારણે.’

એ પછી સો જણની હાજરીમાં મને ટી.વી. કેમરા સામે (જે આજેય ઘણા ટી.વી.માં જુએ છે) ધધડાવી નાખ્યો, પણ પછી રજનીશને બદલે મેં ચિત્ત પર ખૂબ શાંતિ રાખી ભગવાનને ઠંડા કર્યા, પણ તેમના કહેવાનું તાત્પર્ય સમજવા જેવું છે. આજે પત્રકારોએ કે તમામ લોકોએ સમજવા જેવું છે. તમે અમદાવાદ, રાજકોટ કે ઉપલેટાના પત્રકાર હો કે સરપંચ હો. તમે બોલો કે બેજવાબદારીવાળું લખો તેનાં આંદોલનો જગતભરમાં ફેલાય છે. કોઇ પણ વાતનાં આંદોલનો ફેલાય તે માટે પત્રકારે જવાબદારીથી લખવું. પત્રકારે કે કોઇ પણે ખૂબ વિચારીને બોલવું-લખવું. ખરાબ આંદોલન જલદી પ્રસરે છે.

પત્રકાર તરીકે ઇન્ટરવ્યૂમાં ભાગ્યે જ સરળતા હોય છે. પત્રકાર બંધુઓને ભલામણ કરું છું કે અમિતાભ બરચનનો ઇન્ટરવ્યૂ લેવામાં બિલકુલ સમય ન બગાડવો. એ બેટમજી કદી જ તમને જોઇતી માહિતી નહીં આપે. તેને જે કહેવું હશે તે કહેશે. મને આ અનુભવ છે. એટલો સુક્કો છે કે પત્રકારને પાણીનું પણ પૂછશે નહીં.

આ અમિતાભ બીમાર હતો ત્યારે તેની સારવાર કરતા ત્રણ ડોકટરોના ઇન્ટરવ્યૂ કોઇને મળતા નહોતા. એક ડોકટરે કહ્યું કે ડોકટરી વિશે થોડુંક પણ તમારું જ્ઞાન બતાવો. મારે અમિતાભની આખી બીમારી અને એલોપેથિક ઇલાજ, પેટ અને આંતરડાની-શરીર રચના વગેરેનો અભ્યાસ કરીને ડોકટરને જ્ઞાન બતાવવું પડયું. આખરે મને જ અમિતભાની ખરી હાલતના સમાચાર મળ્યા જેને પછી જન્મભૂમિમાંથી ટપકાવીને મુંબઇના અંગ્રેજી અખબારે લીધેલા.

દાઉદ ઇબ્રાહીમને પાકમોડિયા સ્ટ્રીટમાં રાત્રે ૧ વાગે મળવા બોલાવ્યો. હું અને શીલા ભટ્ટ હરખાતાં હરખાતાં ગયાં. બે કલાક બેસાડીને પછી ઘણી માહિતી આપી, પણ બે કલાકને અંતે કહ્યું ‘આ ઇન્ટરવ્યૂ છાપવાનો નથી..!’ દળી દળીને ઢાંકણીમાં જેવો ઘાટ થયો, પણ ત્યારે અંગ્રેજી અખબારોમાં સાંજના દૈનિકના રિપોર્ટરમાંથી કેટલાક દાઉદના પેરોલમાં હતા તે ખબર પડી.

દાઉદ મુંબઇમાં હતો ત્યારે જ એક સાંજના અખબારે પહેલા પાને છાપ્યું હતું, ‘દાઉદ ઇન દુબઇ!’ પરંતુ આ પ્રસંગ લખવાનું પ્રયોજન એ છે કે દાઉદે ત્યારે તેની મનની મરજી પ્રગટ કરેલી. (૧૯૮૬-૮૭) કે તે ગુનાખોરીથી કંટાળી ગયો છે. ‘જો તમે પત્રકારો પહેલ કરીને મુખ્ય પ્રધાનને જણાવો તો મારે શરણે જવું છે…’ પછી સાંભળવા મળેલું કે અમારા આ ઇન્ટરવ્યૂની ત્રણેક ભ્રષ્ટાચારી ઓફિસરોને ખબર પડી ગઇ. તેણે દાઉદને શરણાગતિની હરકત ન કરવા કહેલું. જો શરણે થાય તો દાઉદ તરફથી મળતા લાખ્ખોના હપ્તા બંધ થઇ જાય!

 

One response to “એક પીડાયેલા પત્રકારની કથા

  1. vijaysinh jadeja

    નવેમ્બર 29, 2012 at 11:43 એ એમ (am)

    nice story………..

     

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: