RSS

આદિલ મન્સૂરી સાહેબ

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

– આદિલ મન્સૂરી (જન્મ: ૧૮ મે ૧૯૩૬ – મૃત્યુ: ૬ નવેમ્બર ૨૦૦૮)
—————————
તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે,
મરણ આવે છે ત્યારે જિંદગીનું મૌન બોલે છે.

મિલનની એ ક્ષણોને વર્ણવી શકતો નથી જ્યારે
શરમભારે ઢળેલી આંખડીનું મૌન બોલે છે.

વસંતો કાન દઇને સાંભળે છે ધ્યાનથી એને,
સવારે બાગમાં જ્યારે કળીનું મૌન બોલે છે.

ગરજતાં વાદળોન ગર્વને ઓગાળી નાખે છે,
ગગનમાં જે ઘડીએ વીજળીનું મૌન બોલે છે.

ખરેખર તે ઘડી બુદ્ધિ કશું બોલી નથી શકતી,
કે જ્યારે પ્રેમની દીવાનગીનું મૌન બોલે છે.

સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઇને ‘આદિલ’,
જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.

– આદિલ મન્સૂરી
————————————-
સતત એક પળ વિસ્તરે છે, (પરંતુ;)
સમય – રિક્તતાને ભરે છે, (પરંતુ.)

કોઈ એક છાયા, કોઈ એક છાયા,
દીવાલોને તોડી સરે છે, (પરંતુ.)

આ ઊંડાણ તારું, સમંદરનું મારું,
સપાટી થઈને તરે છે, (પરંતુ.)

તિમિર પ્યાલીઓમાં ઠરે રાત ઢળતાં,
કોઈ રોજ સૂરજ ધરે છે, (પરંતુ.)

નહીંતર કશો ભય નથી જીવવામાં,
કશુંક છે કે લોકો ડરે છે, (પરંતુ.)

બધી સરહદો ઓગળી જાય આખર,
ક્ષિતિજ માથું ઊંચું કરે છે, (પરંતુ.)

કશું શબ્દ અને અર્થની વચ્ચે હરપળ,
નથી જન્મતું ને મરે છે, (પરંતુ.)

– ‘આદિલ’ મન્સૂરી
————————————
કેટલી માદકતા સંતાઈ હતી વરસાદમાં !
મસ્ત થઈ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી વરસાદમાં !

રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં !

કેટલો ફિક્કો અને નિસ્તેજ છે બીમાર ચાંદ
કેટલી ઝાંખી પડી ગઈ ચાંદની વરસાદમાં !

કોઈ આવે છે ન કોઈ જાય છે સંધ્યા થતાં
કેટલી સૂની પડી ગઈ છે ગલી વરસાદમાં !

એક તું છે કે તને કંઇ પણ નથી થાતી અસર,
ભેટવા દરિયાને ઊછળે છે નદી વરસાદમાં.

લાખ બચવાના કર્યા એણે પ્રયત્નો તે છતાં
છેવટે ‘આદિલ’ હવા પલળી ગઇ વરસાદમાં.

– આદિલ મન્સૂરી
———————————–
દિનરાત વધતો જાય છે વિસ્તાર શબ્દનો
ફાવી ગયો બધાયને વ્યાપાર શબ્દનો

ને મૌન દ્વારા વાત હું સમજાવી ના શક્યો
લેવો પડ્યો ન છૂટકે આધાર શબ્દનો

વાણીનું રણ સતત હજી ફેલાતું જાય છે
ઊંચકીને ક્યાં લગી હું ફરું ભાર શબ્દનો

થાકીને અંતે આંગળા થીજી ગયાં બધાં
બંધાયો ક્યાં છતાંય તે આકાર શબ્દનો

જ્યાં અર્થ અંધકારની ભીંતો ચણી રહ્યા
ત્યાં કેવી રીતે થઈ શકે વ્હેવાર શબ્દનો

-આદિલ મન્સૂરી
*************************

આ જિંદગીયે ખરેખર મજાક લાગે છે
કે ઘરમાં બેસી રહેવાનો થાક લાગે છે.

ઘડી ઘડી હવે પડછાયો જાય રિસાઈ
કે વાતવાતમાં એનેય નાક લાગે છે.

બધાય પંથ વળી જાય છે તમારી તરફ
તમારા પંથે બધાયે વળાંક લાગે છે.

મરણ દરેકની સાથે કર્યા કરે રકઝક
બહુ અનુભવી જૂનો ઘરાક લાગે છે.

અમાસ આવતા ફિક્કો ને ઓગળેલો ચાંદ
મિલનની પૂનમે તો ફૂલફટાક લાગે છે.

હજીયે કંપે છે ‘આદિલ’ બધાય પડછાયા
કોઈના નામની ચોમેર ધાક લાગે છે.

-આદિલ મન્સૂરી
————————–
કશુંય કહેવું નથી સૂર્ય કે સવાર વિષે,
તમે કહો તો કરું વાત અંધકાર વિષે.

ન કોઈ ડાળે રહસ્યોનાં પાંદડા ફૂટ્યા,
કળીના હોઠ ઊઘડતા નથી બહાર વિષે.

સતત થતા રહ્યા વચમાં મરણના ઉલ્લેખો,
ને વાત ચાલી હતી તારા ઈંતેઝાર વિષે.

બિચારો દર્દી કશું બોલતો નથી ને છતાં,
તબીબો ઝઘડે છે આપસમાં સારવાર વિષે.

હજીયે તાજા છે શબ્દોના સર્વ ઘા ‘આદિલ′,
હજીયે લોહી ટપકતું કલમની ધાર વિષે.

– આદિલ મન્સુરી
——————————–
માનવના થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો
જે કાંઈ બની ગયો એ બરાબર બની ગયો.

માનવના થઈ શક્યો તો…
એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યા

મારો જ પ્રશ્ન એમનો ઉતર બની ગયો.
માનવના થઈ શક્યો તો….

વર્ષો પછી મળ્યા તો નયન ભીના થઈ ગયા
સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો.

માનવના થઈ શક્યો તો….
એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યા

મારો જ પ્રશ્ન એમનો ઉતર બની ગયો.
માનવના થઈ શક્યો તો….

છે આજ મારા હાથમાં મહેંન્દી ભરેલા હાથ
મારો ય હાથ આજ તો સુંદર બની ગયો.

માનવના થઈ શક્યો તો…
આદિલના શેર સાંભળી આશ્ચર્ય થઈ ગયું

ગઈ કાલનો આ છોકરો શાયર બની ગયો.
માનવના થઈ શક્યો તો….

-આદિલ મન્સુરી
———————————–
દિલ છે ખાના ખરાબ માંગે છે.
પાનખરમાં ગુલાબ માંગે છે.

હોઠ પર હોય છે રટણ તારું
આંખ તારાજ ખ્વાબ માંગે છે.

આમ ખામોશ ક્યાં સુધી રહેશો,
આખી દુનિયા જવાબ માંગે છે.

શેખ સાહિબને શું થયું આજે,
આચમનમાં શરાબ માંગે છે.

મીણ થઈ ઓગળે છે જંજીરો,
ને સમય ઇંન્કિલાબ માંગે છે.

યાતના જીવવાની કયાં કમ છે,
કે તું એનો હિસાબ માંગે છે.
__આદિલ મન્સૂરી
—————————-
સ્વપ્નમાં દીવાલને ઘોળ્યા કરું.
એક પીળી લાગણી ચોળ્યા કરું.

ચોતરફ ખંડેર ફેલાઈ રહ્યું,
ચોતરફ હું મારું ઘર ખોળ્યા કરું.

આ નદી તો સાવ સુકાઈ ગઇ
ને હું ખાલી આંગળી બોળ્યા કરું.

જે સતત જાગ્યા કરેછે રાત દિન,
હું હમેશા એને ઢંઢોળ્યા કરું.

કારમી તંગી નડે છે પ્રાસની,
શબ્દે શબ્દે પ્રાસ ફંફોળ્યા કરું.

મૃત્યુનું અમૃત મળે ના ત્યાં સુધી,
જિંદગીના ઝેરને ઘોળ્યા કરું.

ખાલીપો આકંઠ છલકાઈ રહ્યો,
તે હું આદિલ ચોતરફ ઢોળ્યા કરું.

_ આદિલ મન્સૂરી
—————————
કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો
ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો

જમાનો એને મુર્છા કે મરણ માને ભલે માને
હું બન્ને આંખ મીંચી દઉં તમે સપના સુધી આવો

તમારા નામના સાગરમાં ડૂબી તળીયે જઈ બેઠો
હું પરપોટો બની ઉપસું તમે કાંઠા સુધી આવો

જરૂરી લાગશે તો તે પછી ચર્ચા ય માંડીશું
હું કાશી ઘાટ પર આવું તમે કાબા સુધી આવો

હું છેલ્લી વાર ખોબામાં ભરી લેવા કરું કોશિશ
અરે ઓ મૃગજળો આવો હવે તરસ્યા સુધી આવો

ગમે ત્યારે ગઝલ જીવનની પૂરી થઈ જશે આદિલ
રદીફ ને કાફિયા ઓળંગીને મકતા સુધી આવો

– આદિલ મન્સૂરી
————————————
તમે ચારે તરફ બ્રહ્માંડ્ થઈને વિસ્તરી જાઓ
પરતું મારી દષ્ટિનું પડળ અળગું કરી જાઓ

ગઝલની ભીની રેતી પર તમે પગલાં કરી જાઓ
બધાંયે છીપલાં ખાલી પડ્યાં મોતી ભરી જાઓ

કોઈ દરવેશ દ્વારે ક્યારનો ચુપચાપ ઊભો છે
ઉઘાડો બારણું ને હાલ પર દષ્ટિ કરી જાઓ

હવે આ તૂટલી હોડી લઈને ક્યાં સુધી ફરશો
કિનારા દૂર છે, આ બેટ ઉપર લાંગરી જાઓ

અતિથિ થઈ મરણ જો બારણે આવે તો દેવોભવઃ
તે કાઢો પ્રાણની ચાદર ને પગમાં પાથરી જાઓ

ભલે એ દ્વાર ના ખોલે ભલે એ હાલ ના પૂછે
છતાં એ આંગણે આદિલ તમે પાછા ફરી જાઓ

– આદિલ મન્સૂરી
——————————-
તમે જો નીકળો રણથી તો ઝાકળની નદી મળશે
બધી સદીઓ ઉલેચાશે પછી પળની નદી મળશે

તિમિરની ભેખડો ચારે તરફથી જ્યાં ધસી આવે
તમે જો હાથ લંબાવો તો ઝળહળની નદી મળશે

સતત તરસે સૂકાઈને બધું નિષ્પ્રાણ થઈ જાશે
નિરાશાના અતલ ઊંડાણે વાદળની નદી મળશે

પ્રપંચોના બધા શઢ ને હલેસાં કામ નહીં આવે
મરણના રૂપમાં જ્યારે મહાછળની નદી મળશે

તમે મુક્તિનો જેને ધોધ સમજી ઝંપલાવો છો
સપાટી નીચે તમને ત્યાં જ સાંકળની નદી મળશે

તમારા લોહીની શાહી જ સૂકાઈ જશે આદિલ
પછી તો ઘેર બેઠા તમને કાગળની નદી મળશે

– આદિલ મન્સૂરી
———————————
આદિલ કરો વિચાર, નહીં જીરવી શકો
સુખના બધા પ્રકાર નહીં જીરવી શકો

ઈશ્વરનો પાડ માનો કે પડતી નથી સવાર
સૂરજનો અંધકાર નહીં જીરવી શકો

થાકી જશો શરીરની સાથે ફરી ફરી
હોવાપણાનો ભાર નહીં જીરવી શકો

આ ભીડમાંથી માર્ગ નહીં નીકળે અને
એકાંત પણ ધરાર નહીં જીરવી શકો

મારગમાં એક એવી અવસ્થા ય આવશે
જ્યાં મૌનનો ય ભાર નહીં જીરવી શકો

મૃત્યુનો ઘા કદાચ તમે જાવ જીરવી
જીવનનો બેઠ્ઠો માર નહીં જીરવી શકો

મિત્રો કે શત્રુઓથી બચી નીકળો પછી
પડછાયાનો પ્રહાર નહીં જીરવી શકો

માથું ઘણુંજ નાનું છે પંડિતજીને કહો
આ પાઘડીનો ભાર નહીં જીરવી શકો

મૂકીએ ગઝલના ચોકે બનાવીને બાવલું
માથે સતત હગાર નહીં જીરવી શકો

આદિલ સુખેથી શ્વાસ નહીં લઈ શકો તમે
એના સતત વિચાર નહીં જીરવી શકો

– આદિલ મન્સૂરી
—————————–
હાટો જુદી કરી ને હટાણાં જુદા કર્યાં
એકેક વીણી વીણી ઘરાણાં જુદા કર્યાં

જોવાનું દ્શ્ય જ્યારે વહેંચી શક્યા નહીં
ત્યારે બધાયે ભીંતમાં કાણાં જુદા કર્યાં

જીવતર-પછેડી જેને બધા ઓઢતા હતા
તેના બધાય તાણા ને વાણા જુદા કર્યા

ભેગા મળીને જેના ઉપર ઘર ચણ્યું હતું
પાયાઓ ખોદી ખોદી તે પાણા જુદા કર્યા

સાગમટે લઈ જવા પડ્યા સહિયારી કબ્રમા
આવ્યા’તા ત્યારે સર્વના આણાં જુદા કર્યાં

અવકાશમાં ધુમાડો બધો એક થઈ રહયો
ધરતી ઉપર ભલે તમે છાણાં જુદા કર્યાં

ખખડાટ વાસણોનો વધ્યો જ્યારે ખોરડે
તે છાપરા તળે ન સમાણા જુદા કર્યા

ખેતરમાં સૌએ સાથે મળી ખેડ તો કરી
જ્યારે ફસલ લણાઈ તો દાણા જુદા કર્યા

ભૂખ્યાજનોને પારણાં કરવાને નોતરી
મોઢાંઓ જોઈ જોઈને ભાણાં જુદા કર્યાં

આ જીદંગી જ એક ઉખાણું હતું પ્રથમ
આગળ જતા બધાયે ઉખાણાં જુદા કર્યાં

મનસુબા રાતોરાત બધા પાર પાડવા
પારંગતો હતા જે પુરાણા જુદા કર્યા

યાદીઓ જોતજોતામાં તૈ્યાર થઈ ગઈ
જેના લલાટે લેખ લખાણા જુદા કર્યા

દુર્ભાગી માણસોના મરણના બજારમાં
સૌદાગરોએ વિશ્વમાં નાણાં જુદા કર્યાં

માણસના હાથે જીવતા સળગાવ્યા તેનાથી
ભૂકંપે જીવતા જે દટાણા જુદા કર્યા

બે આંખનીયે કોઈને નડતી નથી શરમ
પાડોશીઓ જે જોઈ લજાણા જુદા કર્યા

કોઇએ ગદ્ય, ગીત અને કોઈએ ગઝલ
આદિલ બધાયે પોતાના ગાણાં જુદા કર્યાં
———————————–
લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી.
ફૂલો દબાઈ જાયના ખૂશ્બોના ભારથી.

એની સતત નજર અને મારા હૃદય ઉપર?
કિરણોની દોસ્તી અને એ પણ તૃષારથી?

એને ખબર શું આપના ઝુલ્ફોની છાંયની ,
શોધી રહ્યો છે રાતને સૂરજ સવારથી.

થોડો વિચાર મારા વિષે પણ કરી લઉં,
ફુરસદ મને મળે જો તમાર વિચારથી.

સુખનાય આટલા જ પ્રકારો જો હોય તો,
મનમાં વિચાર આવે છે ,દુ:ખના પ્રકારથી.

અંદર જુઓ તો સ્વર્ગંનો આભાસ થાય પણ,
ખડેર જેવું લાગે છે ‘આદિલ’ બહારથી.
———————————–
શૂન્યતામાં પાનખર ફરતી રહી.
પાંદડીઓ આભથી ખરતી રહી.

ને પવનનું વસ્ત્ર ભીનું થઇ ગયું,
ચાંદનીની આંખ નીતરતી રહી.

સૂર્ય સંકોચાઇને સપનું બન્યો,
કે વિરહની રાત વિસ્તરતી રહી.

મૌનની ભીનાશને માણ્યા કરી,
ઝૂલ્ફમાં બસ અંગુલી ફરતી રહી.

હું સમયની રેતમાં ડૂબી ગયો,
મૃગજળે મારી તૃષા તરતી રહી.

તેજ ઉંડાણોમાં ખળભળતું રહ્યું,
કામનાઓ આંખમાં ઠરતી રહી.

આપણો સબંધ તો અટકી ગયો,
ને સ્મૃતિની વેલ પાંગરતી રહી.

હા બધા લાચાર થઇ જોતા રહ્યા,
હાથમાંથી જિંદગી સરતી રહી
————————–
દિલ ન લાગે કિનારે, તો હું શું કરું?
દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું?

હું કદી ના ગણું તુજને પથ્થર સમો,
તું જ એ રૂપ ધારે, તો હું શું કરું?

હો વમળમાં તો મનને મનાવી લઉં,
નાવ ડૂબે કિનારે, તો હું શું કરું?

આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં
કોઈ પાલવ પ્રસારે, તો હું શું કરું?

રી ઝૂલ્ફોમાં ટાંકી દઉં તારલાં,
પણ તું આવે સવારે, તો હું શું કરું?

આદિલ મન્સૂરી
———————————-
મૃત્યુના મૃગજળની માયા વિસ્તરી રજકણ સુધી,
સેંકડો જન્મોની છાયા જિંદગીના રણ સુધી.

વાત વિસ્તરતી ગઈ કારણની સીમાઓની બ્હાર,
બુધ્ધિ તો અટકી ગઈ પહોંચીને બસ કારણ સુધી.

બ્હાર ઘટનાઓના સૂરજની ધજા ફરકે અને,
સ્વપ્નના જંગલનું અંધારું રહે પાંપણ સુધી.

નિત્ય પલટાતા સમયમાં અન્યની તો વાત શી,
મારો ચ્હેરો સાથ ના આપે મને દર્પણ સુધી.

કાંકરી પૃથ્વીની ખૂંચે છે પગે પગ ક્યારની,
આભની સીમાઓ પૂરી થાય છે ગોફણ સુધી.

કાળનું કરવું કે ત્યાં આદિલ સમય થંભી ગયો,
જ્યાં યુગોને હાથ પકડી લઈ ગયો હું ક્ષણ સુધી.

આદિલ મન્સૂરી
—————————————-
ક્યાં કહું છું કે મદિરા જ વધારી આપો,
જિંદગીભર જે રહે એવી ખુમારી આપો.

ફૂલની જેમ અમે સાચવી રાખ્યું છે હૃદય,
દર્દ આપો તો જરા વિચારી આપો.

ચાંદની જેમના પાલવનું શરણ શોધે છે,
એ કહે છે મને ચાંદ ઉતારી આપો.

ચાંદ મહેમાન બની આવ્યો છે આજે ઓ પ્રભુ!
આજ તો રાતની સીમાઓ વધારી આપો.

ખ્વાબમાંયે કદી ‘આદિલ’ને દઇને દર્શન,
એની ગઝલના બધા શેર મઠારી આપો.

– ‘આદિલ’ મન્સૂરી
——————————-
ફૂલો બની ભલેને અમે તો ખરી ગયા,
ખુશ્બૂથી કિંતુ આપનો પાલવ ભરી ગયા.

પ્રેમાગમાં બળીને પતંગા ઠરી ગયા,
કિંતુ શમાનું નામ તો રોશન કરી ગયા.

નૌકા હતી છતાંય હું ડૂબી ગયો ખુદા!
તરણું લઇને લોક તો સાગર તરી ગયા.

પથ્થર બની હું જોતો રહ્યો કાળની ગતિ,
વર્ષો જીવનનાં પાણી બનીને સરી ગયા.

જેઓની પાસે મારાં દુઃખોનો ઇલાજ છે,
તે આવી ઓર દુઃખમાં વધારો કરી ગયા.

– ‘આદિલ’ મન્સૂરી
——————————-
સામાં મળ્યા તો એમની નજરો ઢળી ગઇ
રસ્તા મહીં જ આજ તો મંજિલ મળી ગઇ.

સાચે જ મીણ જેવી હતી મારી જિંદગી,
દુઃખનો જરાક તાપ અડ્યો ઓગળી ગઇ.

મારાથી તો એ આંસુ વધુ ખુશનસીબ છે,
જેને તમારી આંખમાં જગ્યા મળી ગઇ.

કહેતી ફરે છે બાગમાં એકેક ફૂલને,
તુજ આગમનની વાત હવા સાંભળી ગઇ.

મન કલ્પનામાં ચૌદે ભુવન ઘૂમતું રહ્યું,
દ્રષ્ટિ ક્ષિતીજ સુધી જઇ પાછી વળી ગઇ.

‘આદિલ’ ઘરેથી નીકળ્યો મિત્રોને શોધવા,
ઓ દુશ્મની તું રાહમાં ક્યાંથી મળી ગઇ?

———————————
સંબંધોય કારણ વગર હોય જાણે
આ માણસ બીજાઓથી પર હોય જાણે.

ઉદાસી લઇને ફરે એમ પાગલ,
રહસ્યોની એને ખબર હોય જાણે.

મકાનોમાં લોકો પુરાઇ ગયા છે,
કે માણસને માણસનો ડર હોય જાણે.

હવે એમ વેરાન ફાવી ગયું છે,
ખરેખર આ મારું જ ઘર હોય જાણે.

કરે એમ પૃથ્વી ઉપર કામનાઓ,
બધા માનવીઓ અમર હોય જાણે.

– ‘આદિલ’ મન્સૂરી
—————————
શબ્દ જે તુજ હોઠ પર આવ્યા હતા,
એ તો મારા મૌનના પડઘા હતા.

આંખમાં આંસુ સદા રહેતા હતા,
પણ પ્રસંગો સાચવી લીધા હતા.

એની ખુશ્બૂ પણ મને ડંખી ગઇ.
ફૂલના દિલમાંય શું કાટા હતા?

આમ જોકે યાદ છે તારી ગલી,
ભૂલવાના પણ ઘણા રસ્તા હતા.

આમ પણ હું તો દુઃખી રહેતો હતો.
પણ પછી તેઓય પસ્તાયા હતા.

આપ શું જાણો કે ક્યાં વીજળી પડી?
આપ તો ઘૂંઘટમાં શરમાયા હતા.

ખુદ મને હું શોધવા ફરતો હતો,
ચોતરફ મારા જ પડછાયા હતા.

—————————
મારા જીવનની વાત, ને તારા જીવન વિના,
ધરતીની કલ્પના નહીં આવે ગગન વિના.

ઉન્નત બની શકાય છે ક્યારે પતન વિના?
મસ્તક બુલંદ થઇ નથી શકતું નમન વિના.

વીજળીની સાથે સાથે જરુરી છે મેઘ પણ,
હસવામાં કંઇ મજા નહીં આવે રૂદન વિના.

કરતા રહે છે પીઠની પાછળ સદા પ્રહાર,
એ બીજું કોણ હોઇ શકે છે સ્વજન વિના?

આંસુઓ માટે કોઇનો પાલવ તો જોઇએ,
તારાઓ લઇને શું કરું ‘આદિલ’ ગગન વિના?

– ‘આદિલ’ મન્સૂરી
————————————
હવાનાં ઊછળતાં હરણ આવશે
ને સૂરજનું ધગધગતું રણ આવશે

ઊઘડતો જશે એક ચહેરો સતત
સ્મરણમાંય એનું સ્મરણ આવશે

હશે કોઈ સામે ને અડવા જતાં
ત્વચા સ્પર્શનું આવરણ આવશે

રહેવા દો દરવાજા ખુલ્લા હવે
છે આશા હજી એક જણ આવશે

તમે પાછા કરશો ખુલાસા નવા
અને અમને વિશ્વાસ પણ આવશે

સમયની તો સીમાઓ પૂરી થઈ
હવે જોઈએ કેવી ક્ષણ આવશે

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે

– આદિલ મન્સૂરી
————————–

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: