RSS

– અમૃત ઘાયલ –

નામ : અમૃતલાલ ભટ્ટ

ઉપનામ : ઘાયલ

જન્મ : 19-8-1916 – સરધાર – જિ. રાજકોટ

અવસાન : 25 – ડીસેમ્બર – 2002, રાજકોટ

કુટુમ્બ :

માતા – સંતોકબેન
પિતા – લાલજીભાઇ
પત્ની – તારા ( લગ્ન – 1932 , સણોસરા, અવસાન – 1947 ) ; ભાનુમતી ( લગ્ન – 1950- – વાડોદર)
સંતાનો – 8

અભ્યાસ :

સાત ધોરણ સુધી- સરધાર
1937 સુધી – આલ્ફ્રેડ હાઇસ્કૂલ , રાજકોટ
1947- મેટ્રીક , પાજોદમાં નોકરીની સાથે
1948- ધર્મેન્દ્રસિંહ કોલેજ રાજકોટમાં આર્ટ્સ માં જોડાયા અને અભ્યાસ છોડ્યો

વ્યવસાય :

1939- 1948- પાજોદ દરબાર ઇમામુદ્દીનખાન મુર્તઝાખાન બાબી ‘રૂસવા’ના રહસ્યમંત્રી, ( રજવાડાઓનું વિલીનીકરણ થતાં નોકરી છૂટી)
1949- 1958 PWD માં
1959- 1973 રેવન્યુ ખાતામાં વિવિધ જગાએ નોકરી

જીવનઝરમર :

1938- ક્રિકેટ માટે શિષ્યવૃત્તિ
1939- ‘રૂસવા’ સાથે ગઝલ જગતમાં પ્રવેશ અને ઉર્દૂ અને હિંદી ગઝલકારો સાથે સત્સંગ, ‘શૂન્ય’પાલનપુરી સાથે દોસ્તી, ‘શૂન્ય’ તખલ્લૂસ સુચવ્યું
1954- પ્રથમ ગઝલસંગ્રહ ‘શૂળ અને શમણાં’ નું પ્રકાશન
1973 બાદ – નિવૃત્તિ બાદ રાજકોટમાં કાયમી નિવાસ
1978 – રશિયા પ્રવાસ
1964- ક્ષયનો હૂમલો
જીવન ભર શરાબના શોખીન

પ્રદાન :

10- કાવ્ય સંગ્રહો, 1- ધાર્મિક , 1- વર્ણન

મૂખ્ય કૃતિઓ :

ગઝલ – શૂળ અને શમણાં, રંગ, રૂપ, ગઝલ નામ સુખ, સમગ્ર ગઝલ – આઠોં જામ ખુમારી
ધાર્મિક – સાન્તવ સત્સંગ
વર્ણન – મધુર સ્મૃતિ

સન્માન : 34 થી વધારે સંસ્થાઓ દ્વારા સન્માન ‘કુમાર’નો કલાપી એવોર્ડ,ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કાર

—————————————————————————————————————

અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ
મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’
ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ

ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
સંસારમાં રહીને શાયર થઇ શકું છું
નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું

અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.

નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું
કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું

– અમૃત ઘાયલ

——————————————-

કંઇ ક્યારનો આમ જ મુગ્ધ બની, આ મીનાબજારે ઉભો છું
લાગી છે કતારો નજરોની, નજરોની કતારે ઉભો છું

આ તારી ગલીથી ઉઠી જવું, સાચે જ નથી મુશ્કીલ કિંતું
તું સાંભળશે તો શુ કહેશે, બસ એ જ વિચારે ઉભો છું

સમઝાતું નથી કંઇ ક્યાંથી મને, આ આવું લાગ્યું છે ધેલું
જાકારો મળ્યો તો જ્યાં સાંજે, ત્યાં આવી સવારે ઉભો છું

જોયા છે ઘણાંને મેં ‘ઘાયલ’, આ ટોચેથી ફેંકાઇ જતા
એકાદ ઘડી આ તો એમ જ, આવીને મિનારે ઉભો છું

– અમૃત ઘાયલ

——————————————————

કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.

લજ્જાથકી નમેલી પાંપણ મને ગમે છે,
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.

જીવન અને મરણની હરક્ષણ મને ગમે છે,
એ ઝેર હોય અથવા મારણ મને ગમે છે.

ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાનાં તો પણ મને ગમે છે.

હસવું સદાય હસવું, દુ:ખમાં અચૂક હસવું,
દીવાનગીતણું આ ડહાપણ મને ગમે છે.

આવી ગયાં છો આંસુ, લૂછો નહીં ભલા થઇ,
આ બારેમાસ લીલાં તોરણ મને ગમે છે.

લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે

દિલ શું હવે હું પાછી દુનિયા ય પણ નહીં દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.

હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગીના! વળગણ મને ગમે છે.

ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં!
આ ખોળિયાની જેમ જ ખાંપણ મને ગમે છે!

‘ઘાયલ’, મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મેં રોઇને ભર્યા છે, એ રણ મને ગમે છે.

– અમૃત ઘાયલ

————————————————

અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી,
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી.

કોઈનાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી!
જવાનીમાં મરણની પૂર્વતૈયારી કરી લીધી.

અમે મગરૂર મનને મારી લાચારી કરી લીધી,
કરી લીધી જીવન તારી તરફદારી કરી લીધી.

ઘડીઓ આ જુદાઈની અને તે પણ જવાનીમાં?
અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી.

મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી!

ભલે એ ના થયાં મારાં, ભલા આ સ્નેહ શું કમ છે?
ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીધી.

કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.

મઝાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને,
અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી.

હવે મિત્રો ભલે ગુસ્સો ગઝલ પર ઠાલવે ‘ઘાયલ’,
અમારે વાત બે કરવી હતી પ્યારી, કરી લીધી.

– અમૃત ઘાયલ

————————————————-

જીવન સ્વપ્ન છે એ જ જૂનાં પરંતુ,
નવેસરથી એવી મરામત કરી છે;
શિકલ બદલી ગઈ છે આ ખંડેર કેરી-
તમે પણ કહેશો કરામત કરી છે.

ઉપેક્ષા નથી ક્યારે પણ એની કીધી,
અમે સૌ અવસ્થાની ઈજ્જત કરી છે;
શરાબીની યૌવનમાં સોબત કરી છે-
ફકીરોની ઘડપણમાં ખિદમત કરી છે.

કસમ ઘેલછાના, જીવનમાં કદાપિ
નથી પાછી પાની કરી કોઈ પંથે;
મહોબત કહો તો મહોબત કરી છે-
બગાવત કહો તો બગાવત કરી છે.

જુવાનીના દિવસો એ રંગીન રાતો,
ખુવારી મહીં એ ખુમારીની વાતો;
સદીઓ અમે બાદશાહી કરી છે-
હકૂમત વિના પણ હકૂમત કરી છે.

કહો દંભીઓને કે સમજાવે એને,
કંઈ બંડ પાછું ન પોકારી બેસે.
કહે છે જવાનોએ ચોંકાવનારી;
ફરી એકઠી કંઈ હકીકત કરી છે.

મુબારક તમોને ગુલોની જવાની,
અમોને ન તોલો તણખલાની તોલે!
અમે એ જ બુલબુલ છીએ જેમણે આ
ચમનની હંમેશા હિફાજત કરી છે.

નથી કોઈ પણ મેળના ભાગ્યે રાખ્યા,
રહ્યા છે હવે ભાગ્યમાં માત્ર ફેરા;
અમે એમ ભટકી રહ્યા છીએ જ્યાં-ત્યાં,
વતનમાંથી જાણે કે હિજરત કરી છે.

અવર તો અવર પણ કદરદાન મિત્રોય,
રાખે છે વર્તાવ એવો અમોથી;
પરાયા વતનમાં અમે આવી જાણે,
ફિરંગીની પેઠે વસાહત કરી છે.

પરાયા પસીનાનો પૈસો છે, ‘ઘાયલ’,
કરે કેમ ના પુણ્ય પાણીની પેઠે!
કે દાનેશ્વરીએ સખાવતથી ઝાઝી,
દલિતોની દોલત ઉચાપત કરી છે.

– અમૃત ઘાયલ

—————————————

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મુંઝાઇ મનમાં, મરી જવાના !

નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
બિન્દુ મહિં ડૂબીને સિન્ધુ તરી જવાના.

કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના ?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.

છો ને ફર્યા, નથી કંઈ દીથી ડરી જવાના,
એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના.

મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે,
પ્રકાશ આંધીઓ માં પણ પાથરી જવાના.

એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે.
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.

સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ,
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના.

સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ !
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.

અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે
ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના ?

યાંત્રિક છે આ જમાનો ફાવે છે વેગવાળા,
એ યુગ ગયા વિચારી પગલાં ભરી જવાના.

દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?
આ ખોળીયું અમે ખુદ ખાલી કરી જવાના.

– અમૃત ઘાયલ

————————————————————-

નશાના ધામ તરફ મસ્તીના મુકામ તરફ,
નિગાહ છે કે રહે છે સદાય જામ તરફ.

કરી જો બંદગી સાહેબની અદબથી કરી,
વળ્યા ન હાથ અમારા કદી સલામ તરફ.

ઉઠાવો કોઈ જનાજો જવાન પ્યાસ તણો,
કે મીટ માંડી નથી જાતી ભગ્ન જામ તરફ.

હવે તો દ્રષ્ટી ફક્ત સાદગીને શોધે છે,
ગયો એ દોર કે રહેતી હતી દમામ તરફ.

એ સ્નેહનું જ રૂપાંતર છે એય પણ ક્યાંથી,
કે એમને હો તિરસ્કાર મારા નામ તરફ.

દીવાનગીમાં અજાયબ મળી ગઈ દ્રષ્ટી,
કે ફાટી આંખથી જોતા રહ્યા તમામ તરફ.

ગતિ ભણી જ નજર નોંધતા રહ્યા કાયમ,
કદી ગયા ન અમે ભૂલથી વિરમ તરફ.

જો હોય શ્રદ્ધા મુસાફર ને પૂર્ણ મંજિલમાં,
તો આપમેળે વળે છે કદમ મુકામ તરફ.

હતો એ મસ્ત પ્રવાસી કરી પ્રવાસ સફળ,
અનોખી શાનથી ‘ઘાયલ’ ગયો સ્વધામ તરફ.

– અમૃત ‘ઘાયલ’

——————————————–

અમુક વાતો હ્રુદયની બા’ર હું લાવી નથી શકતો,
કઈં અશ્રુઓ એવા છે કે ટપકાવી નથી શકતો.

કોઇને રાવ કે ફરિયાદ સંભળાવી નથી શકતો,
પડી છે બેડીયો એવી કે ખખડાવી નથી શકતો.

કળી ઉરની હું વિકસાવી કે કરમાવી નથી શકતો,
જીવન પામી નથી શકતો, મરણ લાવી નથી શકતો.

કોઈપણ દ્રુશ્યથી દિલને હું બેહલાવી નથી શકતો,
હજારો રંગ છે પણ રંગ માં આવી નથી શકતો.

ન જાણે સાનમાં શી વાત સમજાવી ગયુ કોઈ,
હું સમજુ છું છતા શબ્દોમાં સમજાવી નથી શકતો.

ન રડવાની કસમ ઉપર કસમ એ જાય છે આપ્યે,
ઊમટતા જાય છે અશ્રુ, હું અટકાવી નથી શકતો.

નિરંતર પાય છે કોઈ, નિરંતર પિઉં છું મદિરા,
પરંતુ જામ સાથે જામ ટકરાવી નથી શકતો.

નથી સમજાતુ આ છે મનની નિર્બલતા કે પરવશતા,
કદી પિધા વિના હું રંગમાં આવી નથી શકતો.

મુસીબત માંહે ખુદ્દારી મુસીબતની મુસીબત છે,
દુઆઓ હોઠ પર છે, હાથ લંબાવી નથી શકતો.

જીવન હો કે મરણ હો, કોઇ હો,એને કહી દે દિલ
કે “ઘાયલ” પી રહ્યો છે જાવ – એ આવી નથી શકતો.

– અમૃત ઘાયલ

—————————————————-

પ્રણયમા જવાની નિચોવાઇ જાશે
હવે હસતાં હસતાં ય રોવાઇ જાશે.

ન રહેશે હવે હાથ હૈયું ન રહેશે,
એ મોતી નથી કે પરોવાઇ જાશે.

નયન સાથ રમવા ન એને જવાદો
હ્રદય સાવ બાળક છે ખોવાઇ જાશે.

મરણને કહો પગ ઉપાડે ઝડપથી,
નહીં તો હવે શ્વાસ ઠોવાઇ જાશે.

સિધાવો, ન ચિંતા કરો આપ એની !
કાંઇ કામમાં મન પરોવાઇ જાશે.

કદી દાનની વાત ઉચ્ચારશો મા
કર્યું કારવ્યું નહી તો ધોવાઇ જાશે.

નિહાળ્યા કરો જે કંઇ થાય છે તે
વિચારો નહિં, મન વલોવાઇ જાશે.

વગોવે ભલે મિત્રો ‘ઘાયલ’ વગોવે !
હતું નામ શું કે વગોવાઇ જાશે ?

– અમૃત ઘાયલ

——————————————–

અદબ વાળી

તું ખોલે કે ન ખોલે દ્વાર, ઊભો છું અદબ વાળી,
ભલે પાગલ મને તું ધાર, ઊભો છું અદબ વાળી.

નથી સાચે હવે મારો રહ્યો અધિકાર ચરણો પર,
ખરેખર છું બહુ લાચાર, ઊભો છું અદબ વાળી.

હું જેને જોડવા મથતો રહ્યો, મટતો રહ્યો વર્ષો,
સંબંધોના એ તોડી તાર, ઊભો છું અદબ વાળી.

તને જો હોય કે આ જીવતરનો ભાર ઓછો છે,
વધારે મૂક માથે ભાર, ઊભો છું અદબ વાળી.

હજી મેદાનને મારા પરત્વે માન મબલખ છે,
પચાવી હાર જેવી હાર ,ઊભો છું અદબ વાળી.

હવે તો હાથ મુશ્કેટાટ મેં પોતે જ બાંધ્યા છે,
દઈ મૂંગો ખુશીથી માર, ઊભો છું અદબ વાળી.

પછી મોકો નહીં આવો મળે જીવન મહીં ‘ઘાયલ’
કરી કે આજ તું પણ વાર,ઊભો છું અદબ વાળી.

-‘ઘાયલ’

—————————————
ગભરુ આંખોમાં કાજળ થઈ, લહેરાઈ જવામાં લિજજ્ત છે,
ચર્ચાનો વિષય એ હોય ભલે, ચર્ચાઈ જવામાં લિજજ્ત છે !

વેચાઈ જવા કરતાંય વધુ વહેંચાઈ જવામાં લિજજ્ત છે,
ફુલ મહીં ખૂશ્બૂ પેઠે ખોવાઈ જવામાં લિજજ્ત છે.

પરવાના પોઢી જાયે છે ચિર મૌનની ચાદર ઓઢીને,
હે દોસ્ત, શમાની ચોખટ પર ઓલાઈ જવામા લિજજ્ત છે.

દુખ પ્રીતનું જ્યાં ત્યાં ગાવું શું? ડગલે પગલે પસ્તાવુ શું?
એ જો કે વસમી ઠોકર છે પણ ખાઈ જવામાં લિજજ્ત છે.

જે અંધ ગણે છે પ્રેમને તે આ વાત નહિં જ સમજી શકે:
એક સાવ અજાણી આંખથી પણ અથડાઈ જવામાં લિજજ્ત છે.

સારા-નરસાનું ભાન નથી પણ એટલું જાણું છું ‘ઘાયલ’,
જે આવે ગળામાં ઉલટથી એ ગાઈ જવામાં લિજજ્ત છે

-ઘાયલ

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: